GSTV
India News ટોપ સ્ટોરી

શિંદે પાસે 46 બળવાખોરો : પક્ષાંતર વિરોધી ધારાથી બચવા જરૂરી શિવસેનાના 37 ધારાસભ્યોનો પણ ટેકો, શિવસેના ગઠબંધન છોડવા તૈયાર

ઉદ્ધવ

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા અને રાજ્યના જાહેર બાંધકામ પ્રધાન એકનાથ શિંદેએ બળવો પોકાર્યા બાદ સર્જાયેલી રાજકીય પ્રવાહી પરિસ્થિતિમાં બળવાખોરોને પાછા આવવા માટે વધુ એક લાલચ આપવાના ભાગ રુપે શિવસેનાના નેતા સંજય રાઉતે પક્ષ આઘાડી છોડવા તૈયાર હોવાની વાત પણ ઉચ્ચારી હતી. જોકે, રાઉતની આ ઓફરની કોઈ ધારી અસર થઈ ન હતી. બળવાખોર જૂથે એવો સંકેત આપ્યો હતો કે તેમને ઉદ્ધવના રાજીનામાંથી ઓછું કશું જોતું નથી. બીજી તરફ , રાઉતની આ ઓફરથી આઘાડીના સાથી પક્ષો કોંગ્રેસ અને એનસીપી બંને નારાજ થયાં હતાં.જોકે, એનસીપીના સુપ્રીમો શરદ પવારે ઉદ્ધવને સમર્થનનો દેખાવ જારી રાખતાં કહ્યું હતું કે બળવાખોરોએ એકવાર મુંબઈ પાછા આવે એ બળાબળનાં જે કોઈ પારખાં કરવાં હોય તે વિધાનસભાના ફ્લોર પર જ થવાં જોઈએ. આ દરમિયાન , ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચતાં હવે રાજ્યની રાજકીય કટોકટીમાં અત્યાર સુધી પડદા પાછળથી દોરી સંચાર કરી રહેલા ભાજપ દ્વારા કોઈ સક્રિય હિલચાલ થવાની શક્યતા વધી રહી છે. 

બળવાખોરો ઉદ્ધવના રાજીનામાં પર અડગ

એકનાથ શિંદેએ શિવસેનામાં વફાદાર શિવસૈનિકોની અવગણના, એનસીપીનો સરકાર પર કાબુ અને પક્ષના જૂના નેતાઓને ભોગે પરિવારવાદને મહત્વ જેવા મુદ્દે બળવો પોકારતાં શિવસેનાના બહુમતી ધારાસભ્યો, સંસદસભ્યો  અને સંગઠનના નેતાઓ પણ તેમની સાથે જોડાતાં શિવસેના માટે અસ્તિત્વની કસોટી સર્જાઈ ગઈ છે. દિવસેને દિવસે બળવાખોર જૂથ વધારે પ્રબળ બની રહ્યું છે.  આ હલ્લાથી ડઘાઈ ગયેલા શિવસેનાના નેતાઓ બળવાખોરો માટે હજુ પણ નરમ સૂર ઉચ્ચારી રહ્યા છે. ગઈકાલે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બળવાખોરોને મુંબઈ આવી રુબરુમાં પોતાનું રાજીનામું માગી લેવા ઓફર કરી હતી. હવે આજે શિવસેનાનના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે બળવાખોરને નવી ઓફર આપી હતી કે એકવાર તેઓ મુંબઈ પાછા ફરે તે પછી શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે તેણે રચેલી મહાવિકાસ આઘાડીમાંથી નીકળી જવાની દિશામાં પણ વિચારશે. રાઉતે કહ્યું હતું કે પોતે બહુ ગંભીરતાપૂર્વક અને પૂરી જવાબદારી સાથે આ ઓફર આપી રહ્યા છે. ‘

સંજય

 સતત વધી રહેલા સંખ્યાબળથી ઉત્સાહમાં આવેલા બળવાખોરોએ રાઉતની ઓફર ફગાવી

રાઉતે વારંવાર એ જ પુનરોચ્ચાર કર્યો હતો કે બળવાખોરોની બધી વાત સાંભળવામાં આવશે. તેઓ બસ એકવાર મુંબઈ આવે. શિવસેનાએ આઘાડીમાંથી બહાર નીકળવું જોઈએ તેવી તેમની માગણી માટે પણ પક્ષ વિચારવા તૈયાર છે. બળવાખોરોને સંબોધીને તેમણે કહ્યું હતું કે દૂર બેસીને વાત ના કરો. તમે તમારી જાતને સાચા શિવસૈનિક ગણાવો છો. શિવસેના છોડવાના નથી તેમ કહો છો તો પછી મુંબઈ આવીને તમારી વાત રજૂ કરો. તમે એકવાર નિર્ભિકતાથી અહીં આવો. ઉદ્ધવ ઠાકરેને મળો. આઘાડીમાંથી બહાર નીકળી જવાની પણ અમારી તૈયારી છે. બાદમાં રાઉતે મરાઠીમાં ટ્વિટ કરતાં કહ્યું હતું કે ગુલામીમાં રહેવા કરતાં આત્મસન્માનનો વિકલ્પ અપનાવવો વધારે યોગ્ય છે. અમારા દ્વાર ખુલ્લાં છે અને કોઈપણ બાબતનો ઉકેલ વાતચીતથી આવી શકે છે. 

ગુલામીમાં રહેવા કરતાં આત્મસન્માનનો વિકલ્પ અપનાવવો વધારે યોગ્ય

જોકે, રાઉતની આ અસરની બળવાખોરો પર કોઈ અસર થઈ ન  હતી. ગુવાહાટીથી શિંદે જૂથના બળવાખોરોએ જણાવ્યું હતું કે મુંબઈ આવવા કે ન આવવાની અપીીલોનો કોઈ મતલબ નથી. અમારી એક જ માંગ છે કે ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેનાના બહુમતી ધારાસભ્યો રહ્યા નથી. આથી તેમણે રાજીનામું ધરી દેવું જોઈએ. તેનાથી કશું ઓછું અમારે સ્વીકારવું નથી. 

બીજી તરફ આઘાડીના બીજા બે ઘટકો કોંગ્રેસ અને એનસીપી રાઉતની આ ઓફરથી વિચલિત થઈ ગયાં હતાં. જોકે, કોંગ્રેસના નેતાઓએ સમગ્ર ઘટનાક્રમ માટે એનસીપીની સરકારમાં વધતી જતી દાદાગીરી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેમણે કહ્યું હતું કે આઘાડીમાંથી નીકળી જવાનો નિર્ણય શિવસેના એકલા હાથે લઈ શકે નહીં.  કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે મુખ્યપ્રધાન તેમના વેબ એડ્રેસના ૨૪ કલાકમાં જ આટલી હદે વલણ બદલે એવું હું માની શકતો નથી. રાઉતની ઓફરનો મતલબ એ થાય કે શિવસેના ભાજપ સાથે જવા તૈયાર છે. હજુ પણ શિવસેનાના ઈરાદા સ્પષ્ટ થતા નથી. ચવાણે તોએટલી હદ સુધી કહ્યું હતું કે રાઉત શિવસેનાનાં અધિકૃત મતને ઉચ્ચારી રહ્યા છે કે કેમ તે વિશે પણ મને શંકા છે. જ્યારે એનસીપીએ પોતે હજુ પણ સરકારની પડખે છે તેવો દેખાવ જાળવી રાખ્યો હતો. એનસીપીના સુપ્રીમો શરદ પવારે મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે એકવાર બળવાખોરો મુંબઈ પાછા આવશે તે પછી સ્થિતિ બદલાઈ જશે. બળાબળનાં પારખાં કરવાં હોય તો તે માટે વિધાનસભાનો ફ્લોર જ એકમાત્ર ઉચિત સ્થળ છે. દૂર રહીને આ રીતે વાત થાય નહીં કે કોઈ ફેંસલા લેવાય નહીં. રાઉતની ઓફરની તેમણે જાણે કે અવગણના કરી હતી. 

જોકે, બળવાખોરોનું સંખ્યાબળ વધતું જાય છે.શિંદેના દાવા મુજબ તેમનં સંખ્યાબળ ૪૬નું થઈ ચૂક્યું છે. પક્ષાંતર વિરોધી ધારાથી બચવા માટે જરુરી શિવસેનાના ૩૭ ધારાસભ્યોની સંખ્યા પણ તેમણે પ્રાપ્ત કરી લીધી છે. દીપક કેસાકર, મૃગેશ કુડાલકર અને સદા સરવણકર આ ત્રણ ધારાસભ્યો મુંબઈથી મોર્નિંગ ફ્લાઈટ દ્વારા ગુવાહાટી પહોંચ્યા હતા. આ પહેલાં બુધવારે સાંજે મંત્રી ગુલાબરાવ પાટિલ સહિત ચાર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા હતા. 

દરમિયાન અન્ય એક ઘટનાક્રમ રુપે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા અને આ ઓપરેશન લોટસના પ્રણેતા મનાતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચ્યા છે. ત્યાં તેઓ ગૃહ પ્રધાન અમિત શાહ તથા ભાજપના અન્ય નેતાઓ સાથે આગળની સ્ટ્રેટેજીની ચર્ચા કરે તેવી સંભાવના છે. આથી, અત્યાર સુધી સમગ્ર ખેલમાં પડદા પાછળ રહીને દોરીસંચાર કરનારા ભાજપ દ્વારા હવે બહાર આવીને સ્પષ્ટપણે કોઈ પગલાં ભરવામાં આવે તેવી સંભાવના છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનું સમગ્ર ધ્યેય હાલ ઉદ્ધવને રાજીનામાંની ફરજ પાડવાનું છે. તે પછી ભાજપ રાજ્યપાલનું આમંત્રણ મેળવી સરકાર રચવાનો દાવો કરશે. 

READ ALSO

Related posts

BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, 9 વાગ્યે મહત્વનો ચુકાદો આપશે

Hardik Hingu

મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે

Hardik Hingu

એકનાથ શિંદે ગ્રુપના બાગી ઉમેદવારોને ન મનાવી શક્યા ઉદ્ધવ ઠાકરે, ફ્લોર ટેસ્ટ ટાળવા સરકારની સુપ્રીમ સુધી લડાઈ

Zainul Ansari
GSTV