આજે 21 માર્ચે દિલ્લી-NCRમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યાં હતાં. અમદાવાદમાં વિવિધ સ્થળોએ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે. જેમાં રાણીપ, ગોતા, ચાંદખેડા, ગુરુકુળ, ડ્રાઇવઈન રોડ, વૈષ્ણોદેવી સર્કલ, નિકોલ, નરોડા ,વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે. જો કે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે અમદવાદમાં ભૂકંપના આંચકાની વાત નકારી છે.

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધરતીકંપના આંચકા અનુભવાયા
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ધરતીકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું. સિમોલોજી વિભાગના જણાવ્યા મુજબ, આ આંચકો અફઘાનિસ્તાનના કાલાફગનથી 90 કિ.મી.ના અંતરે 10: 17 વાગ્યે અનુભવાયો હતો.