GSTV

ગુજરાતમાં 10 દિવસમાં 61 ભૂકંપનાં આંચકા

Last Updated on January 21, 2019 by

કચ્છ, સુરેન્દ્રનગર અને ઉત્તર – દક્ષિણ ગુજરાત વધુ અસરગ્રસ્તઃ ૨.૩ તિવ્રતાથી ૧૫ વખત ધરતી ધ્રુજી. તાલાલામાં આજે ૪.૧ તિવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો એ ગુજરાતમાં ચાલુ જાન્યુઆરી મહિનામાં સૌથી મોટો છે. જો કે, ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં ભૂકંપનાં અધધ ૬૧ આંચકા નોંધાયા છે.

ગુજરાતને ૭.૭ તિવ્રતાનાં ભયાવહ ધરતીકંપની હચમચાવીને ૨૦ હજારથી વધુ લોકોનાં જીવ લેનાર ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧નાં ગોજારા ભૂકંપને ૧૮ વર્ષ પુર્ણ થવામાં ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે શરૂ થયેલા ભૂગર્ભ સળવળાટથી અનેક તર્ક-વિતર્કો ચાલુ થયા છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસનું ભૂકંપનું સરવૈયું જોઇએ તો ગત તા. ૧૧મીએ ૧૦, તા. ૧૨મીએ ૭, તા. ૧૩મીએ ૭, તા. ૧૫મીએ ૨, તા. ૧૬મીએ ૬, તા. ૧૭મીએ ૯, તા. ૧૮મીએ ૭, તા. ૧૯મીએ ૫ અને આજે તા. ૨૦મીએ ૭ વખત ધરતી ધણધણી હતી. 

ગુજરાતમાં ખાસ કરીને કચ્છ, સુરેન્દ્રનગર અને દક્ષિણ – ઉત્તર ગુજરાતમાં ભૂકંપનાં વધુ આંચકા આવતા રહ્યા છે. ભાવનગર અને તાલાલા પંથકમાં પણ ૨-૩ વખત ધરતી ધુ્રજી છે. છેલ્લા ૧૦ દિવસમાં ૨.૩ તિવ્રતાનાં ૧૫ આંચકા નોંધાયા છે. જેમાં ગત તા. ૧૩મીએ કચ્છનાં રાપરમાં ૩.૦ તિવ્રતા અને તા. ૧૭મીએ ભચાઉમાં ૩.૫ તિવ્રતા બાદ આજે તાલાલામાં ૪.૧ તિવ્રતાનો ભૂકંપ નોંધપાત્ર છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાને આજે બપોરે ૧૨.૨૩ વાગ્યે ૪.૧ તિવ્રતાના ધરતીકંપના આંચકાએ ધુ્રજાવી દીધો હતો. ૭-૮ સેકન્ડ સુધી ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી ગઈ હતી. તાલાલા શહેર ઉપરાંત ૩૫ જેટલા ગામડામાં ભુકંપની અસર અનુભવાઈ હતી. અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હતી, પણ સદનશીબે જાનહાની થઈ નહોતી.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીનાં જણાવ્યા પ્રમાણે, આજે બપોરે ૧૨.૨૩ વાગ્યે આવેલા ૪.૧ તિવ્રતાના ભુકંપનું એ.પી. સેન્ટર (કેન્દ્ર બિન્દુ) ઉનાથી ૩૮ કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમ- દક્ષિણ દિશામાં હતી. ભુગર્ભમાં ૧૮.૭ કિ.મી.ની ઊંડાઈએથી આંચકો આવ્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે ઉના અને ગીરગઢડા પંથકમાં ભુકંપનો આંચકો લોકોએ અનુભવ્યો નહોતો. છેક ૭૦ કિ.મી. દૂર તાલાલા તાલુકામાં ધરતીકંપની અસર વર્તાઈ હતી.

તાલાલા પંથકમાં આજે બપોરે તાલાલા શહેર ઉપરાંત આંબળાશ ગીર, હડમતીયા ગીર, ધાવાગીર, બોરવાવગીર, જશાધાર ગીર, માધુપુર ગીર, લુશાળા ગીર સહિત ૩૫ જેટલા ગામડાઓમાં ધરતી ધુ્રજી ઉઠી હતી. જેથી લોકો ભયભીત બનીને મકાનો, દુકાનો, ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા.

૭-૮ સેક્ડ સુધી ધરતી ધણધણી હોવાનું લોકોએ કહ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હતી. ઘરોમાં અભેરાઈ પરથી વાસણો ગબડી પડયા હતા. બારી-દરવાજા ખખડી ઉઠયા હતા. સદનશીબે જાનહાની ક્યાંય થઈ નહોતી.

ગુજરાતમાં ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧નાં ધરતીકંપને ૧૮ વર્ષ પૂરા થવામાં થોડા જ દિવસો બાકી છે ત્યારે આજે બપોરે તાલાલા તાલુકામાં આવેલા ભુકંપના આંચકાએ તેની યાદ તાજી કરાવી દીધી હતી. જો કે, તાલાલા પંથકમાં દાયકાઓથી ભેદી ભુગર્ભ સળવળાટ થાય છે. અવાર-નવાર ગગનભેદી ધડાકા ઉપરાંત ધરતી ધુ્રજવાનું અનુભવાતું રહ્યું છે. જેમાં મોટાભાગનો ભુગર્ભ સળવળાટ તો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીમાં નોંધાતો પણ નથી. જેથી તાલાલામાં સિસ્મોલોજી સિસ્ટમ મુકવાની વર્ષોથી માંગણી થાય છે, પણ સરકાર દ્વારા ધ્યાન નહીં અપાતા લોકોમાં કચવાટ પણ ફેલાયો છે.

Related posts

2024 લોકસભાની તૈયારી / કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા CM મમતા બેનર્જી, ભાજપ સામે વિપક્ષને સંગઠિત કરવા અનુરોધ

Zainul Ansari

અમદાવાદ RTO વહેલી સવારથી મોડી રાત્રી સુધી કરશે કામ, લાયસન્સના કામો માટે 15 કલાક સુધી કાર્યરત

pratik shah

Bigg Boss / સીઝન 15માં આ અભિનેત્રીઓની એન્ટ્રી પાક્કી, ગ્લેમરનો લગાવશે ફુલ તડકો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!