GSTV
GSTV લેખમાળા

નોલેજ અપડેટ / ધરતી પર ચાર નહીં પાંચ મહાસાગર છે, જાણી લો પાંચમો મહાસાગર ક્યાં છે અને કઈ રીતે અલગ પડે છે ?

ઈન્ડિયન, એટલાન્ટિક, પેસેફિક અને આર્કટિક.. ઘરતી પરના એ ચાર મહાસાગરો વિશે આપણે સૌ ભુગોળના પુસ્તકોમાં ભણ્યા હોઈએ છીએ. પરંતુ ધરતી પર એક પાંચમો મહાસાગર છે. આ મહાસાગરને સધર્ન ઓશન (દક્ષિણ મહાસાગર) નામ અપાયું છે. હકીકતે મહાસાગર તો ત્યાં લાખો વર્ષોથી છે, પરંતુ તેને અલગ મહાસાગર તરીકે ઓળખવાની હવે શરૃઆત થઈ છે. ધરતીનો 71 ટકા ભાગ પાણીથી ધેરાયેલો છે. બધે પાણી તો સરખુ જ હોય છતાં, પણ તેમાં રહેલા વિવિધ લક્ષણોને આધારે મહાસાગર, સમુદ્રમાં તેનું વિભાજન થયેલું છે.


નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી છેક 1905થી આખા જગત માટે ચોકસાઈપૂર્વકના નકશા બનાવે છે. ભૌગૌલિક બાબતોની માહિતી જોઈતી હોય તો નેશનલ જ્યોગ્રાફિકથી વધારે ઉપયોગી નકશા કોઈના નથી હોતા. એ સોસાયટીએ આ વર્ષે તેના સત્તાવાર મેપમાં આ મહાસાગર ઉમેરવાની શરૃઆત કરી છે. નેશનલ જ્યોગ્રાફિકના નિષ્ણાતોએ કહ્યુ હતુ કે આ પાંચમો મહાસાગર છે એ સંશોધકો તો વર્ષોથી જાણે જ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે મહાસાગરને માન્યતા આપવા માટે સહમતી સધાઈ ન હતી. એટલે મહાસાગર હોવા છતાં ઓળખ મળતી ન હતી.


અમેરિકના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)એ તો 1999માં જ પાંચમા મહાસાગરને માન્યતા આપી હતી. પરંતુ એ પછી સમુદ્રી વિસ્તાર અંગેના આંતરરાષ્ટ્રીય સંગઠન ઇન્ટરનેશનલ હાઈડ્રોગ્રાફિક ઓર્ગેનાઈઝેશનની બેઠક મળી. તેમાં પાંચમા મહાસાગર અંગે સહમતી ન સધાઈ. પરંતુ એટલું નક્કી થયું કે જગતના સમુદ્રો, જળ પ્રવાહો, મહાસાગરો વગેરેનો નવેસરથી સર્વે કરી સરહદો આંકીશું. હવે આ વર્ષે ફેબ્રુઆરીમાં ફરીથી NOAAએ પાંચમા મહાસાગરને માન્યતા આપી દીધી હોવાથી નેશનલ જ્યોગ્રાફિકનો માર્ગ મોકળો થયો છે.

આ મહાસાગરને અત્યારે સધર્ન નામ અપાયું છે કેમ કે એ એન્ટાર્કટિકની આસપાસ જ આવેલો જળ વિસ્તાર છે. એ મહાસાગર તરીકે અલગ પડે છે કેમ કે આસપાસના સમુદ્રો કરતાં તેનું પાણી વધારે ઠંડુ છે. તેનું પાણી અન્ય સમુદ્રી વિસ્તાર કરતા ઓછું ખારું એટલે કે ઓછું મીઠું ધરાવે છે. આ જળ વિસ્તાર એ રીતે પણ અલગ પડે છે કે ત્યાં બરફનો વધારે જમેલો છે. બરફને કારણે અન્ય મહાસાગર કરતા તેનો દેખાવ અને પાણીનો કલર પણ અલગ પડે છે.


જગતના દરેક મહાસાગરના પાણી એકબીજાથી અલગ પડે છે કેમ કે તેની વહેવાની દિશા, તાપમાન, પાણીનો વેગ વગેરે એકબીજાથી અલગ પડે છે. ખાસ તો દરેક મહાસાગર તેમાં વહેતા પાણીના પ્રવાહથી અલગ પડે છે. સધર્ન ઓશન એન્ટાર્કટિકા ખંડ ફરતે જ વહે છે, તેનું પાણી પૂર્વ દિશામાં આગળ વધે છે. એટલે એન્ટાર્કટિકા ફરતે પાણીની એક રિંગ બને છે, આ રિંગ અન્ય મહાસાગરોથી અલગ છે. આ જળ પ્રવાહ એન્ટાર્કટિક સરર્કમ્પોલાર કરન્ટ (એસીસી) તરીકે ઓળખાય છે.


એસીસી જ આ જળ વિસ્તારને મહાસાગરની ઓળખ આપે છે. એસીસી તેને સ્પર્શતા બધા જ મહાસાગર પેસેફિક, એટલાન્ટિક અને ઈન્ડિયન ત્રણેયમાંથી પાણી ખેંચે છે. પાણીના જથ્થાની દૃષ્ટિએ એસીસી જગતનો સૌથી સમૃદ્ધ સમુદ્રી પ્રવાહ છે. આ મહાસાગરમાં પેગ્વિન, દરિયાઈ પક્ષીઓ, વ્હેલ, સીલ જેવા સમુદ્રી જીવોનો વસવાટ છે, જે બીજે સામાન્ય રીતે જોવા મળતા નથી.


મહાસાગર જાહેર થયો એટલે હવે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંગઠનો તેની જાળવણી માટે પણ કામ કરે એ જરૃરી છે. એ ઉપરાંત દુનિયાભરના ભુગોળના પાઠ્યપુસ્તકોમાં પણ આ મહાસાગરને સ્થાન મળશે. જ્યારે 3.4 કરોડ વર્ષ પહેલા એન્ટાર્કટિકા ખંડ દક્ષિણ અમેરિકા ખંડથી અલગ પડ્યો ત્યારે આ મહાસાગર રચાવાની શરૃઆત થઈ હતી.

READ ALSO

Related posts

વિઠ્ઠલભાઈ પટેલનો જન્મદિવસ / આ શહેરમાં સાચવી રખાઈ છે તેમની શબપેટી : કોંગ્રેસથી અલગ પડીને સ્થાપ્યો હતો પોતાનો પક્ષ

Hardik Hingu

ભારતના રાષ્ટ્રપિતા સાથે ચિત્તાની મુલાકાતનો ઐતિહાસિક પ્રસંગ : ગુજરાતના એ ભવ્ય મહેલમાં ગાંધીજીએ પગ મુક્યો ત્યાં સામે ચિત્તા ટહેલતા હતા!

Bansari Gohel

બ્રિટીશ રાજવી પરિવારમાં વહે છે ગુજરાતનું લોહી! : સુરત સાથે છે રોયલ ફેમિલી અમે આર્મેનિયાનું અનોખું કનેક્શન

Hemal Vegda
GSTV