GSTV
Videos ટોપ સ્ટોરી

દ્વારકાના ભાજપના MLA પબુભા માણેકની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી

વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં દ્વારકા બેઠક પરથી વિજયી બનેલા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની ઉમેદવારીને પડકારતી  પિટિશનમાં હાઇકોર્ટે પબુભાની ઉમેદવારી રદ્દ ઠેરવી છે અને દ્વારકાની ચૂંટણી પણ રદ્દ જાહેર કરી છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે નોંધ્યું છે કે પબુભાનું ઉમેદવારી ફોર્મ ક્ષતિયુક્ત હતું અને ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કરવું જોઇતું હતું, જેના બદલે ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર મેરામણ આહિરે ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દ્વારા દાદ માગી હતી કે પબુભાની ઉમેદવારી ભૂલભરેલી છે, તેથી લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓ પ્રમાણે તેમની ઉમેદવારી અને ચૂંટણી રદ્દ થવા જોઇએ.

પબુભાની નામનાથી અંજાઇને તેમની ફેસ વેલ્યુના આધારે ક્ષતિયુક્ત ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યું હોવાનું અવલોકન પણ હાઇકોર્ટે નોંધ્યું છે. ઉપરાંત ઉમેદવારી રદ્દ થવાની અંગેની માહિતી ચૂંટણી પંચ અને વિધાનસભા સ્પીકરને આપવા માટે હાઇકોર્ટે રજીસ્ટ્રી વિભાગને આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા વિધાસભા બેઠક પર પબુભાની હાલ સાતમી ટર્મ ચાલી રહી છે.

અરજદાર મેરામણ આહિરની રજૂઆત હતી કે ઉમેદવારી ફોર્મના ભાગ-૧માં પબુભાએ વિધાનસભા બેઠકનું નામ અને નંબરનો ઉલ્લેખ કર્યો નથી. ઉપરાંત વિધાનસભા બેઠકની વિગતો આપવાના જગ્યાએ તેમણે ભલામણકર્તાઓના નામ લખ્યા છે. ચૂંટણી સમયે આ ભૂલો અંગે સંબંધિત ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા દ્વારાકના ડેપ્યુટી કલેક્ટર પી.એ. જાડેજા સમક્ષ મેરામણ આહિર દ્વારા વાંધા અરજી પણ કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી અધિકારીએ આ વાંધાઅરજી રદ્દ કરી હતી. તેમ છતાં મનસ્વી અને ગેરકાયદે રીતે પબુભાનું ઉમેદવારી ફોર્મ સ્વીકારાયું હોવાની રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવી હતી.

પબુભા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ફોર્મમાં રહેલી ભૂલો એટલી પણ નોંધપાત્ર નથી કે તેમની ઉમેદવારી અને જીતને રદ કરવામાં આવે. ‘હેન્ડબુક ફોર રિટર્નિંગ ઓફિસર’ એટલે કે ચૂંટણી અધિકારીઓની માર્ગદર્શિકા પ્રમાણે આ પ્રકારની તકનિકી અને ક્લેરિકલ ભૂલોની ચૂંટણી અધિકારીએ અવગણના કરવાની હોય છે. ઉપરાંત ઉમેદવારી ફોર્મ સાથે આપવામામાં આવેલા સોગંદનામામાં આ વિગતો આપવામાં જ આપી હતી. આ ભૂલ વધારે મહત્વ ન ધરાવતી હોવાથી તેમને અવગણવી જોઇએ તેવી રજૂઆત પબુભા દ્વારા કરવામાં આવી હતી.

પબુભા અને ચૂંટણી અધિકારીની રજૂઆતો ફગાવતા હાઇકોર્ટે નોંધ્યુ છે કે પબુભાની ઉમેદવારી રદ્દ થવાને પાત્ર હતી. . લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ ૩૩ અને ૩૬ પ્રમાણે ઉમેદવારી અંગેની કોઈ ભૂલ એવી નથી હોતી કે તે ચૂંટણી અધિકારીના ધ્યાને આવવા છતાં અવગણવામાં આવે કે સુધારવામાં ન આવે. પ્રહલાદદાસ ખંડેલવાલ વિરૃધ્ધ નરેન્દ્ર કુમાર સાલ્વેના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો પણ આ બાબતનું સમર્થન કરે છે. આ તમામ બાબતોની માહિતી હોવા છતાં પબુભાની ઉમેદવારી સ્વીકારી ચૂંટણી અધિકારીએ ગેરકાયદે, અનુચિત અને મનસ્વી પગલું ભર્યું છે.

હાઇકોર્ટે ચૂંટણી અધિકારીની ઝાટકણી કાઢતા નોંધ્યું છે કે ચૂંટણી અધિકારી ચૂંટણી પંચ એટલે કે એક અર્ધન્યાયિક સત્તામંડળ વતી ફરજ બજાવે છે. આ ફરજ સામાન્ય વહીવટી વિભાગના અધિકારીઓ દ્વારા બજાવાતી ફરજ કરતાં ઘણું ઉંચુ સ્થાન ધરાવે છે. વહીવટી વિભાગમાં પણ કોઇ અધિકારી ફરજ દરમિયાન સુપ્રીમ કો ર્ટના ચુકાદાઓ અને આદેશોને અવગણી શકે નહી. તો પછી જ્યારે અર્ધ-ન્યાયિક સત્તા મંડળના અધિકારીઓ જ્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને અવગણી કે નકારીને ફરજ બજાવે તે બાબતને ગંભીરતાથી જોવાની જરૃર છે. ઉપરાંત હાઇકોર્ટ નોંધ્યુ છે કે જો પબુભાની ફેસવેલ્યુ કે તેમની નામનાથી અંજાઇને જો તેમની ઉમેદવારી સ્વીકારવામાં આવી હોય તો તે એક નબળો નિર્ણય છે.

READ ALSO

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી  મહિનાઓની મહેનતનું શું?”

Nakulsinh Gohil

પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Nakulsinh Gohil

સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના  કારણે 14 વર્ષીય સગીરાનું મોત

Nakulsinh Gohil
GSTV