બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની બાન્દ્રામાં તેના ઘર પાસે હત્યાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ પ્લાન બી તરીકે તેના પનવેલ ખાતેનાં ફાર્મ હાઉસમાં તેને ઠાર કરવાનો પ્લાન રચાયો હતો. તેના માટે ત્રણ શૂટરોએ દોઢ મહિના સુધી ફાર્મ હાઉસ પાસે રોકાઈ રેકી કરી હતી તેવો ખુલાસો પંજાબ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પકડાયેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર કપિલ પંડિતે કર્યો છે.
કપિલે કરેલી કબૂલાત અનુસાર સલમાન ખાનને મારવા માટે પોતે તથા સંતોષ જાધવ અને સતિશ બિશ્નોઈ પનવેલમાં સલમાનનાં ફાર્મ હાઉસ નજીક દોઢ મહિના સુધી રોકાયા હતા. સલમાનના આવવા જવાના સમય, કેટલી સિક્યુરિટી છે, કયાં વાહનમાં આવે જાય છે, કોણ પ્રતિકાર કરી શકે છે વગરે તમામ બાબતોની રેકી કરી હતી. ફાર્મ હાઉસની અંદર જ સલમાનને મારી નાખવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાનને મારવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અભિનેતાની આસપાસ કડક સુરક્ષાને કારણે આ પ્લાન સફળ ન થઈ શક્યો.
સલમાનનાં ફાર્મ હાઉસની ચુસ્ત સુરક્ષાને લીધે તેઓ ક્યારેય અંદર પ્રવેશી શક્યા ન હતા. તેમના રોકાણ વખતે સલમાન બે વખત ફાર્મ હાઉસમાં આવ્યો હતો પરંતુ તેના અંગત બોડી ગાર્ડ શેરાની હાજરી તથા અન્ય સલામતી રક્ષકોની વ્યવસ્થાને લીધે તેઓ સલમાન નજીક પહોંચી શક્યા ન હતા.

લોરેન્સ બિશ્નોઈએ અગાઉ કબૂલ્યા અનુસાર તેણે એક શૂટરને સલમાનને બાન્દ્રામાં તેના ઘર પાસે ઠાર મારવા મોકલ્યો હતો. પણ આ શૂટર દૂરથી નિશાન લઈ શક્યો ન હતો. બિશ્નોઈએ દૂરથી સલમાન પર ગોળી છોડી શકાય તે માટે ચાર લાખ રુપિયાની રાઈફલ મગાવી હતી પરંતુ તે રાઈફલ હેરફેર દરમિયાન પોલીસને હાથ લાગી ગઈ હતી.
મૂસેવાલાની હત્યાના ૩ મહિના બાદ શૂટર મુડી અને તેના બે સાથીદાર પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ખરીબારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારત-નેપાળની બોર્ડર નજીક પકડાયા હતા.
અગાઉ બાંદરામાં સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. સલમાનની હાલત પણ મૂસેવાલા જેવી કરવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ સલમાનની સુરક્ષા પણ વધારવામાં આવી હતી.

પંજાબના ડીજીપી ગૌરવ યાદવે અગાઉ જણાવ્યું હતું કે મૂસેવાલા હત્યાકાંડના છઠ્ઠા શૂટર દીપક મુંડી બનાવટી પાસપોર્ટની મદદથી દુબઈ ભાગી જવાનો હતો. મુંડીના સાથીદાર કપિલ પંડિતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કહેવા પર બોલીવૂડના અભિનેતા સલમાનની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.
READ ALSO
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો
- મુલાયમસિંહ યાદવને પદ્મવિભૂષણ, સન્માન છે કે વોટ બેન્ક કવર કરવાનો ટાર્ગેટ
- 1 એપ્રિલ 2023થી થઈ રહ્યો છે મોટો બદલાવ, 15 વર્ષ જૂની ગાડીઓ માટે નવો કાયદો બનશે અમલી