વડોદરામાં ખાડાઓ ખોદીને ભ્રષ્ટાચાર, ડ્રેનેજની કામગીરીની હવે કરશે ચેકિંગ

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા ડ્રેનેજની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. શહેરના નવાપુરામાં કોન્ટ્રાક્ટરો દ્વારા પાઇપલાઇન નાંખવાની કામગીરી તો કરવામાં આવી. પરંતુ તેમાં ગેરરીતિ આચરાઇ હોવાની શંકા જતા ખુદ સ્થાયી સમિતિના ચેરમેને ગટરની પાઇપલાઇનની ચકાસણી કરતા તે હલકી કક્ષાની હોવાનું સાબિત થતાં તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા શહેરના નવાપુરા સહિત અનેક વિસ્તારમાં ડ્રેનેજની લાઇન નાંખવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. પરંતુ આ કામમાં મોટા પાયે ગેરરીતિ આચરાઇ હોવાની આશંકા જતાં ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નવાપુર પહોંચી જાતતપાસ હાથ ધરી હતી. કોન્ટ્રાક્ટ મુજબ 450 એમએમના પાઇપ નાંખવાના હતા. તેના બદલે કોન્ટ્રાક્ટરે 300 એમએમના હલકી ગુણવતાવાળા પાઇપ નાંખી ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સાબિત થતાં ચેરમેન પણ ચોંકી ઉઠ્યા હતા. ચેરમેને છેલ્લા 2 વર્ષમાં થયેલા કામોની તપાસ કરવાની તેમજ કૌભાંડમાં જે પણ સંડોવાયેલા હશે તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

હાલમાં નવાપુરા, મહેબૂબપુરા, માળી મહોલ્લા સહિતના સ્થળો પર પાઇપલાઇનના સમારકામની કામગીરી ચાલી રહી છે. પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં જે ડ્રેનેજ લાઇન નંખાઇ છે તેમાં પાઇપ બદલવાને બદલે નજીવી કામગીરી કરી કામ પૂર્ણ કરાયું છે. બીજી તરફ કોંગ્રેસે પણ નવાપુરાની કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરી છે.

વડોદરા મહાનગર સેવાસદનને ભ્રષ્ટાચાર મુક્ત કરવા હાલ તો સ્થાયી સમિતિના ચેરમેન એકલા હાથે લડી રહ્યા છે. પરંતુ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયેલા સેવાસદનના વિવિધ કૌભાંડોની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ થશે તો જ જવાબદારો સામે કાર્યવાહી થઇ શકશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter