GSTV

Automobile / કાર પોતે જ રસ્તા પર કેટલો ટ્રાફીક છે એ સમજી લેશે, આવી રહી છે 6 નવી અદભૂત ટેકનોલોજી

Last Updated on September 4, 2021 by Vishvesh Dave

આવનારા વર્ષો ઑટોમોબાઈલ સેક્ટરમાં ટેક્નોલૉજીકલ વિકાસવાળા રહેવાના છે. પ્રગતિ તો અવિરત ચાલતી રહેતી પ્રક્રિયા છે, પરંતુ આવનારા વર્ષોમાં તે હરણફાળ ભરવાની છે. ઇલેક્ટ્રોનિક વાહનોની જાહેરાત ઑલરેડી થઈ ચૂકી છે, તો ડ્રાઈવર વગરની કાર વિશે પણ આપણે સાંભળી ચૂક્યા છીએ. આજે વાત કરીશું અને સમજશું કે કઈ ટેક્નોલૉજી વડે ઑટોમોબાઇલ ક્ષેત્રે ઝડપી પ્રગતિ શક્ય બની છે અથવા બનશે.

(1) સંપૂર્ણપણે ડ્રાઈવર વગર ચાલતી કાર (સેલ્ફ ડ્રાઈવિંગ)

એ નક્કી છે કે આવનારા વર્ષોમાં અકસ્માત અત્યંત ઓછા થશે અથવા નહીં થાય. કોઈ નશાની હાલતમાં ગાડી ચલાવશે નહીં. કેમ કે, નજિકના ભવિષ્યમાં ડ્રાઈવરલેસ કાર જોવા મળશે! જોકે, હજુ તેને વાર છે. કેટલી તે નિશ્ચિત નથી. તેના માટે કઈ ટેકનિકની જરૂર પડશે તેની અહીં વાત કરવી છે. ‘યૂનાઇટેડ સ્ટેટ્સ નેશનલ હાઇવે સેફ્ટી એડમિનિસ્ટ્રેશન’એ કારને ચલાવવા માટે 6 લેવલ તૈયાર કર્યા છે.

  • સૌથી પહેલા લેવલ 0 આવે. જેમાં મનુષ્ય કાર ડ્રાઇવ કરે.
  • લેવલ 1માં એડવાન્સ્ડ ડ્રાઈવર અસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) હ્યૂમન ડ્રાઈવરનું સ્ટીરિંગ, બ્રેકિંગ અને એક્સલરેટિંગ, વગેરે મેનેજ કરે છે. ADAS રિયર વ્યૂ કૅમેરા અને વાઇબ્રેટિંગ સીટ વગેરેની ચેતવણી ડ્રાઈવરને આપે છે.
  • લેવલ 2માં કારમાં બ્રેક મારવાનું, એક્સલેટર આપવાનું કામ પણ ADAS કરે છે. ડ્રાઈવરે માત્ર કાર ચલાવવાની!
  • લેવલ 3માં ઓટોમેટેડ ડ્રાઈવિંગ સિસ્ટમ (એડીએસ) ગાડી પાર્ક કરવાનું કામ કરે છે. તેમાં વાહનચાલકે ગાડી બરાબર પાર્ક થઈ રહી છે કે નહીં, માત્ર તે ધ્યાન રાખવાનું હોય છે.
  • લેવલ 4માં ADS બધા પ્રકારનું ડ્રાઈવિંગ સંભાળે છે. જેમ કે, જુદી જુદી પરિસ્થિતિમાં ડ્રાઈવિંગ ચકાસવું. આમાં વાહનચાલકે કોઈ ધ્યાન રાખવાની જરૂર રહેતી નથી.
  • લેવલ 5માં ADS પોતે જ દરેક પરિસ્થિતિમાં ડ્રાઈવિંગ કરે છે અને કાર ચલાવે છે. તે કારમાં બેસનારે માત્ર પ્રવાસીની જેમ બેસવાનું હોય છે. તેમને વાહન ચલાવવાનું હોતું નથી.

અત્યારે તો લેવલ 3, 4 અને 5 પર કામ થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં આ ટેક્નોલૉજી જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી.

(2) નાનું, પણ મજબૂત વાહન (માઈક્રોમોબિલિટી)

મોબાઈલ એટલે એક સ્થાનેથી બીજા સ્થાને હરીફરી શકે તેવું યંત્ર. રાઈટ? કાર, બસ, ટ્રક, ટ્રેન, પ્લેન વગેરે મોબિલિટીમાં આવે,પણ માઈક્રોમોબિલિટીમાં ન આવે. માઈક્રો મોબિલિટી એટલે સાઈકલ, સ્કેટબોર્ડ, સ્કેટ, મિનિ-સ્કૂટર, ઈ-બાઈક, વગેરે નાના ઈલેક્ટ્રોનિક વાહનો જેનામાં એક કે બે સીટ હોય. એવા નાના ટ્રાન્સપોર્ટના શાધનો, જેના પર 50 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસની ઝડપે માણસ આવન-જાવન કરી શકે તેને માઈક્રોમોબિલિટી કહેવાય. અત્યારે મેટ્રોપોલિટન શહેરોમાં સ્કેટબોર્ડ પર ફરતા બાળકો આપણે જોઈ શકીએ છીએ. તે માઈક્રોમોબિલીટીનું જ ઉદાહરણ છે. કહેવાઈ રહ્યું છે આ ટેકનિક જેમ વધુ વિકસસે તેમ દેશની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકનો ઝડપી ઉકેલ આવી શક્શે. જેમ કે તમારા ગંતવ્ય સ્થળેથી એરપોર્ટ કે રેલ્વે સ્ટેશનનું અંતર 800 મીટર જેવડું છે. જ્યાં ચાલીને જતા સમય લાગશે. આવી જગ્યાએ ઈ બાઈક કે ઈ-સાઈકલ વધુ ઉપયોગ નીવડી શક્શે.

(3) ફટાફટ ચાર્જ કરતી સૉલિડ સ્ટેટ બેટરી

આવનારો સમય ઈલેક્ટ્રિક વાહનોનો રહેવાનો છે. ઑટો કંપનીઓ પણ તેની તૈયારીમાં લાગેલી છે. તાજેતરમાં જ ઑલા કંપનીએ ઈલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યા છે. ઘણી કંપનીઓની ઈલેક્ટ્રિક કાર પણ લોન્ચ થઈ ગઈ છે. રસ્તા પર આજકાલ લીલા કલરની નંબર પ્લેટવાળી ગાડીઓ જોવા મળે છે. એ હકીકતે ઈલેક્ટ્રિક વાહન હોવાની નિશાની છે. અત્યારે જેમ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સુવિધા મળે છે તેમ ઇલેક્ટ્રિક વાહનો પણ સૉલિડ સ્ટેટ બેટરી દ્વારા ફાસ્ટ ચાર્જિંગ થઈ શક્શે. સૉલિડ સ્ટેટ બેટરી દ્વારા કારને ચાર્જ થવામા માત્ર 30 મિનિટનો સમય લાગશે. સાથે કારની એવરેજ પણ વધે તે માટે મદદરૂપ થશે.
આમ તો 1859ની સાલથી લીડ-એસિડ બેટરીનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે એનર્જીના પ્રમાણમાં વજનદાર હોય છે, ફિઝિકલી પણ મોટી હોય છે. સાચવવા ઘણી જગ્યા જોઈએ. આ માઇનસ પૉઈન્ટ ઉપરાંત આ બેટરી પચાસ ટકા જેટલી વપરાઈ ગયા બાદ તેનું આયુષ્ય પૂરૂ થઈ જાય છે. આ બધા નેગેટિવ પૉઈન્ટ્સ બાદ સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સે લિથિઅમ આયન બેટરી ડેવલપ કરી. તે એસિડ બેટરી જેટલા વૉલ્ટેજ ધરાવતી હોવા છતાં વજનમાં હળવી અને કદમાં નાની છે. જોકે, કિંમત વધારે છે, પણ સામે પર્યાવરણ માટે સુરક્ષિત સાબિત થાય છે. આ ફાયદા હોવા છતાંય લિથિઅમ આયન બેટરીને લોકો ઇલેક્ટ્રિક વાહનો સાથે જોડશે નહીં. કેમ કે તેને વાહન ચાર્જ કરતા કલાક જેટલો સમય લાગે છે.

હવે સૉલિડ સ્ટેટ બેટરીનું મહત્વ સમજાશે. તેનું વજન પણ ઓછું છે અને તે ઇલેક્ટ્રિક વાહનોને ફટાફટ ચાર્જ કરે છે. જોકે, અત્યારે સૉલિડ સ્ટેટ બેટરી ઉત્પાદનની દ્રષ્ટિએ ખાસી એવી મોંઘી છે. મોટી કંપનીઓ આ ટેક્નોલૉજીમાં નાણા રોકી રહી છે. ફોક્સવેગને 2018ની સાલમાં ક્વાન્ટમસ્કેપ નામની એક સૉલિડ બેટરી ફર્મમાં 10 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. તેમનો 2025ની સાલ સુધી વાહનોમાં આ ટેક્નિકનો ઉપયોગ કરવાની ગણતરી છે. સેમસન્ગ અને હુન્ડાઈએ સૉલિડ સ્ટેટ બેટરી ટેકનિકને લગતા સ્ટાર્ટઅપમાં 2 કરોડ ડૉલર રોક્યા છે. આ ટેકનિક દ્વારા ભવિષ્યમાં ઇલેક્ટ્રિક કાર હોય કે બાઈક 1 મિનિટની અંદર ચાર્જ થઈ શક્શે એવો જાણકારોનો દાવો છે. પછી તો કામગીરી શરૃ થાય ત્યારે ખબર પડે.

(4) ઇલેક્ટ્રિક ચાર્જિંગ ટેક્નોલૉજી

2018ના મધ્ય સુધી અમેરિકામાં 18,000 ચાર્જિંગ સ્ટેશન હતા. સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસનો અંદાજ છે કે, 2025ની સાલ સુધી આ આંકડો સુધી પહોંચશે. એટલે કે ઇલેક્ટ્રિક વાહનોની વધી રહેલી સંખ્યા જોતા આટલા સ્ટેશનો વધુ ઉમેરવાની જરૂર પડશે. ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનો આધાર બેશક ઇલેક્ટ્રિક વાહનો પર છે. પરંતુ ઇલેક્ટ્રિક વાહન ખરીદી રહેલી વ્યક્તિ તેના ચાર્જનો સમય પણ જુએ છે. આપણે ઉપર વાત કરી તે સૉલિડ સ્ટેટ બેટરી તે સમય ઘટાડશે ચોક્કસ, પરંતુ તેની સાથે ઇલેક્ટ્રિક ચાર્જર અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરમાં આગળ વધુ અત્યંત જરૂરી છે.

સોસયટી ઑફ ઑટોમેટિવ ઇન્જિનયર્સે જેમ ઑટોનોમીના લેવલ નક્કી કર્યા છે તેમ ચાર્જિંગના લેવલ પણ નક્કી કર્યા છે. તે મુજબ 11 કિલોવોટપ્રતિ કલાકની બેટરી 24 કલાકમાં 80 ટકા ચાર્જ થાય છે. જ્યારે લેવલ 3 ચાર્જમાં માત્ર 3 કલાક જેટલો સમય લાગશે. આપણને ભવિષ્યમાં લેવલ 2 અથવા તેનાથી વધુ કેપસિટીવાળા ચાર્જિંગ સ્ટેશન જોવા મળશે.

(5) આંખોવાળી કારઃ સેન્સર્સ

આજકાલની કાર તેની જરૂરિયાત મુજબ આસપાસની સડકની ‘જોઈ’ લે છે. બૅકઅપ કૅમેરા વડે, પાર્કિંસ સેન્સર્સ વડે, સ્પીડને એડજેસ્ટ કરતા ક્રુઝ કન્ટ્રોલ વડે અને ઑટોમેટિક ઇમરજન્સિ બ્રેકિંગ સિસ્ટમ વડે કાર પોતાનો ‘માર્ગ’ કાઢી લે છે. કૅમેરા ટેક્નોલૉજી પણ ઇમ્પ્રુવ થઈ રહી છે. તે વધુ નાના અને સારું પરફૉર્મન્સ આપી રહ્યા છે, પરંતુ હવે એવી ટેક્નોલૉજીના એંધાણ છે જે 3ડી ઈમેજ ઉકેલી શક્શે. એટલે કે રસ્તામાં આગળ આવતા ખાડા, ટેકરા, બમ્પની આગોતરી જાણ આ સેન્સર્સ કરી શક્શે.

કેબ્રિજ યૂનિવર્સિટીના કન્સલ્ટન્ટ દિપ રૅએ એક એવી ટેકનિક બનાવી છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વરસાદ અને બરફમાં પણ રિઅલ-ટાઈમ સ્પષ્ટ રસ્તો બતાવી શકે. આ કામ લિડાર (Lidar) પદ્ધતિથી થાય છે.

(6) કારને બહારી દુનિયા સાથે જોડતી વાયરલેસ ટેક્નોલૉજી

ભવિષ્યમાં ઑટોમેટિક ટેક્નોલૉજીથી સજ્જ વાહનો એકબીજા સાથે વાયરલેસ કમ્યુનિકેશન કરી શકે છે. તેમાં વી ટુ વી એટલે કે વ્હિકલ ટુ વ્હિકલ, વી ટુ આઈ એટલે કે વ્હિકલ ટુ ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર, વી ટુ એન એટલે કે વ્હિકલ ટુ નેટવર્ક, વી ટુ પી એટલે કે વ્હિકલ ટુ પીપલ (લોકો)નો સમાવેશ થાય છે. આ ટેક્નોલૉજીમાં અત્યારે બહોળા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે. ટોયોટા અને લેક્સસે જાહેરાત કરી છે કે, આ વર્ષના અંત સુધી તેઓ વી ટુ વી અને વી ટુ આઈ ટેક્નિક શરૂ કરશે તો વોક્સવેગન 2019માં તે ઑલરેડી શરૂ કરી ચૂક્યું છે.

આ ટેક્નોલોજી વડે જે-તે વાહન કોઈપણ સાથે વાયરલેસ સંપર્ક સાધી શકે છે. એટલે કે વી ટુ એક્સ. તેના માટે વાહનમાં ચીપ સેટ કરવાની રહે છે. જેનું ઉત્પાદન જગતની સૌથી મોટી પૈકીની એક ચીપ ઉત્પાદક કંપની ક્વાલૉમ સેલ્યુલર કરી રહી છે.

ALSO READ

Related posts

રશ્મિ દેસાઈ પર લાગ્યો Big Boss કન્ટેસ્ટન્ટને ‘ખોટી રીતે ટચ’ કરવાનો આરોપ, જાણો શું છે સત્ય

Pritesh Mehta

ટવીટરના નવા સીઈઓએ આવતાની સાથે જ પોલિસીમાં કર્યા બદલાવ, ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પર થશે કાયદાકીય કાર્યવાહી

Zainul Ansari

ગેંડા ઉડે ફરર્રર… / આફ્રિકા ખંડમાં ગેંડાને શિકારીઓથી બચાવવા અજમાવાયો આ ઉપાય, સર્જાયો રેકોર્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!