GSTV
Home » News » પુસ્તકો ખરીદવાના નથી રૂપિયા ? તો અપનાવો આ ઈ-રીડર, નવી અદ્યતન ટેક્નોલોજી સાથે

પુસ્તકો ખરીદવાના નથી રૂપિયા ? તો અપનાવો આ ઈ-રીડર, નવી અદ્યતન ટેક્નોલોજી સાથે

અત્યારે તમે આ વાંચી રહ્યા છો એટલે એટલું તો નક્કી કે તમને વાંચનમાં રસ છે અને ટેક્નોલોજીમાં પણ રસ છે! વાંચનમાં ખરેખરો રસ હશે તો તમને ટેક્નોલોજી ઉપરાંત બીજા પાર વગરના વિષયોમાં પણ રસ હશે. વાંચનની મજા જ આ છે, એ અનેક દિશાઓ ખોલી આપે છે. તકલીફ એ છે કે હવે આપણા હાથમાંથી ફોન છૂટતો નથી અને પુસ્તકો બહુ મોંઘાં થઈ ગયાં છે એવું બહાનું હાથવગું જ રહે છે. આપણે આ બંને તકલીફનો ઉપાય શોધીએ.પણ, પહેલાં થોડી વાત, પુસ્તકોની દુનિયામાં ક્રાંતિ લાવનારી ડિજિટલ બુક્સ અને ઇ-રીડરની કરી લઈએ.

ડિજિટલ બુક્સથી પુસ્તક પ્રકાશનના ક્ષેત્રે એવી ક્રાંતિ આવી છે કે કમ્પ્યુટર બનાવતી કંપની એપલ, ટીવી બનાવતી કંપની સોની, સર્ચ એન્જિન ગૂગલ કે પછી પુસ્તક વેચતી કંપની એમેઝોન, સૌને ઇ-બુક અને ઇ-રીડરમાં ઊંડો રસ પડ્યો છે. ૨૦૦૯માં એપલના સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે ઈબુકનું માર્કેટ બહુ મોટું નથી, પણ બીજા જ વર્ષે એમણે સૂર બદલ્યો હતો. આમ તો જુદી જુદી ઘણી કંપની ઇ-રીડર ઓફર કરે છે, પણ આપણે ઇ-રીડરની વાત આવે ત્યારે મોટા ભાગે કિન્ડલને જ જાણીએ છીએ. એ હકીકત છે કે કિન્ડલ જેવાં ડિવાઇસને કારણે કાગળ પર છપાયેલા પુસ્તકને જબરી હરીફાઇ મળવા લાગી છે. ઇ-રીડર આટલાં લોકપ્રિય કેમ થયાં તેનો જવાબ ઇ-રીડરની અમુક ખૂબીઓમાં સમાયેલો છે.


ઇ-રીડરના સ્ક્રીન એક ખાસ પ્રકારની ડિસ્પ્લે ટેક્નોલોજીથી તૈયાર થાય છે, જેને કારણે પુસ્તકમાં સામાન્ય કાગળ પરનું લખાણ તમને જેવું દેખાય એવું જ ઇ-રીડરના સ્ક્રીન પર દેખાય છે. તેમાં પીસીના મોનિટર કે સ્માર્ટફોનના સ્ક્રીનની જેમ ‘બેકલિટ ડિસ્પ્લે’ હોતો નથી. એટલે કે સ્ક્રીન પરથી આપણી આંખ પર પ્રકાશ ફેંકાતો નથી. સામાન્ય કાગળ પરથી જેટલો પ્રકાશ પરાવર્તિત થાય એટલો જ ઇ-રીડરના સ્ક્રીન પરથી થાય છે, પરિણામે તેના પર તમે ગમે તેટલું વાંચો તોય આંખો દુ:ખતી નથી.

મોટા ભાગનાં ઇ-રીડર વજનમાં સામાન્ય પેપરબુક જેટલાં જ હળવાં હોય છે. ઉપરાંત તેમાં સ્ક્રીન પરનું પેજ ફેરવો ત્યારે જ વીજળીનો વપરાશ થાય છે એટલે બેટરી લાઇફ પણ સારી મળે છે (એક વાર ચાર્જ કર્યા પછી અઠવાડિયા સુધી ચાલી શકે!). એક ડિવાઇસમાં અનેક પુસ્તકો સમાય એ સૌથી મોટો લાભ.


પુસ્તકના ફોન્ટ નાનામોટા કરો, સ્ક્રીનની બ્રાઇટનેસ વધતીઓછી કરો, પેજનો કલર સેપિયા ટોનનો કરો…. એ બધામાં શિરમોર છે ઇનબિલ્ટ ડિક્શનરીની સગવડ. તમે વાંચતાં વાંચતાં કોઈ પણ શબ્દ પર અટક્યા તો તરત, ત્યાં ને ત્યાં ડિક્શનરી ઓપન કરીને એ શબ્દની વિગતવાર સમજણ મેળવી શકો! બુકમાર્ક મૂકવા, કોઈ ચોક્કસ પેરેગ્રાફ હાઈલાઇટ કરીને તમારી નોંધ મૂકવી, આ બધું આપણે સામાન્ય પુસ્તકોમાં કરીએ છીએ અને એ બધું જ તમે ઇ-રીડરમાં પણ કરી શકો. ત્યાં સુધી કે શિયાળામાં પથારીમાં ગોઠવાઈ, ગોદડું ઓઢીને વાંચવાની મજા પણ ઇ-રીડરમાં જળવાઈ રહે છે!


પણ આ બધો લાભ તો ઇ-રીડર ખરીદ્યું હોય એને મળેને એવું વિચારતા હો તો નિરાશ ન થશો! સ્પેશિયલ સ્ક્રીન સિવાયના બધા જ લાભ આપણા સ્માર્ટફોનમાં પણ મળી શકે છે. પુસ્તકના વેચાણમાં ઇન્ટરનેટની સૌથી ટોચની કંપની એમેઝોને તેનાં વિવિધ પ્રકારનાં કિન્ડલ ઇ-રીડરની સાથોસાથ સ્માર્ટફોનમાં કિન્ડલ એપ આપી છે અને પીસીમાં પણ કિન્ડલ વર્ઝનનાં પુસ્તકો વાંચી શકાય એવી સગવડ આપી છે. આથી, ઇ-રીડર તરીકે કિન્ડલ ડિવાઇસ ખરીદ્યા વિના આપણા સ્માર્ટફોનમાં જ એમેઝોનની ઇ-બુક્સ વાંચી શકીએ છીએ. પ્લે સ્ટોરમાંથી કિન્ડલ એપ ડાઉનલોડ કર્યા પછી તમારે તેમાં એક મફત એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. પછી ઇચ્છો તો એપમાંથી જ, એમેઝોનની સાઇટ પર જઈને ઇ-બુક્સ ફેંદો અને ખરીદો. પાર વગરની ફ્રી ઇ-બુક્સ પણ મળશે, પણ શોધવી જરા મુશ્કેલ છે.


આજના સમયમાં આખું પુસ્તક વાંચવાનો સમય કોને છે? એવો સવાલ થયો હોય તો એનો ઉપાય પણ જાણી લો.
સ્માર્ટફોનને કારણે આપણે હવે કોઈ પણ બાબત પર લાંબો સમય ધ્યાન આપી શકતા નથી. વાંચનનું પણ એવું જ થયું છે એ વાત સાચી, પણ કિન્ડલ એપમાં તમે તમારા ગમતા કોઈ પણ વિષયના પુસ્તકનાં સેમ્પલ પેજીસ ડાઉનલોડ કરી શકો છો. ભલે આખાં પુસ્તકો ન ખરીદો, ફ્રી સેમ્પલ પેજીસ વાંચતા રહેશો તો પણ ભાત ભાતના અનેક વિષયોમાં ઊંડા ઊતરી શકશો! કિન્ડલ એપમાં તમારી પસંદના વિષયો કે લેખકોની ઇ-બુક્સનાં ફોલ્ડર બનાવી શકાશે. કિન્ડલમાં ઇંગ્લિશ ઉપરાંત, હિન્દી અને ગુજરાતી પુસ્તકો પણ છે જ. જો પુસ્તક ગમી ગયું, તો એ કાગળના પુસ્તક કરતાં સસ્તું હોવાની પૂરી શક્યતા છે!

READ ALSO

Related posts

મોહમ્મદ શમી પછી હવે બુમરાહનાં બચાવમાં આવ્યા ટીમનાં આ વરિષ્ઠ ખેલાડી

pratik shah

આ રોડ શો માત્ર ટ્રમ્પ અને મોદીનો જ હશે : વિજય રૂપાણી

Mayur

ડોન રવિ પુજારીને ભારત લાવવાની તૈયારીઓ આખરી ચરણમાં, આજે આવી શકે છે ભારત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!