અમદાવાદના ધંધુકામાં ફાયરીંગમાં યુવાનની હત્યા નિપજાવાના મામલે પોલીસે બે આરોપીને રાઉન્ડઅપ કરી લીધા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે ફાયરીગ કરનાર આરોપીની શોધખોળ માટે આઠ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જો કે સમગ્ર તપાસ એસઓજી અને એલસીબીને સોંપવામાં આવી છે. આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે.

ગત મંગળવારે અમદાવાદના ધંધુકામાં અજાણ્યા શખ્સોએ માલધારી યુવકની સરાજાહેર ગોળી મારી હત્યા કરી હતી. તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધંધુકામાં બંધનું જાહેર કરવામાં આવ્યું છે. વિરોધના પગલે આજે આખું ધંધુકા સજ્જડ બંધ રહ્યું. અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત આ મામલે તપાસના ધમધમાટ શરૂ થયો છે. SOG, LCB લોકલ પોલીસ સહિત 7 ટીમ તૈયાર કરવામાં આવી છે. DySP રીના રાઠવાના સુપરવિઝનમાં તપાસ થશે.
ધંધુકામાં બંધ
આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનોએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે કિશને સમાજ માટે નહીં પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેઓનું બલિદાન એળે ન જાય તેના માટે કિશનના નામે માર્ગ બનાવવા અને સ્ટેચ્યુ બનાવાવમાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
બંધના એલાનનના પગલે અમદાવાદ રેન્જ આઈજી વી.ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ધંધુકામાં આજે સવારથી માહોલ શાંત છે. કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેથી SP સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પણ મૃતકના આરોપીની શોધખોળ કરવામાં આવી છે, આરોપી ધરપકડની ટૂંક સમયમાં થશે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે મોડી રાત્રે ધંધુકામાં કિશન બોળીયા અને તેનો ભાઈ બાઇક પર જતા હતા ત્યારે અન્ય બાઇક પર બે અજાણ્યાં શખ્સોએ આવીને ફાયરિંગ કરી હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. કિશનને ધંધુકાની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યા તેને મૃત જાહેર કરાયો હતો. ઘટનાના પગલે મૃતકના સમાજના લોકોના ટોળા વળ્યા હતા. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.
ધંધુકા પીઆઇને લીવ રિઝર્વમાં મુકાયા
ધંધુકા પીઆઇ સી.બી.ચૌહાણને લીવ રિઝર્વમાં મુકાયા છે. જયારે સાણંદ પીઆઇ આર.જી. ખાંટને ધંધુકા મુકાયા હતા. કોરોના પોઝિટિવ હોવાથી પીઆઇ ખાંટ હોમ ક્વોરન્ટીન હોવા છતાંય તાત્કાલિક હાજર કરાયા હતા. સમગ્ર મામલે ધંધુકા પીઆઇની બેદરકારી સામે આવતા બદલી કરાઈ હતી. મામલો થાળે પાડવા યોગ્ય અધિકારીને ધંધુકા મુકાયા હતા. હાલ ધંધુકામાં શાંતિપૂર્ણ માહોલ છે.