પ્રખ્યાત ગીર અભ્યારણ્યના દેવળિયા પાર્કમાં સિંહોએ વનકર્મચારીઓ પર કર્યો હુમલો

ગીરના દેવળિયા પાર્કમાં સિંહે વનકર્મી પર હુમલો કરતા તેમનું મોત નિપજ્યું. પરંતુ જે રીતે સિંહોએ આક્રમક વલણ અખત્યાર કરીને વનકર્મી પર હુમલો કર્યો તેને લઇને વન વિભાગ તેમજ નિષ્ણાતોમાં ચિંતા પ્રવર્તી રહી છે. કેમ કે સિંહ સામાન્ય રીતે માનવીઓ પર હુમલો કરતો નથી. તો પછી આખરે દેવળિયાના સિંહો કેવી રીતે આદમખોર બની ગયા. સિંહોનું વર્તન અચાનક જ બદલાઇ જવાનું કારણ શું છે. આવા અનેક સવાલો છે જેના જવાબો મેળવવાની કવાયત વન વિભાગ કરી રહ્યું છે.

એશિયાટિક સિંહ માટે દુનિયાભરમાં પ્રખ્યાત ગીર અભ્યારણ્યના દેવળિયા પાર્કમાં હિંસક બનેલા સિંહોએ વન કર્મીને ફાડી ખાવાની ઘટના બાદ સિંહના વર્તન અને વલણ અંગે ચર્ચાઓ શરૂ થઇ છે. દેવળિયા પાર્કમાં બનેલી ઘટના સામાન્ય નહિં પરંતુ અસામાન્ય છે. કેમકે ગીરના ઇતિહાસમાં અત્યાર સુધીમાં દેવળિયા પાર્કમાં સિંહોએ ક્યારેય વનકર્મચારીઓ પર હુમલો કર્યો નથી.

જંગલનો રાજા ગણાતા સિંહ સામાન્ય રીતે શાંત પ્રકૃતિના હોય છે. પરંતુ સિંહ માનવીઓ પર હુમલો કરી તેને મારી નાંખે તેવી ઘટનાઓ જોવા મળતી નથી. સિંહને જ્યારે પોતાના જીવનું જોખમ લાગે અથવા તો તેને ડર લાગે કે મનુષ્ય પોતાના પર હુમલો કરશે તેવા સંજોગોમાં જ સિંહ માનવ પર હુમલો કરે છે. પરંતુ દેવળિયામાં આવી કોઇ બાબત નહોતી. અહીં તો ગૌરવ અને ગૌતમ નામના બે સિંહોએ ટ્રેકર રજની કેશવાલા પર જ સીધો હુમલો કરી તેનું મોત નિપજાવ્યું.

દેવળિયામાં સિંહોએ શા માટે અચાનક જ હિંસક સ્વરૂપ ધારણ કર્યું તે હજુ પણ વનકર્મીઓની સમજ બહાર છે. રજનીને મદદ કરવા દોડી આવેલા વન કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે તેમણે સિંહોનું આવું હિંસક સ્વરૂપ ક્યારેય નહોતું જોયું. સિંહ રજની કેશવાલાને ગળામાંથી પકડી તેને જંગલમાં ઢસડી રહ્યો હતો. આથી રજનીને સિંહના પંજામાંથી છોડાવવા વન કર્મચારીઓએ ગાડીને સિંહ તરફ દોડાવી. આવું બને ત્યારે સામાન્ય રીતે સિંહ પોતાનો શિકાર છોડીને જતો રહે છે. પરંતુ અહીં સિંહ રજનીને છોડવાને બદલે તેને પકડીને જંગલ તરફ ભાગવા લાગ્યો. વન કર્મચારીઓ તેની પાછળ ગયા તો સિંહે તેમના પર પણ હુમલો કરી દીધો. આમ સિંહોનું વર્તન ઘણું જ અસામાન્ય હતું. સિંહના બદલાઇ રહેલા વર્તન પાછળ ગીરમાં સતત થઇ રહેલી સિંહની રંજાડ પણ ક્યાંકને ક્યાંક જવાબદાર છે.

આદમખોર બનેલા ગૌરવ અને ગૌતમને કાયમ માટે પાંજરે પૂરવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા હવે બંને સિંહોએ શા માટે માનવીઓ પર હુમલો કર્યો તેના કારણો જાણવા કવાયત હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter