રાજ્યમાં ડુંગળીનો ભરપૂર ઉપયોગ હોવા છતાં ઉત્પાદક ખેડૂતોની છે આ સ્થિતિ

આ વર્ષે ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો પાયમાલીના આરે આવીને ઉભા છે. આ સમયગાળામાં સામાન્ય રીતે જથ્થાબંધમાં ૨૦૦થી ૫૦૦ રૂપિયે મળતી ડુંગળીના ભાવ હાલ ૫૦થી ૧૬૦ રૂયિયા થઇ ગયા છે. જેને લીધે ડુંગળી વેચવા આવતા ખેડૂતોને નફો તો બાજુમાં રહ્યો પરંતુ વાહનભાડું પણ નીકળતું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

હાલમાં ગુજરાતના મહુવા, ભાવનગર, તળાજામાંથી પણ ડુંગળીના આવકો શરૂ થઇ છે. પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ડુંગળીના ભાવો ગગડતાં ખેડૂતો હાલાકીમાં મુકાયા છે. મહુવા યાર્ડમાં ૨૦ કિલો લાલ ડુંગળીનો જથ્થાબંધ ભાવ ૫૦થી ૧૩૫ જેટલો નીચે ઉતરી ગયો છે. તો સફેદ ડુંગળીનો ભાવ ૧૩૦થી ૧૭૦ રૂપિયા સુધીનો બોલાઇ રહ્યો છે. આટલો ઓછો ભાવ ખેડૂતોને પોષાય તેમ નથી. પાછલા વર્ષે ખેડૂતોને ડુંગળીના ૨૦૦થી ૫૦૦ રૂપિયાનો ભાવ મળતો હતો.

અમદાવાદમાં જથ્થાબંધ બજારમાં 20 કિલો ડુંગળી ૬૦થી ૧૬૦ રૂપિયે મળી રહી છે. એટલે કે ૩થી ૮ રૂપિયે કિલો ડુંગળી મળે છે. જે છૂટક બજારમાં ૧૫થી ૨૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં ડુંગળીનો ભાવ ૧ રૂપિયે કિલો થઇ જતાં ખેડૂતો તેને રોડ પર ફેંકીને રોષ ઠાલવ્યો હતો.

રાજસ્થાનમાંથી નવી ડુંગળીની બમ્પર આવક થતાં તેમજ મહારાષ્ટ્રમાંથી નવી ડુંગળીની સાથે મે માસમાં કરેલો સ્ટોક પણ એકસામટો ઠલવાતા આ સ્થિતિ સર્જાઇ હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે. જાણકારોના જણાવ્યા મુજબ બે અઠવાડિયા સુધી આ સ્થિતિ જળવાઇ રહે તેમ છે. ત્યારબાદ ધીમે ધીમે આવક ઘટવાની સાથે ભાવમાં સુધારો થવાની શરૂઆત થશે. જેનો ફાયદો ખેડૂતોને મળશે. આ સ્થિતિ ઘણા વર્ષો પછી સર્જાઇ છે કે આ સમયગાળામાં ખેડૂતોને ડુંગળીના પુરતા ભાવ મળ્યા ન હોય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter