GSTV

રક્ષક જ ભક્ષક / સ્વીટી પટેલની હત્યા પોલીસ ઇન્સ્પેક્ટરે જ કરી હોવાનો ઘટસ્ફોટ, કેસ ઉકેલવામાં ગુજરાત પોલીસને ૫૦ દિવસ લાગ્યા

Last Updated on July 25, 2021 by Pravin Makwana

લાપતા જાહેર કરવામાં આવેલા સ્વિટી પટેલ (ઉ.વ. 40)ની હત્યા  લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ(ઉ.વ. 35)એ કરી હતી. કરજણની પ્રાયોશા સોસાયટીમાં રહેતા અમદાવાદ ગ્રામ્ય એસઓજી પી.આઈ.એ ગૃહકંકાસમાં ગત 4 જૂનની રાતે પત્ની સ્વિટીની ગળું દબાવી હત્યા કરી હતી.

લાશને એક દિવસ ઘરના બેડરૂમમાં રાખ્યા પછી બીજા દિવસે પાંચમી તારીખે પી.આઈ. દેસાઈએ હોટલ સંચાલક મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. કિરીટસિંહની દહેજ હાઈવે ઉપર અટાલી ગામના પાટિયા પાસે આવેલી બંધ હોટલના પાછળના ભાગે સ્વિટીની લાશને સળગાવી દેવાઈ હતી.

ઝઘડો થતાં પત્ની સ્વિટી ક્યાંક ચાલ્યા ગયાની જાણ પાંચમી તારીખે જ સાળા જયદિપ પટેલને કર્યાની ખોટી સ્ટોરી પી.આઈ. દેસાઈએ ઉભી કરી હતી. દોઢ મહિના સુધી વડોદરા પોલીસ આ કેસમાં કંઈ ઉકાળી શકી નહોતી પણ ડીજીપીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપતા ચાર જ દિવસમાં ભેદ ઉકેલી નાંખ્યો છે.

વડોદરાના કરજણમાં આવેલા પ્રાયોશા બંગલોઝમાં રહેતા અજય એ. દેસાઈ વડોદરા ગ્રામ્ય એસઓજીમાં પી.આઈ. તરીકે ફરજ બજાવે છે. એ.એ. દેસાઈ સાથે સ્વિટી પટેલ નામની મહિલા લિવ-ઈન રિલેશનશીપમાં આ બંગલોમાં રહેતી હતી. તા. 11 જુનના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં સ્વિટી પટેલ લાપતા થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે, તા. 5 જુનના રાતે 1 વાગ્યાથી સવારે 8 વાગ્યા દરમિયાન તેમના પતિ સાથે ઝઘડો તકરાર થવાથી અને સાસરીવાળા બોલાવતા ન હોવાથી ટેન્શનમાં રહેતા હોવાથી સ્વિટી પટેલ ગુમ થયાં છે. સ્વિટીબહેનના ભાઈ જયદિપભાઈ મહેન્દ્રભાઈ પટેલે જાહેર કરેલી વિગતોના  આધારે કરજણ પોલીસ તપાસ કરી રહી હતી. જો કે, મહિલા લાપતા બનેલી હોવાથી પોલીસ તપાસ સ્વાભાવિક રીતે ગંભીરતાપૂર્વકની જણાઈ નહોતી.

જો કે, સ્વિટીબહેનની હત્યા થઈ હોવાની આશંકાથી ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ડીજીપીએ આ કેસની તપાસ એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.

ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી. ચુડાસમા અને ટીમે ચાર દિવસથી કરજણમાં પડાવ નાંખ્યો હતો. આખરે, સ્વિટી પટેલની હત્યા તેની સાથે લિવ-ઈનમાં રહેતા પી.આઈ. અજય એ. દેસાઈએ કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. પી.આઈ. દેસાઈની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, અગાઉના લગ્નમાં છૂટાછેડા લઈ ચૂકેલા સ્વિટી પટેલ અને પી.આઈ. અજય દેસાઈ વર્ષ 2015થી સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધ બંધાયો હતો. આ પછી ઘણા સમયથી બન્ને લિવ-ઈનમાં રહેતા હતા.

અજય દેસાઈએ બીજા લગ્ન કરતાં બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયાં હતા. આ ઝઘડો એટલો વકર્યો હતો કે, તા. 4 જુનના રાતે અજય દેસાઈએ મંદિરમાં ફૂલહાર કરી ગાંધર્વ વિવાહ બાદ લિવ-ઈનમાં રહેતી સ્વિટી પટેલની ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા માટે અજય પટેલે હોટલ સંચાલક મિત્રની મદદ માગી હતી. 

કરજણ પાસે હોટલ ચલાવતા કિરીટસિંહ જાડેજાની દહેજ પાસે અટાલી ગામના પાટિયા પાસે આવેલી બંધ હોટલના પાછળના ભાગે જઈ અજય દેસાઈએ એકલાએ જ સ્વિટીનો મૃતદેહ સળગાવી દીધો હતો.

પી.આઈ. અજય દેસાઈએ ઝઘડો થવાથી સ્વિટી ક્યાંક ચાલી ગઈ હોવાનું જાહેર કર્યું હતું. પરંતુ, પાપ છાપરે ચડીને પોકારે છે તેવા કુદરતી નિયમથી ચાર દિવસ પહેલા એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.

ચાર જ દિવસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્વિટી પટેલની હત્યા કરવા બદલ એસઓજી પી.આઈ. અજય એ. દેસાઈની ધરપકડ કરી છે. તેને સાથ આપનાર હોટલ સંચાલક કિરીટસિંહ જાડેજાને પણ પુરાવાનો નાશ કરવા બદલ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે. કરજણ પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો છે અને ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. ડી.બી. બારડ વધુ તપાસ કરી રહ્યાં છે.

સ્વિટી ઘરમાં ગઈ પણ બહાર ન આવી તો ગૂમ કઈ રીતે થઇ ? આ સવાલથી હત્યાનો ભેદ ખૂલ્યો

** અજય દેસાઈએ એવું જાહેર કર્યું કે, ઝઘડો થવાથી સ્વિટી ઘર છોડીને ચાલી ગઈ છે. તા. 4 જૂનના દિવસે સ્વિટી ઘરમાં જતી હોવાના સીસીટીવી જોવા મળ્યાં હતાં. પણ, એ પછી દિવસો સુધી સ્વિટી ઘરમાંથી બહાર નીકળી નહોતી તો ગૂમ કઈ રીતે થાય? આ એક સવાલને આધાર બનાવી ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી. ચુડાસમા અને ટીમે કરેલી તપાસમાં હત્યાનો ભેદ ખૂલ્યો છે.

** પાંચમી જૂનના રોજ અજય દેસાઈ પોતાની કમ્પાસ કાર રિવર્સમાં ઘરના દરવાજા પાસે લઈ ગયા હતા. સામાન્ય રીતે તેઓ કાર ઘરની બહારની બાજુએ જ પાર્ક કરતા હતા.

** અજય દેસાઈના સીસીટીવી કોલ રેકોર્ડ તપાસવામાં આવતાં હોટલ સંચાલક મિત્ર કિરીટસિંહ જાડેજા સાથે વાતચિતથી શંકા વધુ મજબૂત

** હોટલ સંચાલકની દહેજ પાસે આવેલી બંધ મિલકત પાસે પણ અજય દેસાઈ અને કિરીટસિંહના મોબાઈલ ફોનના લોકેશનના પૂરાવા મળ્યાં

** અજય દેસાઈ અને સ્વિટી રહેતા હતા તે મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા અને કિરીટસિંહની હોટલ પાસેથી હાડકાં મળ્યા તેની તપાસ

બે-બે લગ્ન કરી ચૂકેલા સ્વિટી-અજયને 2015થી  પ્રેમ હતો, લિવ-ઈનમાં  મંદિરમાં ફૂલહાર કર્યા હતા

અજય દેસાઈ અને સ્વિટી પટેલના સંબંધોની વિગતો પોલીસે જાણી છે. વર્ષ 2015માં અજય અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે એક સામાજીક કાર્યક્રમમાં આણંદની સ્વિટી દેસાઈ મળી હતી.  અજય દેસાઈએ 2013માં લગ્ન કર્યા પછી છૂટાછેડા થયા તે દરમિયાન જ સ્વિટી સંપર્કમાં આવતાં પ્રેમ થયો હતો.

બન્ને લિવ-ઈનમાં રહેતા હતા અને રૂપાલ પાસે મંદિરમાં ફૂલહારવિધી કરી ગાંધર્વવિવાહ કર્યા હતા. વર્ષ 2017માં અજયે પરિવાર-સમાજના દબાણથી બીજા લગ્ન કરતાં પત્ની વડોદરા રહેવા આવી હતી. અજય સમય ઓછો આપતો હોવાથી સ્વિટી સાથે ઝઘડા શરૂ થયા હતા. મુળ આણંદની સ્વિટીના પહેલા લવમેરેજ હતાં.

બે સંતાનો પછી પતિને પ્રેમ થતાં સ્વિટીએ છૂટાછેડા આપ્યા હતા. સ્વિટીના બીજા લગ્ન અમેરિકા થયાં અને છૂટાછેડા થતાં પાછી ફરી પછી અજય દેસાઈ 2015માં સંપર્કમાં આવ્યો હતો. સ્વિટી અને અજય વર્ષોથી લિવ-ઈનમાં રહેતા હોવાની જાણ અજયના પરિવારને નહોતી.

અજય દેસાઈએ બહેનનું નામ વટાવી લાશનો નિકાલ કરવાના બહાને કિરીટસિંહની મદદ લીધી

 અજય દેસાઈએ કિરીટસિંહ પાસે જૂઠ્ઠું બોલીને સ્વિટીના મૃતદેહનો નિકાલ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, અજયે હોટલ સંચાલક મિત્ર પાસે બહેનનું નામ વટાવીને એક વ્યક્તિને મારી નાંખ્યો છે અને લાશનો નિકાલ કરવાનો હોવાની ખોટી વાત કરી હતી.

અજયે લાશ બાળી ત્યારે પાંચમી તારીખ સાંજે પાંચ વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી કિરીટસિંહ થોડે દૂર ધ્યાન રાખતો ઉભો રહ્યો હતો. સ્વિટીની લાશને અજય દેસાઈએ એકલા જ બાળી હતી. બીજા દિવસે સવારે કિરીટસિંહ રૂબરૂ તપાસ કરવા ગયા ત્યારે ધૂમાડા નીકળતા હતા.

READ ALSO

Related posts

Vodafone-Ideaના ધાંધિયા: આટલા કલાક બંધ રહેશે ઇન્ટરનેટ, લાખો યુઝર્સને આવી રહી છે આ સમસ્યા

Bansari

માઇભક્તો માટે સારા સમાચાર / સવારથી લઇને રાતના આટલાં વાગ્યા સુધી ખુલ્લું રહેશે અંબાજી મંદિર, ભક્તોનું કીડિયારું ઉભરાયું

Dhruv Brahmbhatt

BREAKING NEWS / ચરણજીતસિંહ ચન્નીએ લીધા 16માં CM તરીકેના શપથ, પંજાબને મળ્યાં પ્રથમ દલિત મુખ્યમંત્રી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!