GSTV
Home » News » કર્ણાટકમાં લોકશાહીની હત્યા, ભાજપ ખોખલી જીતનો જશ્ન મનાવે છે: રાહુલ ગાંધી

કર્ણાટકમાં લોકશાહીની હત્યા, ભાજપ ખોખલી જીતનો જશ્ન મનાવે છે: રાહુલ ગાંધી

કર્ણાટકમાં યેદિયુરપ્પાના મુખ્યપ્રધાન પદે શપથ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ દ્વારા ખોખલી જીતનો જશ્ન થઈ રહ્યો હોવાનું જણાવીને લોકશાહીની હારનો દેશ ગમ મનાવી રહ્યું હોવાનું જણાવ્યું છે. રાહુલ ગાંધીને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનને નિશાને લીધું છે.

કર્ણાટકમાં રાજકીય ઉથલ-પાથલો અને સુપ્રીમ કોર્ટમાં મોડી રાત્રિ સુધી ચાલેલી સુનાવણી બાદ ગુરુવારે નવ વાગ્યે બી. એસ. યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન પદે શપથગ્રહણ કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે.. જણાવ્યુ છે કે ભાજપ ખોખલી જીતની ઉજવણી કરી રહ્યું છે. તો બીજી તરફ ભારત લોકશાહીની હારનો શોક મનાવશે. કર્ણાટકમાં જરૂરી સંખ્યાબળ નહીં હોવા છતાં સરકારની રચના કરવાની ભાજપની જીદ બંધારણની મજાક ગણાવતા રાહુલ ગાંધીએ છત્તીસગઢ ખાતેની રેલીમાં પણ ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના સંગઠન મહામંત્રી અશોક ગહલોતે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારમાં તમામ મોટી બંધારણીય સંસ્થાઓને નબળી પાડવામાં આવી છે અને ભાજપ સત્તાને આંચકી લેવા માટે લોકશાહીની હત્યા કરી રહ્યું છે. બીએસપીના અધ્યક્ષ માયાવતીએ પણ કર્ણાટકમાં યેદિયુરપ્પાના મુખ્યપ્રધાન બનવા મામલે કહ્યુ છેકે ભાજપે રાજ્યમાં લોકશાહીની હત્યા કરી છે. જો કે કોંગ્રેસે મુસ્લિમ મતોને વિભાજીત કર્યા હોવાનો આરોપ પણ માયાવતીએ લગાવ્યો છે.

રાહુલ ગાંધીના ટ્વિટના જવાબમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટ કરીને નિશાન સાધ્યું છે. અમિત શાહે જણાવ્યુ છે કે લોકશાહીની હત્યા ત્યારે જ થઈ ગઈ હતી કે જ્યારે ધીરજ નહીં ધરનારી કોંગ્રેસે તકવાદી બનીને જેડીએસ તરફ ગઠબંધનનો હાથ લંબાવ્યો હતો. આ તેમણે કર્ણાટકના લોકોની ભલાઈ માટે નહીં. પરંતુ રાજકીય ફાયદા માટે કર્યું છે.

યેદિયુરપ્પાના કર્ણાટકના મુખ્યપ્રધાન બનાવવા સામે કોંગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ, અશોક ગહલોત અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા સહીતના પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓએ વિધાનસભા બહાર મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું છે. મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં ભાજપને 104, કોંગ્રેસને 78, જેડીએસ-બીએસપીના જોડાણને 38 અને અન્યને બે બેઠકો પર જીત મળી છે.

 

Related posts

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

Mayur

સગીર વાહન ચલાવતાં ઝડપાયા તો મા-બાપની આવી બની, જાણી લો આ નવો નિયમ નહી તો મર્યા સમજજો

Bansari

ધોનીની માફક તમે પણ જઈ શકો છો ટેરિટોરિયલ આર્મીમાં, ભરતી માટે જરૂરી છે આટલી વસ્તુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!