GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

રાજનીતિના અઠંગ ખેલાડી પવાર આદિત્ય ઠાકરેને સી.એમ. બનાવવા તૈયાર, ભાજપની સમસ્યામાં થશે તોતિંગ વધારો

મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સત્તા ફરી કબજે કરવામાં સફળ રહ્યાં નથી પણ એનસીપીએ મહારાષ્ટ્રમાં હરિયાણા ફોર્મ્યુલા અજમાવવાનું નક્કી કર્યું છે. હરિયાણામાં કોંગ્રેસે ભાજપને સત્તાથી દૂર રાખવા જેજેપીના દુષ્યંત ચૌટાલાને મુખ્યમંત્રી બનાવવાની તૈયારી બતાવી છે. એનસીપી મહારાષ્ટ્રમાં આ રીતે શિવસેનાના આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રીપદ આપવા તૈયાર છે. પવારે જાહેરમાં શિવસેનાને ટેકો આપવાનો ઈન્કાર કર્યો છે પણ અંદરખાને એ તૈયાર છે.

કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે શરદ પવારે સોનિયા ગાંધીને ફોન કરીને આ ફોર્મ્યુલા રજૂ પણ કરી છે કેમ કે કોંગ્રેસના સમર્થન વિના તેનો અમલ શક્ય નથી. પવારની ગણતરી મહારાષ્ટ્રમાં સત્તામાં વાપસી અને ભાજપ-સેનાનું હિંદુવાદી જોડાણ તોડવાની છે પણ સોનિયા ખચકાટ અનુભવી રહ્યાં છે. શિવસેના જેવી કટ્ટરવાદી પાર્ટીને ટેકો આપવાથી કોંગ્રેસની મુસ્લિમ મતબેંકનું ધોવાણ થશે તેવો તેમને ડર છે.સોનિયાએ કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવા પવારને ખાતરી આપી છે. રાજકીય વિશ્લેષકોના મતે, સોનિયા પવારની ફોર્મ્યુલા સ્વીકારે તો એ માસ્ટરસ્ટ્રોક સાબિત થાય. મહારાષ્ટ્ર જેવું મોટું રાજ્ય ભાજપના હાથથી જાય એ કોંગ્રેસ માટે મોટો ફાયદો સાબિત થાય.

દુષ્યંત ચૌટાલા મોદી-શાહ કરતાં પણ વધારે સર્ચ થયા

મહારાષ્ટ્ર અને હરિયાણા  વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં. આ પરિણામો પછી દુષ્યંત ચૌટાલાના ભાવ અચાનક ઉંચકાઈ ગયા છે. હરિયાણામાં કોઈ પણ પક્ષને બહુમતી ના મળતાં ભાજપ અને કોંગ્રેસ બંને ચૌટાલાની આગળપાછળ ફરતાં થઈ ગયાં છે. સોશિયલ મીડિયામાં પણ મોદી, અમિત શાહ વગેરેની નહીં પણ ચૌટાલાની ચર્ચા છે. ઈન્ટરનેટ પર ચૌટાલા સૌથી વધારે સર્ચ થઈ રહ્યા છે.માત્ર ૩૧ વર્ષના ચૌટાલાએ ૧૦ મહિના પહેલાં જ જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની સ્થાપના કરી હતી. ૨૦૧૪માં ૨૬ વર્ષની વયે લોકસભાની ચૂંટણી જીતીને સંસદના ઈતિહાસમાં સૌથી યુવા સાંસદ બનનારા ચૌટાલા કેલિફોનયામાં ભણ્યા છે.

ચૌટાલાની જેજેપીએ ૧૦ બેઠકો જીતી છે ને તેના આધારે તે કિંગ મેકર બની ગયા છે. જો કે ચૌટાલાને કિંગ મેકર નહીં પણ કિંગ બનવામાં રસ છે. ચૌટાલાએ ભાજપ-કોંગ્રેસ બંનેમાંથી કોઈ પણ પક્ષ સાથે બેસવાની તૈયારી બતાવી છે. શરત એટલી જ છે કે, મુખ્યમંત્રીપદ પોતાને મળવું જોઈએ. ચૌટાલાની શરતે ભાજપને મૂંઝવણમાં મૂકી દીધો છે. મનોહરલાલ ખટ્ટર આ શરત માનવા તૈયાર નથી જ્યારે કોંગ્રેસને તેની સામે વાંધો નથી. આ કારણે ચૌટાલા કોંગ્રેસ ભળી ઢળે તેવી શક્યતા વધારે છે.

શિવસેના મુખ્યમંત્રીપદના મુદ્દે અડી ગઈ

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું જોડાણ ફરી સત્તામાં આવ્યું છે પણ ભાજપમાં તેનો ઉત્સાહ નથી. બલ્કે ભાજપમાં અત્યારે ચિંતાનું વાતાવરણ છે અને તેનું કારણ શિવસેના છે. ભાજપ આ ચૂંટણીમાં ૨૦૧૪ની ચૂંટણી કરતાં વધારે બેઠકો જીતવાની આશા રાખતો હતો પણ આ આશા ફળી નથી. ઉલટાની ભાજપની બેઠકો ઘટી છે. તેના કારણે હવે ભાજપે શિવસેનાને સારી રીતે સાચવ્યા વિના છૂટકો નથી.

શિવસેનાએ ભાજપ પર દબાણની વ્યૂહરચના પરિણામ બહાર પડયાં ત્યારથી અમલી બનાવી દીધી છે. સંજય રાઉતે તો મુખ્યમંત્રીપદ વહેંચવાની વાત સુધ્ધાં કરી નાંખી. ઉધ્ધવ ઠાકરેએ પણ અમિત શાહ ‘માતોશ્રી’ આવ્યા ત્યારે નક્કી થયેલી ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલાની યાદ દેવડાવી છે. ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો શિવસેના અઢી વર્ષ માટે મુખ્યમંત્રીપદ,  ગૃહ મંત્રાલય સહિત મોટાં મંત્રાલયોમાં અડધોઅડધ મંત્રાલય તેમજ  કેન્દ્ર સરકારમાં વધારે અને મહત્વનાં મંત્રાલય માગે છે. શિવસેના આ મુદ્દે અડી ગઈ છે ને કોઈ સમાધાન માટે તૈયાર નથી. શિવસેનાની માગથી ભાજપની હાલત બગડી છે. જો કે ભાજપનો અત્યારે શિવસેનાની આ માંગ સ્વીકાર્યા વિના છૂટકો નથી એવું પણ ભાજપના નેતા સ્વીકારે છે.  

ભાજપને બિહારમાં ફટકો, શિવાજીના વંશજ હાર્યા

ગુરૂવારે મતગણતરી દરમિયાન મહારાષ્ટ્ર અને હરિયાણાનાં પરિણામો કેન્દ્રસ્થાને હતાં તેથી બીજાં રાજ્યોમાં શું થયું તેના પર લોકોનું ધ્યાન ના ગયું. આ રાજ્યોમાં પણ ભાજપને ભાગે નિરાશા જ આવી છે પણ સૌથી વધુ નિરાશા ઉત્તર પ્રદેશમાં મળી. ઉત્તર પ્રદેશની ૧૧ બેઠકોમાંથી ભાજપે ૬ બેઠકો જીતી. ભાજપને સૌથી વધારે બેઠકો ચોક્કસ મળી પણ આ પરિણામો સંતોષકારક નથી કેમ કે ભાજપની ૪ બેઠકો ઘટી છે.

મધ્ય પ્રદેશમાં પણ ઝાબુઆ બેઠક જીતી લઈને કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી એ સમાચાર ભાજપ માટે નિરાશાજનક છે. બિહારમાં લાલુપ્રસાદની આરજેડીએ બે અને ઓવૈસીની પાર્ટીએ એક બેઠક જીતીને ભાજપ-જેડીયુને આંચકો આપ્યો છે. પંજાબમાં કોંગ્રેસે ત્રણ બેઠકો જીતીને પોતાની સ્થિતી મજબૂત કરી.

જો કે ભાજપને સૌથી મોટો ફટકો સાતારા લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં પડયો. છત્રપતિ શિવાજીના વંશજ ઉદયનરાજે ભોંસલે એનસીપી છોડીને ભાજપ તરફથી લડયા હતા. તેમની કારમી હાર થઈ છે. શરદ પવારે ભોંસલેને હરાવવાની ચેલેન્જ આપી હતી. ભાજપ પવારના પડકાર સામે નબળો સાબિત થયો છે.

પરિણામોની અસર, આવકવેરા દરોમાં રાહત જાહેર થશે

મહારાષ્ટ્ર અને હરિયાણાનાં પરિણામોને નરેન્દ્ર મોદીએ ગંભીરતાથી લીધાં છે. ભાજપની મધ્યમ વર્ગીય મતબેંક ભાજપથી દૂર જતી હોવાના કારણે આ બંને રાજ્યોમાં ભાજપ ધાર્યો દેખાવ કરી શકી નથી. મોદીએ મધ્યમ વર્ગને પાછો ભાજપ તરફ વાળવા વ્યક્તિગત આવકવેરાના દરોમાં ઘટાડો કરવા માટેની દરખાસ્ત કરવાની સૂચના ગુરૂવારે જ આપી દીધી હોવાના અહેવાલ છે.

કેન્દ્ર સરકારે નિમેલી ટાસ્ટ ફોર્સે ૧૦ લાખ રૂપિયા સુધીની આવક પર ૧૦ ટકા ટેક્સની ભલામણ કરી છે. મોદી સરકાર હાલના તબક્કે ૧૦ લાખના બદલે ૮ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સનો દર ઘટાડે તેવી શક્યતા છે. આ સિવાય ઘરભાડા તથા બેંકોમાં મૂકેલી ડીપોઝિટના વ્યાજની આવકને પણ કરમુક્તિનો લાભ અપાશે. મોદીએ શનિવાર સુધીમાં આ દરખાસ્ત આપી દેવા નાણાં મંત્રાલયને સૂચના આપી છે એ જોતાં આવતા અઠવાડિયે આ અંગેની જાહેરાત કરી દેવાય તેવી પ્રબળ શક્યતા છે.

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે પતી ગયા, ઓવૈસીનો ઉદય

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં એક આશ્ચર્યજનક બાબત જોવા મળી. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ ૧૧૦ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમાંથી માત્ર એક જ ઉમેદવાર જીત્યો છે. બીજી તરફ અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમના બે ધારાસભ્યો ચૂંટાયા છે.રાજ ઠાકરે અને ઓવૈસી બંનેની છાપ કટ્ટરવાદી નેતા તરીકેની છે. રાજ ઠાકરે કટ્ટર મહારાષ્ટ્રવાદી અને હિંદુવાદી નેતા ગણાય છે જ્યારે ઓવૈસી કટ્ટરવાદી હિંદુ નેતા મનાય છે. મહારાષ્ટ્રમાં હિંદુઓએ રાજ ઠાકરેને સ્વીકાર્યા નથી જ્યારે ઓવૈસીનો પ્રભાવ વધતો જાય છે. ઓવૈસીની પાર્ટીએ બિહારમાં પણ કિશનગંજ વિધાનસભા બેઠક જીતી છે. ઓવૈસીનો પ્રભાવ પહેલાં હૈદરાબાદ પૂરતો મર્યાદિત હતો પણ આ પરિમાણો દર્શાવે છે કે, ઓવૈસી હવે બીજાં રાજ્યોમાં પણ છવાતા જાય છે. બીજી તરફ એક સમયે બાળાસાહેબ ઠાકરેના રાજકીય વારસ મનાતા રાજ ઠાકરેની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ જવાના આરે છે.

READ ALSO

Related posts

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, હવે આ ઉંમરના લોકો પણ કરી શકશે આ રીતે મતદાન

Pravin Makwana

કોરોનાના કહેર વચ્ચે ખાનગી એરલાઈન્સ કંપનીની મોટી જાહેરાત, કોરોના વોરિયર્સને મળશે ભાડામાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ

Pravin Makwana

125 મહિલાઓને શિકાર બનાવનાર સીરીયલ રેપિસ્ટ ઝડપાયો, એટા હત્યાકાંડમાં મોટા ખુલાસા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!