બિહારમાંથી આવતા ઉપેન્દ્ર કુશવાહા એનડીએ છોડી ગયી પછી હવે લોકજન શક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને પણ ભાજપ સામે લાલ આંખ કરી છે. બેઠકોની વહેંચણીના મુદ્દે પાસવાને તો લગભગ ધમકી જ આપી દીધી હતી. પક્ષના સંસદિય પક્ષના નેતા અને રામ વિલાસના પુત્ર ચિરાગ પાસવાને એનડીએ ધમકી આપી હતી કે આગામી લોકસભામાં બિહારમાં જો યોગ્ય રીતે બેઠકોની વહેંચણી કરવામાં નહીં આવે તો તેઓ તેમને વધુ નુકસાન થઇ શકે છે. ‘બેઠકોની વહેંચણીના મુદ્દે હું અનેક વાર ભાજપના નેતાઓને મળ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઇ જ સંગીન જવાબ મળતો નથી’ એમ ચિરાગ પાસવાને Tweet કરીને કહ્યું હતું.
ભાજપ માટે આગે ખાઇ પાછળ કુવા જેવી સ્થિતિ

લોકસભાના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું હતું કે તેલુગુ દેશમ અને કુશવાહાના પક્ષના બહાર ગયા પછી એનડીએમાં કટોકટી સર્જાઇ છે. હવે બાકીના સાથીદારોના પ્રશ્નોને વહેલી તકે ભાજપે ઉકેલી લેવા જોઇએ. તો આ તરફ ભાજપ પ્રત્યે કુણી લાગણી ધરાવતા પટનાયકના ઓડિસામાં બીજુ જનતા દળે પણ માગ કરી હતી કે જો કેન્દ્ર દ્વારા ચોખાને લઘુત્તમ ટેકાનો ભાવ રૂપિયા ૧,૭૫૦થી વધારીને ૨,૯૩૦ કરવામાં નહીં આવે તો તેઓ આઠમી જાન્યુઆરીએ મહારેલી કરશે. ધરણામાં સાસંદો અને ધારાસભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્યો પણ જોડાશે.
માયાવતી પણ શો કરવાની ફિરાકમાં
માયાવતીએ ભલે કોંગ્રેસે જીતેલા ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનોના શપથ સમારંભમાં હાજરી આપી ના હોય કે દસમી ડિસેમ્બરની દિલ્હીની મહારેલીમાં હાજરી ના આપી હોય, પરંતુ એણે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને ટેકો તો આપ્યો છે.હવે તેઓ બિન કોંગ્રેસ અને બિન ભાજપ પક્ષોના નેતાઓને દસમી જાન્યુઆરીએ દિલ્હીમાં ભેગા કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ બઠકમાં સપા,રાષ્ટ્રીય લોકદળ, જદયુ અને અન્ય નાના પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું.
ભાજપ યુવા મોરચાનું અભિયાન
ભાજપની યુવા પાંખ ભાજપ યુવા મોરચા દ્વારા આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેંલા એક ‘ વિજય લક્ષ્ય’નું આયોજન કરાશે.ભાજપના આ સૂત્રેને તેઓ સાર્થક કરવા પ્રયાસ કરશે.
ઓલ વુમન્સ પાર્ટી પણ ચૂંટણી લડશે
તેલંગાણાની ૧.૪૫ લાખ સભ્યો ધરાવતી તેલંગાણા મહિલા સમિતિના વડા શેઠના શેટ્ટી દ્વારા લોંચ કરવામાં આવેલી દેશની સૌ પ્રથમ માત્ર મહિલાઓની બનેલા નેશનલ વુનમ્સ પાર્ટી પણ સંસદમાં મહિલાઓ માટે પચાસ ટકા અનામત માગે છે. ‘સંસદમાં અમને પચાસ ટકા મહિલાઓની જરૂર છે. તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવાની તાતી જરૂર છે, એમ તેમણે ગઇકાલે કહ્યું હતું.
મહિલા કલ્યાણ ફંડમાં ઘયેલા ઘટાડો
દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓમાં દર વર્ષે સતત ઘટાડો જ થતો રહ્યો છે. નિરાધાર અને ત્યજી દેવાયેલી મહિલાઓ માટેની સ્વાધાર ગ્રહ યોજના જેવી કેટલાક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે. તેમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટે અત્યાર સુધી રૃપિયા ૭૫૫.૪૩ કરોડનો ઘટાડો કરાયો હતો. અગાઉના વર્ષમાં કુલ ફંડ ૫૭૧૭.૧ કરોડ હતું.