GSTV
Home » News » ગુજરાતના ૫રિણામો બાદ મોદી હચમચી ગયા છે : જનાક્રોશ રેલીમાં રાહુલ ગાંધીનો પ્રહાર

ગુજરાતના ૫રિણામો બાદ મોદી હચમચી ગયા છે : જનાક્રોશ રેલીમાં રાહુલ ગાંધીનો પ્રહાર

દિલ્હીના રામલીલા મેદાન ખાતે આયોજિત કરાયેલી કોંગ્રેસની જનાક્રોશ રેલીમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર પર આકરી ચાબખાબાજી કરી છે. જનાક્રોશ રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને નિશાને લેતા જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીના ભાષણમાં જનતા સચ્ચાઈ શોધે છે. તેમણે વડાપ્રધાન મોદીને સલાહ આપતા કહ્યુ છે કે દેશને આગળ લઈ જવા માટે નફરતની નહીં, પણ પ્રેમની જરૂરત છે. રાહુલ ગાંધીએ 2019માં કોંગ્રેસની જીતની આશા પણ વ્યક્ત કરી છે. દેશમાં ભાજપના લોકો દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને દલિત-લઘુમતીઓને નિશાન બનાવવામાં આવતા હોવાનો પણ રાહુલ ગાંધીએ પોતાના સંબંધોનમાં દાવો કર્યો છે. મોદીએ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ હચમચી ગયા હોવાનું જણાવીને હાલ વડાપ્રધાનના ચહેરાનો રંગ ઉડી ગયો હોવાનો કટાક્ષ પણ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કર્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે બેથી ત્રણ દિવસ પહેલા તેઓ કર્ણાટક જઈ રહ્યા હતા અને વિમાન આઠ હજાર ફૂટ જેટલું નીચેની તરફ આવ્યું હતું. રાહુલ ગાંધીએ ક્હ્યુ કે તેમને લાગ્યું કે ચાલો ગાડી ગઈ. પરંતુ મનમાં આવ્યું કે તેમને કૈલાસ માનસરોવર જવું છે. તેમણે કહ્યુ છે કે કર્ણાટકની ચૂંટણી બાદ તેમને દશથી પંદર દિવસની રજા ગાળવી પડશે કે જેથી તેઓ કૈલાસ માનસરોવર જઈ શકે.

કોંગ્રેસમાં જુદા જુદા મત અને અભિપ્રાયોનો આદર થશે : ભાજ૫ માત્ર બે વ્યક્તિ ચલાવે છે

પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ સલમાન ખુર્શિદના કોંગ્રેસના હાથ પણ લોહીથી ખરડાયેલા હોવાના તાજેતરમાં કરાયેલા નિવેદનનો ઉલ્લેખ પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યુ છેકે કોંગ્રેસમાં વિભિન્ન મત અને અભિપ્રાયોનો આદર થશે. યુવાનો અને વડીલોનું સમ્માન થશે.. જો કોઈ આવું નહીં કરે તો તેવો કાર્યવાહી કરશે. તેમણે સલમાન ખુર્શિદના તાજેતરના નિવેદનનો ઉલ્લેખ કરીને કહ્યુ છે કે તાજેતરમાં સલમાન ખુર્શિદે અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેઓ ખુર્શિદની અલગ વાતનો આદર કરે છે. તેની સાથે જ રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ હતુ કે આવું ભાજપમાં શક્ય થઈ શકે નહીં. ભાજપમાં માત્ર એક વ્યક્તિનો આદર થશે. ભાજપને માત્ર બે લોકો ચલાવી રહ્યા છે. અડવાણી, મુરલી મનોહર જોશી. સહીતના નેતાઓનું સમ્માન નથી. રાહુલ ગાંધીએ વિભિન્ન અભિપ્રાયો છતાં કોંગ્રેસને આરએસએસની વિચારધારા સામે લડવા માટે એકજૂટ રહેવાની હાકલ કરીને કેટલાક નેતાઓ દ્વારા પાર્ટીને નુકસાન કરવાની નિવેદનબાજી સંદર્ભે એક ગર્ભિત ચેતવણી પણ આપી છે.

હિન્દુસ્તાન આસ્થાનું વટવૃક્ષ છે જે સત્યની જમીન ઉ૫ર ઉભુ થયુ છે

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યુ છે કે આ રેલીનું નામ જનાક્રોશ રેલી છે. તેઓ જ્યાં પણ જાય છે.. લોકોની સાથે વાત કરે છે.. ચાહે તે ખેડૂતો હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ.. તેમને સવાલ કરે છે કે શું તેઓ ખુશ છે.. તો જવાબ મળે છે કે તેમની અંદર ગુસ્સો છે. સરકારની વિરુદ્ધ ગુસ્સો છે. હિંદુસ્તાન આસ્થાનું વટવૃક્ષ છે અને આસ્થાનું વટવૃક્ષ સત્યની જમીન પર ઉભું થાય છે.

લોકોને મોદીના ભાષણમાં સત્ય શોધવુ ૫ડે છે !

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ પર નિશાન સાધતા કહ્યુ છે કે આપણા વડાપ્રધાન જ્યાં પણ જાય છે. ત્યાં એક વાયદો કરતા આવે છે. ભ્રષ્ટાચારની વાત હોય, ખેડૂતોની વાત હોય, પરંતુ તેઓ સાચું બોલશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ છે કે પાણે બધાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચમાં હાથ જોડીએ છીએ. તો તેનો અર્થ છે કે આપણે સત્યની સામે હાથ જોડીએ છીએ. હિંદુસ્તાનના લોકો સત્યની સામે માથું નમાવે છે. રાહુલ ગાંધીએ કહ્યુ છેકે દેશના લોકો વડાપ્રધાન મોદીના ભાષણને સાંભળે છે અને તેમાથી સચ્ચાઈ શોધવાની કોશિશ કરે છે.

નીરવ મોદી સંદર્ભે વડાપ્રધાન શા માટે ચૂ૫ છે ?

ભ્રષ્ટાચારના મામલે વડાપ્રધાન મોદી દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલી વાતોને ટાંકીને રાહુલ ગાંધીએ ઘણાં સૂચક કટાક્ષો પણ કર્યા છે. યેદિયરુપ્પાના ભૂતકાળના ભ્રષ્ટાચારના આરોપો પર ઈશારો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ છેકે જેલનું પાણી, જેલનું ભોજન ખાનારા યેદિયુરપ્પાની સાથે વડાપ્રધાન મોદી ઉભા છે. પિયૂષ ગોયલ પોતાની કંપનીને જાહેર કરતા નથી. પરંતુ વડાપ્રધાન મોદી એકપણ શબ્દ બોલતા નથી. નીરવ મોદી ત્રણ હજાર કરોડ રૂપિયા લઈને ભાગી જાય છે. મોદી કંઈ જ બોલતા નથી. કાળાધન વિરુદ્ધની લડાઈના નામ પર જનતાને કતારોમાં ઉભા રાખવામાં આવે છે. કેટલાક સમય બાદ જાણ થાય છે કે હિંદુસ્તાનના લોકોના નાણાં સીધા નીરવ મોદીના ખાતામાં વિદેશ ચાલ્યા જાય છે. શું વડાપ્રધાન મોદી નીરવ મોદી સંદર્ભે એકપણ શબ્દ પણ બોલે છે ?

રફાલ ડીલ મામલે ભ્રષ્ટાચારના ચોકીદાર કેમ ચૂ૫ છે ?

રફાલ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે વડાપ્રધાન મોદી ફ્રાંસ જાય છે અને કોન્ટ્રાક્ટ બદલી નાખે છે. કોઈને જણાવ્યા વગર આમ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના ચોકીદારના મોંઢામાં એકપણ શબ્દ નીકળતો નથી.

ન્યાયધિશોને ૫ણ પ્રજા સામે આવીને ન્યાય માગવો ૫ડે છે !

રાહુલ ગાંધીએ ન્યાયતંત્રની પરિસ્થિતિ પર વાત કરતા કહ્યુ છે કે દેશના ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ જનતાની સમક્ષ આવીને ન્યાયની ગુહાર લગાવી છે. પરંતુ તેના પર પણ વડાપ્રધાન મોદી એકપણ શબ્દ બોલતા નથી. વડાપ્રધાન મોદીએ દર વર્ષે બે કરોડ રોજગાર આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ચાર વર્ષ થઈ ગયા.. રોજગાર હજી સુધી ઉપલબ્ધ કરાવી શક્યા નથી.

હિન્દુસ્તાનની સંસ્થાઓને બરબાદ કરવાનું કામ થઇ રહ્યુ છે

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આઈઆઈટી, આઈઆઈએમ જેવી દરેક સંસ્થામાં આરએસએસના લોકો ભરેલા છે. હિંદુસ્તાનની તમામ સંસ્થાઓને બરબાદ કરવાનું કામ થઈ રહ્યું છે અને મોદી બોલી રહ્યા નથી. દરેક પ્રધાન પાસે આરએસએસનો ઓએસડી છે.

ભારતના વ્યાપાર અને કારોબારને મોટુ નૂકશાન

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર દેશની ઈકોનોમીને ખરાબ કરવાનો આરોપ લગાવીને કહ્યુ છે કે નોટબંધી અને જીએસટી એટલે ગબ્બરસિંહ ટેક્સે અસંગઠિત ક્ષેત્રની કમર તોડી નાખી છે. આનાથી ભારતના વ્યાપાર-કારોબારને મોટું નુકસાન થયું છે. યુવાનો આવા સમયે નરેન્દ્ર મોદી તરફ જોવે છે અને પછી કહે છે કે આ બધું ખોખલું છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે યુવાનોને લાગે છે કે વડાપ્રધાન મોદી ખોટું બોલે છે. હાલ આઠ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી હોવાનો રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં દાવો કર્યો છે.

ઉદ્યોગ૫તિના દેવા માફ થાય છે, ખેડૂતોનું કરજ નહીં

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે મોદી મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકે છે.. પરંતુ ખેડૂતો પરનું કર્જ માફ કરી શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ છે કે કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી કહે છે કે ખેડૂતોના દેવા માફી કરવાનું કામ તેમનું નથી.

દૂષ્કર્મ અને દલિતો ઉ૫ર અત્યાચાર મામલે PM બોલવા તૈયાર નથી

રાહુલ ગાંધીએ કોંગ્રેસ વગર ભારતનો વિકાસ નહીં થઈ શકે તેમ જણાવીને કહ્યુ છે કે દેશના તમામ વિસ્તારોમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે. રોહિત વેમુલાને મારી દેવામાં આવે છે. ઉનામાં દલિતો સાથે અત્યાચાર થાય છે. પરંતુ વડાપ્રધાન મોદી એકપણ વાર બોલતા નથી. તાજેતરમાં બાળકીઓ સાથે બનેલા બળાત્કારની ઘટનાઓ મામલે પણ રાહુલ ગાંધીએ મોદી સરકારને નિશાને લીધી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ છે. કઠુઆમાં બાળકી સાથે બળાત્કાર થાય છે અને વડાપ્રધાન મોદી ચુપ રહે છે.

ડોકલામમાં ચીનની સેના હેલીપેડ બનાવી રહી છે

વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની અનૌપચારીક મુલાકાત પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે ડોકલામમાં ચીનની સેના હેલીપેડ બનાવી રહી છે અને ચીનમાં ચર્ચા કરતી વખતે વડાપ્રધાન મોદી ડોકલામ પર એક શબ્દ બોલતા નથી.

RSS અને ભાજ૫ના લોકો નફરત ફેલાવી રહ્યા છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે 70 વર્ષમાં કોઈએ કર્યું હોય નહીં તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. તેના કારણે હિંદુસ્તાનની જનતાની અંદર ગુસ્સો છે. દરેક સ્થાન પર ભાજપ અને આરએસએસના લોકો નફરત ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે દેશને આગળ લઈ જવા માટે નફરત નહીં. પણ પ્રેમની જરૂરત છે.

કોંગ્રેસ કાર્યકરોના લોહી-૫રસેવાથી બનેલી પાર્ટી છે

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની શક્તિ દેખાડશે. 2019માં કોંગ્રેસની જીતનો આશાવાદ દર્શાવતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે કોંગ્રેસ રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ તમામ સ્થાનો પર ચૂંટણી જીતશે. રાહુલ ગાંધીએ કોંગ્રેસને સૌના લોહી-પસીનાથી બનેલી પાર્ટી ગણાવી છે.

લોકોને મોદી સરકારમાં બોલવાની આઝાદી નથી – સોનિયા ગાંધી

જનાક્રોશ રેલીમાં યુપીએના અધ્યક્ષ અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મોદી સરકાર પર વાયદાખિલાફી કરીને જનતાનો વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે મોદી સરકારે ચાર વર્ષમાં કંઈ જ કર્યું નથી. મોદી સરકારના વાયદા ખોટા છે. મોદીએ સત્તા માટે જૂઠ્ઠાણાં ચલાવ્યા છે. સોનિયા ગાંધીએ ક્હ્યું છે કે લોકોને મોદી સરકારના કાર્યકાળમાં બોલાવની આઝાદી નથી. મીડિયાને પણ રોકવામાં આવે છે. હાલ સતર્ક રહેવાની જરૂર છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહુલ ગાંધી સાથે મળીને અવાજ બુલંદ કરવાની હાકલ પણ કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું છેકે જનતા કોંગ્રેસને સાથ આપવા તૈયાર છે અને કોંગ્રેસ હંમેશાની જેમ સંઘર્ષ કરવા માટે તૈયાર છે.

સૌથી વધુ 65 ટકા વસતી ધરાવતા ખેડૂતો દેવાના ડૂંગરમાં દબાયેલા છે – ડો.મનમોહનસિંહ

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ મોદી સરકારને નિશાને લેતા કહ્યુ છે કે દેશમાં ખેડૂતોની વસ્તી 65 ટકા છે અને ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે. ચારે તરફથી ખેડૂતોની કર્જમાફીની માગણી ઉઠી રહી છે. મોદી સરકારથી લોકશાહીને ખતરો હોવાનું જણાવીને મનમોહનસિંહે કહ્યુ છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશની પરિસ્થિતિ બદલવામાં તેમનો સાથ આપવામાં આવે.. મનમોહનસિંહે કહ્યુ ચે કે મોદી સરકારે ખેડૂતો સાથે વાયદાખિલાફી કરી છે. સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવા દેવાયો નથી. તેમણે કહ્યુ છેકે વૈશ્વિક સ્તરે જ્યારે ખનીજતેલની કિંમતો ઓછી થઈ રહી છે.. ત્યારે મોદી સરકારને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે. મોદી સરકારમાં મોંઘવારી વધી છે અને જનતા, ખેડૂતો સંપૂર્ણપણે બેહાલ છે.

Related posts

રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલા પ્રથમ રાઉન્ડમાં પાછળ, ભાજપને ઝટકો

Karan

મોતનું તાંડવ : એક કન્ટેનરમાંથી 39 મૃતદેહ મળતા ચકચાર, ઈતિહાસે ખૂદને દોહરાવ્યો

Mayur

મોદી સરકારની ખેડૂતોને દિવાળી પહેલા મોટી ભેટ, ટેકાના નવા ભાવ જાણી થઈ જશો ખુશખુશાલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!