દિલ્હીની સવાર શિમલાથી પણ ઠંડીગાર બે વર્ષ બાદ પડી આટલી કાતિલ ઠંડી

રાજધાની નવી દિલ્હીમાં ગત બે દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. જેના કારણે દિલ્હીની સવાર સિમલાથી પણ વધારે ઠંડીગાર રહી હતી. ગુરુવારે દિલ્હીનું તાપમાન પાંચ ડિગ્રી રહ્યું અને આગામી સપ્તાહમાં દિલ્હીનું તાપમાન ચાર ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ક્હ્યું છે કે આગામી બે દિવસો સુધી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા છે. જ્યારે દિલ્હીનું મહત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

બુધવારે સવારે દિલ્હીનું તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સિમલાનું તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ગત સપ્તાહે સિમલામાં બરફવર્ષા પણ થઈ હતી. પરંતુ તેમ છતાં અહીં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી નોંધાયું હતું. જણાવવામાં આવે છે કે બે વર્ષ બાદ દિલ્હી ડિસેમ્બરમાં આટલી કાતિલ શીતલહેરનો સામનો કરી રહ્યું છે.

ગુરુવારે અને શુક્રવારે ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ. આના પહેલા 2015માં એક દિવસ, 2014માં ત્રણ દિવસ, 2011માં ચાર દિવસ આવી શીતલહેર જોવા મળી હતી. જો કે દિવસે તડકો નીકળતા બપોરે લોકોને થોડાક કલાકો માટે ઠંડીમાં રાહત જરૂરથી મળતી રહી છે. દિલ્હીમાં સવારે આઠ વાગ્યા સુધી આઠ ડિગ્રી સેલ્સિયસ અને સાંજે સાત વાગ્યા સુધીમાં તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચે છે. તડકો નીકળવાને કારણે મહત્તમ તાપમાન 22.4 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે.

હવામાન વિભાગ પ્રમાણે. દિલ્હી-એનસીઆરમાં ઠંડી વધવાની સાથે લોકોને ધુમ્મસનો પણ સામનો કરવો પડે તેવી શક્યતા છે. કેટલાક સ્થાનો પર હળવાથી ગાઢ ધુમ્મસ દેખાવાની શક્યતા છે. સવારે ગાઢ ધુમ્મસની શક્યતા છે. સ્કાઈમેટનું કહેવું છે કે દિલ્હી-એનસીઆરમાં ઠંડી વધવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. કારણ કે તેના કારણે ઉત્તર ભારત તરફ ફૂંકનારા પવન સુકા અને ઠંડા થઈ જાય છે. તેના કારણે તાપમાન ઝડપથી ઓછું થાય છે. દિલ્હી જ નહીં, પરંતુ પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ ઘણો વધારે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter