દિલ્હીની ભીષણ આગ વચ્ચે રાજેશ શુક્લાનું નામ ચર્ચાય રહ્યું છે. દિલ્હીના રાજેશ શુક્લા અસલ શબ્દોમાં ફાયરમેન તરીકે ઉભર્યા છે. જેમની તમામ જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. દિલ્હીની આગમાં જ્યાં 43 લોકો મોતને ભેટ્યા ત્યાં રાજેશે 11 લોકોનો જીવ બચાવ્યો છે. શુક્લા ભીષણ આગની વચ્ચે પોતાના જીવની પરવા કર્યા વગર પ્રવેશ્યા અને ત્યાંથી 11 લોકોને સુરક્ષિત બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો. જો કે બચાવની કામગીરી કરવામાં તેઓ પોતે પણ ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જે પછી દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને રાજેશ શુક્લાની મુલાકાત લઈ ટ્વીટર પર આ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી.

સત્યેન્દ્ર જૈને ટ્વીટ કરી માહિતી આપતા કહ્યું હતું કે, ‘‘ફાયરમેન રાજેશ શુક્લા વાસ્તવિક હિરો છે. ફાયર સ્પોટમાં પ્રવેશ કરનારા તેઓ પ્રથમ ફાયરમેન હતા અને તેમણે એક બાદ એક એમ 11 લોકોનો જીવ બચાવ્યો. પોતાના હાકડામાં થયેલી ઈજા છતાં તેમણે અંત સુધી કર્યું પોતાનું કામ. આ વીરને સલામ’’
અનાજ મંડીમાં લાગી હતી ભીષણ આગ
રાજધાની દિલ્હીના ઝાંસીની રાણી રોડ પર સ્થિત અનાજ મંડીમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. અને જોતજોતામાં આ આગ મોતની આગ બની ગઈ છે. આગને કારણે શરૂઆતમાં 10 જે બાદ 34 અને હવે મોતનો આંકડો 43એ પહોંચ્યો છે. દિલ્હી પોલીસ અને હોસ્પિટલ દ્વારા 43 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. આગને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાં 15 લોકોની સ્થિતિ હજુ ગંભીર ગણાવવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. હાલ તો ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. વિસ્તારમાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.


કુલ 49 લોકો સારવાર હેઠળ
આગના કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોને એલએનજેપી, આરએમએલ, હિંદુ રાવ અને સફદરજંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં એલએનજેપી હોસ્પિટલમાં જ કુલ 49 લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલ વિસ્તારમાં લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

મંડીની ઈમારતમાં લાગી હતી આગ
મળતી માહિત મુજબ અનાજ મંડીના એક ઈમારતમાં આગ લાગી હતી, આગ એટલી ભયાનક હતી કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓની મદદ લેવામાં આવી હતી. આ ઘટના વ્હેલી સવારે 5 વાગ્યાની આસપાસની છે. મંડીમાં ત્રણ માળની એક બેકરી છે, જેના ઉપરના માળે આગ લાગી હતી. જે બાદ આગે આખી ઈમારતને પોતાની ઝપેટમાં લીધી હતી. આગને કારણે મંડીમાં ચારેબાજુ ધૂમાડો ધૂમાડો થઈ ગયો છે.

ગેરકાયદેસર રીતે ધમધમે છે ફેક્ટરીઓ
દિલ્હીની જે અનાજ મંડી વિસ્તારમાં રવિવારની સવાર ભીષણ બની રહી તે ઘણો જ ભીડભાડવાળો અને સાંકડો વિસ્તાર છે. જે ફેક્ટરીમાં આગ લાગી છે તે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અનેક ફેક્ટરીઓ ધમધમે છે. આ સમગ્ર વિસ્તાર અનેક નાના અને ગેરકાયદેસર યુનિટથી ભરેલો છે. આ યુનિટને ન તો એનઓસી મળ્યાં છે કે નથી આગ પર કાબૂ મેળવવા માટેના કોઈ સાધનો. સાથે આ વિસ્તારમાં ચારે બાજુ વીજળીના તાર લટકેલા જોવા મળે છે. તો જે ફેક્ટરીમાં આગ લાગી તે 600 ગજમાં ફેલાયેલી છે. જ્યાં સ્કૂલ બેગ પેકેજિંગનું કામ થતું હતું. પહેલાં એક ઈમારતમાં આગ લાગી અને જોતજોતામાં આગ આજુબાજુના બે ઈમારતોમાં પણ ફેલાઈ હતી.

કેજરીવાલ પર ફોડાયું ઠિકરૂ
દિલ્હીમાં લાગેલી આગને લઈને હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપના સાંસદ વિજય ગોયલે દિલ્હીની આગનું ઠીકરું કેજરીવાલ પર ફોડવાનો પ્રયાસ કર્યો છે. વિજય ગોયલે કહ્યું કે દિલ્હીમાં ઘટનાઓ હવે સામાન્ય વાત થઈ ગઈ છે. દિલ્હીના મંત્રીનું આ ક્ષેત્ર છે, ત્યારે તેની જવાબદારી દિલ્હી સરકાર લેવી જોઈએ. તો ભાજપના નેતા વિજયેન્દ્ર ગુપ્તાએ દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે.

પ્રધાનમંત્રીએ 2-2 લાખની કરી સહાય
વડાપ્રધાન મોદીએ પણ પીએમ રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલાં લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ ઘટના સંદર્ભે દિલ્હી પોલીસના પીઆરો એમએસ રંધાવાએ કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટીએ આ ઘટના શોર્ટ સર્કિટને કારણે થઈ હોય તેવું લાગી રહ્યું છે. ઘટના સ્થળે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક હોવાને કારણે ધુમાડો વધુ થયો હતો. કેસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો છે. ફેકટરી માલિક રેહાન વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.

કેજરીવાલે કરી 10-10 લાખની સહાય
દિલ્હીમાં ઘટેલી ગમખ્વાર ઘટનાની મુલાકાતે સીએમ અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મૃતકના પરિવારને આર્થિક સહાયની જાહેરાત કરી છે. દિલ્હી સરકારે મૃતકના પરિવારને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ આગમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને એક-એક લાખ રૂપિયાની આર્થિક સહાય તેમજ તેઓની સારવાર નિઃશુલ્ક થશે તેવી પણ જાહેરાત કરી છે. સીએમ કેજરીવાલે આગની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ થશે તેવી પણ ખાતરી આપી છે. આ પહેલાં કેજરીવાલ સરકારના મંત્રી ઈમરાન હુસૈને પણ તપાસના આદેશ આપતાં, જે લોકો દોષિત જાહેર થશે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…