દિલ્હીમાં ખેડૂતોનું હલ્લાબોલ, સરકારે કરી આ તૈયારીઓ, ખેડૂતો પણ તૈયાર

દેશભરના હજારો ખૂડેતો દિલ્હીના અલગ અલગ સરહદી વિસ્તારોમાંથી પગપાળા થઇને દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા છે. જ્યાંથી તેઓ સંસદનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે. ખેડૂતોની સંસદ કૂચને જોતા સંસદ પરિસરની આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂતોના આ મહામાર્ચના કારણે દિલ્હીમાં કેટલાક સ્થળોએ ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઇ હતી.

ખેડૂતોના આંદોલનના પગલે 35 હજારથી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતા ખેડૂતો સંસદને ઘેરવા મક્કમ છે. જેને જોતા ખેડૂતો અને સુરક્ષા કર્મીઓ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે. પોલીસના વરિષ્ઠ અધિકારના જણાવ્યા પ્રમાણે મધ્ય અને નવી દિલ્હીમાં વધારે પોલીસ જવાનને તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂત માર્ચના આયોજકો પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે તેઓ કોઇ પણ ભોગે સંસદ સુધી માર્ચ કરીને રહેશે.

ખેડૂતો બે વિશેષ માંગણીઓ સાથે રામલીલા મેદાનમાં એકત્ર થયા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવીને પાકના યોગ્ય ભાવની ગેરેન્ટી તેમજ દેશભરના ખેડૂતોનું દેવુ એકસાથે માફ કરવા માટે કાયદો બનાવે.

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિની રેલીમાં સામેલ થનારા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે દેશના જુદા જુદા ભાગોમાંથી 201થી વધુ સંગઠનો એક સાથે આવ્યા છે અને તેમણે ખેડૂતોની માગણી પૂર્ણ કરવા માટે અવાજ બુલંદ કર્યો છે. આ આંદોલનમાં ખેડૂતો ઉપરાંત ડોક્ટર, વકીલ, પૂર્વ સૈનિક, વિદ્યાર્થીઓ સહિત સમાજના તમામ વર્ગોના લોકો સામેલ છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter