ઉરી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓને નિશાન બનાવીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનું એક વર્ષ પૂર્ણ થયું છે. સર્જિકલ સ્ટ્રાઈકના એક વર્ષ પૂર્ણ થવા પર ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ ઉરી ખાતેની ભારતીય સેનાની સૈન્ય છાવણી ખાતે પણ જવાના છે. નિર્મલા સીતારમણની સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત પણ ઉરી કેમ્પ ખાતે જશે. તેઓ સિયાચિનની મુલાકાતે પણ જવાના છે.
પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ રહેલી ભારતીય રાજ્ય જમ્મુ-કાશ્મીરની જમીન પરથી ચાલતા આતંકવાદી કેમ્પો વિરુદ્ધ ભારતીય સેના દ્વારા કરવામા આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈકના એક વર્ષ પૂર્ણ થવા પર સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત કાશ્મીરની મુલાકાતે છે. સંરક્ષણ પ્રધાન કાશ્મીર મુલાકાત દરમિયાન ઉરી કેમ્પ પણ જઈ રહ્યા છે. 19 સપ્ટેમ્બર- 2016ના રોજ ઉરી કેમ્પ પર પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને 19 ભારતીય સૈનિકો તેમા શહીદ થયા હતા.
વળતી કાર્યવાહીમાં ઉરી કેમ્પ પર હુમલો કરનારા આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ પાસેથી જપ્ત થયેલા જીપીએસ સેટ્સ અને જીવતા ઝડપાયેલા બે ગાઈડ્સની પૂછપરછથી ખુલાસો થઈ ચુક્યો હતો કે આ એક આતંકવાદી હુમલો હતો. આ આતંકીઓનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ સાથે હતો અને તેઓ પાકિસ્તાનના માર્ગે ઉરી કેમ્પ સુધી પહોંચ્યા હતા.
ઉરી એટેક બાદ ભારતીય સેના દ્વારા 2016માં 28 સપ્ટેમ્બર-29 સપ્ટેમ્બરની રાત્રે પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતીય સેનાના કમાન્ડોએ પચાસ જેટલા આતંકવાદીઓને અલગ-અલગ આતંકી શિબિરોમાં જઈને ઠાર કર્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકી કેમ્પો પર હુમલા બાદ તેનું એલાન પણ કર્યું હતું.
મહત્વપૂર્ણ છે કે ગત રવિવારે પણ ઉરીમાં વધુ એક આતંકી હુમલાની કોશિશ થઈ હતી. આ કોશિશને ભારતીય સેનાએ નાકામિયાબ બનાવી હતી. સુરક્ષાદળોના ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા હતા.
ભારતીય સેનાના ડીજીએમઓ દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકના એલાનની ઘટના પણ પહેલીવાર બની હતી. જો કે ગાલ પર થપાટ પડવા છતાં પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઈકની ભારતીય સેનાની કાર્યવાહીને સ્વીકારવા માટે તૈયાર નથી. ભારતમાં પણ અમુક તત્વો દ્વારા ભારતીય સેનાના ડીજીએમઓના એલાન પર આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને આખો મામલો રાજકીય બની ગયો હતો. પરંતુ ભારતીયોને ભારતીય સેનાની બહાદૂરી પર લેશમાત્ર પણ શંકા નથી એ પણ એટલી જ નક્કર હકીકત છે.