GSTV
India News ટોપ સ્ટોરી

વિકાસ માત્ર બણગાં/ ભારત પર અધધધ 167800000000000નું દેવું, મોદી સરકારે વાતો કરી આ પડોશી દેશે કરી બતાવ્યો

દેવું

દરેક વ્યક્તિ જેમ પોતાની આવશ્યકતા પ્રમાણે લોન લેતી હોય છે એમ દેશ પણ લોન લેતો હોય છે. લોન લીધા બાદ ઘણા એવી ફરિયાદ કરતા હોય છે કે આવક તો સારી છે, પણ પૈસા દેખાતા જ નથી. બધું વ્યાજમાં જ જાય છે અથવા બધું હપ્તામાં જ જાય છે. આવી ફરિયાદ આપણે સાંભળીએ છીએને.

કદાચ આપણે પોતેય કરતા હોઈએ એવું બને. એવું થવાનું કારણ છે, કેપેસિટી કરતા વધારે લેવાઈ ગયેલી લોન. આવક ૫૦,૦૦૦ રૂપિયાની હોય અને ૨૫,૦૦૦નો હપ્તો હોય ત્યાં સુધી વાંધો નથી, પણ માની લો કે પગારમાં કાપ આવે અથવા ધંધો મંદો થઈ જાય અને આવક રૂા.૫૦,૦૦૦માંથી ૨૫,૦૦૦ રૂપિયા થઈ જાય તો બધા પૈસા હપ્તામાં જ જાય. ખાવાના ગોતવા નીકળવા પડે. મતલબ ફરીથી લોન લેવી પડે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના આંકડા પ્રમાણે હાલ ભારત પર ૨.૨૭ ટ્રિલિયન ડોલરનું દેવું છે. તેને રૂપિયામાં રૂપાંતરિત કરીએ તો કંઈક આવો આંકડો મળે છેઃ અધધધ….ધધધધ ૧૬,૭૮,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦. અંકે રૂપિયા ૧૬૭.૮૦ લાખ કરોડ પૂરા. બીએસઈની ટોટલ માર્કેટ કેપિટલ કરતા ૦.૮૦ ટ્રિલિયન ડોલર ઓછા.

ભારત પર ૨.૨૭ ટ્રિલિયન ડોલરનું દેવું

બીએસઈમાં રોકવામાં આવેલા કુલ પૈસામાંથી ભારત સરકારનું બધું દેવું ચૂકતે કરી દેવામાં આવે તો ૦.૮૦ ટ્રિલયન ડોલર એટલે કે ૮૦,૦૦૦ કરોડ ડોલર વધે. આ કેવળ સમજવા માટે જ છે. આવું પોસિબલ નથી. કારણ કે બીએસઈનો પૈસો પ્રાઇવેટ પૈસો છે. સરકારે તેનું દેણું તેની પોતાની આવકમાંથી ભરવાનું હોય. આ તો જસ્ટ સમજવા માટે. ભારતની કુલ વસ્તી અત્યારે ૧૩૬.૬૪ કરોડ છે. એ પ્રમાણે વિભાજન કરીએ તો પ્રત્યેક ભારતીય પર રૂા.૧,૨૨,૮૦૪નું દેવું છે. આ તો સરકારી દેવું. તેમનું પોતાનું જે હોય તે અલગ. મુસ્કુરાએ તો મુસ્કુરાને કે કર્ઝ ઉતારને હોંગે. હસવાના કર્ઝની ગુલઝારી વાત છોડી દઈએ તોય કર્ઝના આ આંકડા હસવું ભુલાવી દેનારા છે.

કોવિડ પહેલા ભારતનો ડેબ્ટ ટુ જીડીપી રેશિયો ૭૪ ટકા હતો. ડેબ્ટ ટુ જીડીપી રેશિયો એટલે વાર્ષિક જીડીપીની તુલનાએ દેવું. હાલ તે ૧૦ ટકા વધીને ૮૪ ટકા થઈ ગયો છે. ભારતમાં હાલ ગ્રાહક ફુગાવો ૬.૪૦ ટકા છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ૧૨.૯૪ ટકા છે. બેરોજગારી દર ડબલ ડિજિટમાં છે. આપણે વિકાસ દર ડબલ ડિજિટમાં જોઈતો હતો. તે માઇનસમાં જતો રહ્યો અને બેરોજગારી દર ડબલ ડિજિટમાં જતો રહ્યો છે. કડવી વાસ્તવિકતાએ જે રીતે આમ આદમીનું દિલ તોડયું છે એ રીતે તો આશિક કે માશૂકા પણ નથી તોડતાં.

ભારતમાં બેરોજગારી દર ૧૧.૨૨ ટકા

સેન્ટર ફોર મોનિટરિંગ ઇંડિયન ઇકોનોમી પાસેથી મળતી માહિતી પ્રમાણે ૧૭ જૂન ૨૦૨૧ના રોજ ભારતમાં બેરોજગારી દર ૧૧.૨૨ ટકા છે. શહેરી બેરોજગારી ૧૩.૮૯ ટકા છે અને ગ્રામ્ય ૧૦ ટકા છે. જ્યાં જુઓ ત્યાં પોલિટિક્સની જ વાત ચાલે છે. કોરોના પછી આપણે સૌથી વધુ જો કોઈ ચીજથી ત્રસ્ત હોઈએ તો તે આર્થિક સમસ્યા છે. ભારતના બગડતા આર્થિક ચિત્ર વિશે કેમ કોઈ વાત નથી કરતું?

એશિયામાં આજે બાંગ્લાદેશ શક્તિશાળી ઈકોનોમી તરીકે ઊભરી રહ્યું છે. માર્ચ ૧૯૭૧માં જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાનથી નોખો થયો ત્યારે પાકિસ્તાન તેના કરતા ૭૦ ગણું વધારે સદ્ધર હતું. મતલબ પાકિસ્તાનના શાસકોએ પૂર્વ પાકિસ્તાન (૧૯૭૧ પહેલાના બાંગ્લાદેશ)ના વિકાસમાં ધ્યાન જ નહોતું આપ્યું. તેની સાથે ચોખ્ખો પક્ષપાત કરેલો. આજે પણ તે જો પાકિસ્તાનનો જ ભાગ હોત તો તેની હાલ અતિશય દયનીય હોત. તેનું ભાગ્ય જોર કરતું હશે તે આજે તે પાકિસ્તાન કરતા ૪૫ ગણું વધારે સદ્ધર છે. પાકિસ્તાનના એક ખેલદિલ અર્થશાસ્ત્રીએ તો એવો વ્યંગ પણ કર્યો કે ૨૦૩૦માં પાકિસ્તાન બાંગ્લાદેશની સહાય પર જીવતું હશે.

બાંગ્લાદેશનો આર્થિક વિકાસ દર ૯ ટકા

ગયા વર્ષે બાંગ્લાદેશનો આર્થિક વિકાસ દર ૯ ટકા રહ્યો. તેનું ઇકોનોમિક મોડેલ નિકાસ, સામાજિક પ્રગતિ અને રાજકોષીય ચોકસાઈ આ ત્રણ પિલ્લર પર ઊભું છે. ૨૦૧૧થી ૨૦૧૯ દરમિયાન દર વર્ષે તેની નિકાસમાં ૮.૬ ટકાનો વધારો થયો છે. નિકાસમાં તેનું મુખ્ય ફોકસ વસ્ત્રો છે. જેમાં તે ટક્કર આપી શકે છે. તેનો ડેબ્ટ ટુ જીડીપી રેશિયો ૩૦થી ૪૦ ટકા વચ્ચે રમતો રહે છે. ચીનનો ૪૭ ટકા છે અને ભારતનો ૮૪ ટકા.

પાકિસ્તાનની માથા દીઠ વાર્ષિક આવક ૧,૫૪૩ ડોલર છે. ભારતની માથા દીઠ વાર્ષિક આવક ૧૯૪૭ ડોલર છે. બાંગ્લાદેશની માથા દીઠ વાર્ષિક આવક ૨૨૨૭ ડોલર છે. રૂપિયામાં ૧,૬૨,૫૭૧. બાંગ્લાદેશે જે આર્થિક ચમત્કાર કર્યો છે તેની ચર્ચા પણ નથી થતી. જો કોઈ ચર્ચા છેડી દે તો તેને એમ કહેવામાં આવે છે કે ગો ટુ બાંગ્લાદેશ.

જે સમાજો પોતાની ભૂલ નથી સ્વીકારી શકતા, પોતાનામાં શું ખૂટે છે, ક્યાં સુધારની જરૂર છે તેની મોકળા મને ચર્ચા નથી કરી શકતા અને મિથ્યાભિમાન તથા ઘમંડમાં જીવે છે તે સમાજો જ કાળ ક્રમે અંધકારમાં ધકેલાઈ જતા હોય છે. બ્રાઝિલે એક સમયે હોપ ઊભી કરી હતી, બાદમાં તેની ઇકોનોમી બેસી ગઈ. ભારતીય અર્થતંત્ર પર પણ બહુ આશા છે, તેય હાંફવા લાગ્યું છે. તેને ફરીથી ચીત્તાની જેમ દોડતું કરવા અર્થશાસ્ત્રીઓ સૂચવે તેવા આકરા નિર્ણયો લેવા જોઈએ. ને અંતે તો બધી ભેજામારી પૈસા માટે જ છેને ભાઈ. તો દેશનો મુખ્ય ડિસ્કોર્સ ઇકોનોમિક ડેવલોપમેન્ટ હોવો જોઈએ. બીજો કોઈ જ મુદ્દો નહીં.

ડેબ્ટ ટુ જીડીપી જ્યારે ૧૦૦ ટકાથી ઉપર જાય ત્યારે ચિંતા. અત્યારે ભારતને ચિંતા નથી. ઘણાને ડાયાબિટીઝ કે બીપી બોર્ડર લાઇન પર હોય અને પરેજી પાડે તો સારું થઈ જાય એવું છે અત્યારે. સાથોસાથ વિશ્વના કેટલાક મહત્ત્વપૂર્ણ દેશોની સ્થિતિ શું છે તેના પર પણ ચર્ચા કરવા જેવી છે. આપણને કંઈ ન હોય અને બીજા દેશોની, ખાસ કરીને આર્થિક શક્તિશાળી દેશોની હાલત ખરાબ હોય ત્યારે તેની પરોક્ષ અસર આપણા પર પડતી હોય છે. કારણ કે તેઓ આપણા ગ્રાહક હોય છે અને તેમની સ્થિતિ બગડતા તેઓ આપણી પાસેથી ઓછો માલ ખરીદે એટલે આપણા પર પણ તેની માઠી અસર પડે.

જાપાનનું ટોટલ દેવું અત્યારે ૧૦.૯૪ ટ્રિલિયન ડોલર

જાપાનનું ટોટલ દેવું અત્યારે ૧૦.૯૪ ટ્રિલિયન ડોલર છે. ડેબ્ટ ટુ જીડીપી રેશિયો ૨૧૭ ટકા છે. ત્યાં ફુગાવો માઇનસ ૦.૫ ટકા છે. આ સ્થિતિ પણ સારી નથી. તંદુરસ્ત અર્થતંત્ર માટે ફુગાવો બે ટકા હોવો જરૂરી છે. ત્યાં બેરોજગારી ૨.૮ ટકા છે. જાપાન વિકાસ પછીની સમસ્યાઓ ભોગવે છે. તે પૂરેપૂરું વિકસી ગયું છે. હવે ત્યાં વિકાસ સંભવ નથી. અમેરિકાનું ટોટલ દેવું ૨૮.૧૬ ટ્રિલિયન ડોલર છે. તેનો ડેબ્ટ ટુ જીડીપી રેશિયો ૧૩૪.૫૦ ટકા છે. ફુગાવો ૪.૨૦ ટકા છે અને બેરોજગારી દર ૬.૧ ટકા છે. આ એપ્રિલનો ડેટા છે. મેમાં તે સૂધરીને ૫.૮ ટકા થયો છે.

ફ્રાંસનું ટોટલ દેવુ ૩ ટ્રિલિયન ડોલર છે. ડેબ્ટ ટુ જીડીપી રેશિયો ૧૧૭ ટકા છે. મોંઘવારી ૧.૨૦ ટકા છે અને બેરોજગારી ૭.૯ ટકા. ફ્રાંસવા ઓલાંદના રાજમાં ત્યાં બેરોજગારી ડબલ ડિજિટમાં પહોંચી જતા જબરદસ્ત આંદોલન થયા હતા. દક્ષિણ કોરિયાનું દેવુ ૧.૭૭ ટકા છે. તેનો ડેબ્ટ ટુ જીડીપી રેશિયો ૧૧૭ ટકા છે. ફુગાવો ૨.૩૦ ટકા છે. બેરોજગારી દર ૩.૫ ટકા છે.

બ્રાઝિલનું દેવુ ૧.૪૨ ટ્રિલિયન ડોલર છે. ડેબ્ટ ટુ જીડીપી રેશિયો ૯૯ ટકા છે. મોંઘવારી ૬.૮૦ ટકા છે.બેરોજગારી દર ૧૪.૭ ટકા છે. જૈર બોલ્સોનારોના કુશાસનનો લોકો સડક પર ઊતરીને વિરોધ કરી રહ્યા છે. યુકેનું દેવુ ૩.૦૨૨ ટ્રિલિયન ડોલર છે. તેનો ડેબ્ટ ટુ જીડીપી રેશિયો ૯૭.૫૦ ટકા છે. ફુગાવો ૧.૫૦ ટકા છે અને બેરોજગારી ૪.૯ ટકા.

જર્મનીનું દેવું ૨.૬૬ ટ્રિલિયન ડોલર છે. ડેબ્ટ ટુ જીડીપી રેશિયો તેનો બહુ સારો છે. ૭૦ ટકા. ફુગાવો પણ આદર્શ છે. ૨ ટકા. બેરોજગારી દર ૪.૫ ટકા છે. વિયેતનામ પર ૦.૧૩ ટ્રિલિયન ડોલરનું દેવું છે. તેનો ડેબ્ટ ટુ જીડીપી રેશિયો ૪૮.૫૦ ટકા છે. ફુગાવો ૨.૭૦ ટકા છે. ચાઇનાનું દેવું ૭.૫ ટ્રિલિયન ડોલર છે. ડેબ્ટ ટુ જીડીપી રેશિયો માત્ર ૪૭ ટકા છે. ફુગાવો કેવળ ૦.૯૦ ટકા છે અને બેરોજગારી ૫.૧ ટકા છે. ચીન દુનિયાના કેટલાક એવા દેશોમાં સ્થાન ધરાવે છે જેની જીડીપી કોવિડ કાળમાં પણ વિકસતી રહી છે. પ્લસમાં રહી છે. માથા પર દેવું ઓછું છે એ તેનો બહુ મોટો પ્લસ પોઇન્ટ છે. ખભે વજન ઓછો ઊંચક્યો હોય તે વધારે ઝડપથી દોડી શકે, તે સાદું ગણિત છે.

ભારતની જીડીપી અત્યારે ૨.૬ ટ્રિલિયન ડોલર

ભારતની જીડીપી અત્યારે ૨.૬ ટ્રિલિયન ડોલરની છે. પહેલા ૨.૮૭ ટ્રિલિયન ડોલર હતી. કોવિડને કારણે સંકોચાઈ છે. સરકાર ૨૦૨૪માં ઇંડિયાને ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા માગે છે.

કોવિડ પછી ભારતમાં આર્થિક અસમાનતા વધી છે. પૈસાદાર વધુ પૈસાદાર થયા છે અને ગરીબ વધુ ગરીબ થયા છે. મર્સીડીઝનો સેલ્સનો વાર્ષિક ટાર્ગેટ એક મહિનામાં પૂરો થઈ ગયો છે અને બીજી બાજુ કેન્દ્ર સરકારે ૮૦ કરોડ લોકોને મફત અનાજ ડિસ્ટ્રિબ્યુટ કરવાની ફરજ પડી છે. રખે ૨૦૨૪માં દેશની જીડીપી પાંચ ટ્રિલિયન ડોલર થઈ જાય તો પણ તેમાંથી અમીરોની અને અમીર ન હોય એવા વર્ગની હિસ્સેદારી જોવી પડે. ડિસ્ટ્રિબ્યુશન ઑફ ઇન્કમમાં જે અસમાનતા છે તે ઘટશે? તે તપાસવાનું રહેશે. દેશમાં જ્યાં સુધી વિશાળ મિડલ ક્લાસ નહીં હોય અને જ્યાં સુધી ગરીબોની સંખ્યા વ્યાપક હશે ત્યાં સુધી આર્થિક વિકાસના ફળનો સ્વાદ અડધી પાકેલી કેરી ખાવા જેવો હશે.

Read Also

Related posts

નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું

Hardik Hingu

મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી ભાજપ પર હાવી, રાઠોડ સામે ચિત્રાને વાંધો

Hardik Hingu

70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 54 વર્ષ પછી ઘરના આંગણામાં ખુશીઓ છલકાઈઃ 75 વર્ષે બન્યા બાપ બન્યાનો આનંદ

GSTV Web Desk
GSTV