પાકિસ્તાન કોઇ પણ સંજોગોમાં ભારતમાં આતંકીઓ ઘૂસાડવાની કોશીષ કરી રહ્યું છે. જેને પગલે સરહદે સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. જોકે આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ ઘૂસી ગયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જેને પગલે હાલ કાશ્મીરમાં મોટા પ્રમાણમાં તપાસ અભિયાન પણ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અતી સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કેટલાક પ્રતિબંધો પણ લગાવવા પડયા છે કેમ કે આ આતંકીઓ ગમે ત્યારે મોટા હુમલા કરી શકે છે સાથે સ્થાનિકો અને સૈન્યને પણ નિશાન બનાવી શકે છે.
હાલ આતંકીઓ સૈન્યના વાહન સાથે વિસ્ફોટ કરીને હુમલા કરવા લાગ્યા છે, તેથી પુલવામા જેવો બીજો કોઇ હુમલો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારી દિલબાગસિંહે જણાવ્યું હતું કે સરહદે અનેક જગ્યાએ આતંકીઓ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો.
જોકે તેમાં મોટા ભાગના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. જોકે અમને એવા પણ રિપોર્ટ મળ્યા છે કે કેટલાક આતંકીઓ સરહદની આ બાજુ એટલે કે કાશ્મીરમા આવી ગયા છે. ગુપ્તચર રિપોર્ટ અને અન્ય એજન્સીઓના અહેવાલો તેમજ સ્થાનિકોની બાતમીના આધારે આ દાવો સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જે બાદ હાલ કાશ્મીરમાં એલર્ટ કરી દેવાયું છે.
પોલીસે સાથે એમ પણ જણાવ્યું છે કે હાલ સુરક્ષા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે આતંકીઓ ઘુસ્યાની શંકા છે તેઓ માત્ર હુમલા જ નહીં કાશ્મીર આખામાં મોટા પ્રમાણમાં ૩૭૦ નાબૂદીને લઇને હિંસા ફેલાવી શકે છે તેવી પણ શક્યતા પોલીસે વ્યક્ત કરી છે તેથી આ આતંકીઓ હાલ કોઇ અલગાવવાદીઓના સંપર્કમાં તો નથી તેના પર પણ નજર રખાઇ રહી છે.
એક પોલીસ અધિકારીને જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા આ આતંકીઓને હિંસા ફેલાવવાના આદેશ પણ અપાયા છે. આ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પણ કહ્યું હતું કે સરહદ પાર પીઓકેમાં ૨૩૦ જેટલા આતંકીઓ પાકિસ્તાને તૈયાર કર્યા છે અને તે ગમે ત્યારે કાશ્મીરમાં ઘુસી શકે છે.
હવે પોલીસે કહ્યું છે કે આતંકીઓ વાસ્તવમાં ઘુસી ગયા છે અને તેથી હાલ દરેક પ્રકારની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઇન્ટરનેટ સેવાને હાલ પણ બંધ રખાઇ છે, આતંકીઓ કોઇ અફવા ફેલાવીને ઘાટીમાં ગમે ત્યારે મોટી હિંસા ફેલાવવાના હેતુથી જ ઘુસ્યા છે. પાકિસ્તાને આતંકીઓને હિંસા કેવી રીતે ફેલાવવી તેની પણ તાલિમ આપીને મોકલ્યા છે. આ માટે તેઓ કાશ્મીરી યુવકોનું બ્રેઇન વોશ કરે છે અને બાદમાં પોતાના ઇરાદા પાર પાડે છ. તેથી સોશિયલ મીડિયાથી લઇને દરેક પ્રકારના મેસેજિંગ એપ તેમજ અન્ય સાઇટો પર પણ નજર રખાઇ રહી છે.
સોપોરમાં અઢી વર્ષની બાળકીને ગોળી મારનારો આતંકી ઠાર
થોડા દિવસ પહેલા કાશ્મીરમાં એક પરિવારના ઘર પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક બાળકી સહીત એક જ પરિવારના ચાર લોકો ઘવાયા હતા. આ ઘટના બાદ નાસી છુટેલા પૈકી એક આતંકીને ઠાર મારવામાં સૈન્ય સફળ રહ્યું છે. સૈન્યએ એક ઓપરેશનમાં આ આતંકીને ઠાર માર્યો હતો.
સૈન્ય દ્વારા સોપોરમાં એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેમાં લશ્કરે તોયબાનો આતંકી આસિફ પણ માર્યો ગયો હતો. આસિફે અગાઉ સોપોરમાં જ એક ઘર પર હુમલો કર્યો હતો. ફળના વ્યાપારીને ત્યા કરેલા આ હુમલામાં માત્ર અઢી વર્ષની બાળકી સહીત ચાર લોકો ઘવાયા હતા. બાદમાં આસિફ ત્યાંથી જતો રહ્યો હતો, તેની તસવીર પણ સામે આવી છે.
આ આતંકી અંગે માહિતી આપતા કાશ્મીર પોલીસ વડા દિલબાગસિંહે જણાવ્યું હતું કે આસિફે કાશ્મીરમાં અને ખાસ કરીને સોપોરમાં બહુ આતંક ફેલાવ્યો હતો, સ્થાનિકોમાં પણ આ આતંકી પ્રત્યે રોષ વધ્યો હતો. સૈન્ય દ્વારા હાથ ધરાયેલા આ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આસિફે જે વ્યાપારી પર હુમલો કર્યો હતો તે રાજ્યમાં આતંક ફેલાવવા માટેનું એક કાવતરુ છે. લોકોમાં ભય ફેલાવવા માટે આમ નાગરિકો પર હુમલા થઇ રહ્યા છે.
READ ALSO
- ‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં
- વિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું
- શિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે
- અમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો
- અમરેલી : લુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ઈસમોએ ગળુ પકડી લાકડી ઘુસાડી