GSTV

પુત્રીને પણ પિતાની સંપત્તિમાં સમાન અધિકાર: પુત્રી ને અધિકારોથી વંચિત ન કરી શકાય: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે એક મહત્વપુર્ણ ચુકાદામાં કહ્યું છે કે ભારતમાં પુત્રીઓને પણ પરિવારની જે સંપત્તિ હોય તેમાં પુત્રો જેટલો જ સમાન અધિકાર છે અને પુત્રીઓને તેમના આ અધિકારોથી વંચીત ન રાખી શકાય કે તેને છીનવી ન શકાય.

હિંદુ પરિવાર કાયદાને લઈને સુપ્રીમની સ્પષ્ટતા

હિંદુ પરિવારના કાયદામાં જે જોગવાઇ છે તેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા કરી છે. ન્યાયાધીશ અરૂણ મિશ્રા અને એસ. નાઝીર તેમજ એમ.આર. શાહની બેંચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.

દીકરીઓને મળશે અધિકાર

સામાન્ય રીતે પુત્રીઓના લગ્ન થઇ જાય તે બાદ તેમને પરિવારની સંપત્તિથી વંચીત કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદાથી અનેક મહિલાઓને તેમના અધિકારો મળવાની શક્યતાઓ છે.

2005માં હિન્દૂ પરિવાર કાયદામાં થયો હતો સુધારો

2005માં હિંદુ પરિવાર કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા જેમાં પણ પુત્રીઓને પરિવારની સંપત્તિમાં સમાનઅધિકાર આપવામાં આવ્યો છે. જોકે કોર્ટ સમક્ષ સવાલ એ ઉભો થયો હતો કે શું આ સુધારા પહેલા જે પિતાનું નિધન થઇ ગયું હોય અને તેવી મહિલાઓને સંપત્તિથી વંચિત રાખવામાં આવી તેમને પણ સમાન અધિકાર હવે મળી શકે?

સંપત્તિના વિખવાદના કેસ 6 મહિનામાં નિકાલ કરવા અપીલ

આ અંગે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સુધારો કરવામાં આવ્યો તે બાદ કે પહેલા પુત્રીઓને સમાન અધિકાર આપવામાં આવે. કોર્ટે કહ્યું છે કે પરિવારમાં સંપત્તિના વિખવાદના જેટલા પણ કેસો છે તેનો છ મહિનામાં નિકાલ કરાય તેવી અપીલ કરીએ છીએ.

પિતાના મૃત્યુ બાદ પણ પુત્રીને સંપત્તિમાં સમાન અધિકાર

સાથે જ કોર્ટે કહ્યું હતું કે 2005માં કાયદામાં સુધારા કરવામાં આવ્યા તે પહેલા જો પિતાનું મોત નિપજ્યું હોય તો તેવી પુત્રીઓેને પણ પરિવારની સંપત્તિમાં સમાન અધિકાર મળે. કોર્ટે કહ્યું હતું કે પુત્રી આજીવન પુત્રી જ રહે છે તેથી જેટલો અધિકાર સંપત્તિમાં પુત્રોને મળે છે તેટલો જ અધિકાર પુત્રીઓને પણ આપવામાં આવે.

2005ના સુધારા બાદ ઉભી થઇ હતી આ મુંઝવણ

નોંધનીય છે કે 2005માં કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા અને પુત્રી-પુત્ર બન્નેને પરિવારની સંપત્તિમાં સમાન અધિકાર આપવામાં આવ્યો હતો પણ તે સ્પષ્ટતા નહોતી કે જો પિતાનું મૃત્યુ 2005માં કાયદામાં સુધારા કરવામાં આવ્યા તે પહેલા થયું હોય તો તેવી સ્થિતિમાં પુત્રીઓને શું અધિકાર મળશે કે નહી?

સુપ્રીમ કોર્ટે કરી સ્પષ્ટતા

આ અંગે કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે અને બન્નેને સમાન અધિકાર આપવા કહ્યું છે. હિંદુ પરિવાર ઉત્તરાધિકાર કાયદો 1956માં ઘડવામાં આવ્યો હતો, જેમાં 2005માં આ સુધારો કરાયો હતો અને પુત્રી-પુત્ર બન્નેને પરિવારની સંપત્તિમાં સમાન અધિકાર આપવામાં આવ્યો હતો.

વડીલોપાર્જિત અને પિતાએ વસાવેલી સંપત્તિ બન્ને અલગ છે

(1) પૈતૃક સંપત્તિ: હિંદુ કાયદા મુજબ સંપત્તિ બે પ્રકારની માનવામાં આવે છે, જેમાં જે પૈતૃક સંપત્તિ હોય તે અને પિતા દ્વારા વસાવવામાં આવી હોય તે એમ બન્નેનો સમાવેશ થાય છે. છેલ્લી ચાર પેઢીઓથી મોટા ભાગે પરિવારની સંપત્તિ પુરૂષોને મળતી આવી છે. પણ હવે એવુ નહીં થાય, પુત્રીઓને પણ પરિવારની કે પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળશે. સાથે એવી પણ સ્પષ્ટતા કરવામા આવી છે કે કોઇ પિતા ઇચ્છે તો પણ માત્ર પુત્રના નામે પૈતૃક સંપત્તિને  ન કરી શકે, તેણે બરાબરનો હિસ્સો પુત્રીઓને પણ આપવો જ પડશે અને આ માટે તેઓ કાયદાથી બંધાયેલા પણ છે. જન્મતાની સાથે જ પુત્રીઓ પિતા કે પરિવારની સંપત્તિ પર અધિકાર ધરાવે છે.

(2) પિતાની સંપત્તિ: પૈતૃક સંપત્તિ અને પિતાની સંપત્તિ બન્નેને અલગ માનવામાં આવે છે. પિતાની સંપત્તિ તેને કહેવાય કે જે પિતા દ્વારા વસાવવામાં આવી હોય, આવી સંપત્તિને પિતા ઇચ્છે તો ગમે તેના નામે કરી શકે છે. તેથી કોઇ પુત્ર કે પુત્રી આ સંપત્તિને પિતા પાસેથી હડપી ન શકે અને પિતા ઇચ્છે તો માત્ર પુત્ર અથવા માત્ર પુત્રીના નામે આ સંપત્તિ કરી શકે છે, આૃથવા તો કોઇ અન્યને પણ ભેટ તરીકે આપી શકે છે. પિતાની સંપત્તિ પોતાના નામે કરી દેવા પિતા પર ન તો પુત્ર દબાણ કરી શકે ન તો પુત્રીઓ.

(3) પિતાના મૃત્યુ બાદ: સામાન્ય રીતે પરિવારમાં પિતા જ મોટા ભાગની સંપત્તિનો વહીવટ કરતા હોય છે, પણ કોઇ સંજોગોમાં તેઓએ હયાતીમાં પોતે વસાવેલી સંપત્તિને કોઇના નામે ન કરી હોય કે વસિયત ન બનાવી હોય અને તેમનું નિધન થઇ જાય તો આવી સ્થિતિમાં જેટલા પણ ઉત્તરાધિકારી હોય તેમને સંપત્તિ પર સમાન હક મળે છે, એટલે પિતાના મૃત્યુ બાદ તેમની સંપત્તિ પર માત્ર પુત્ર હક ન જમાવી શકે, પુત્રીઓને પણ તેનો હક બરાબરનો મળે છે.

MUST READ:

Related posts

રાજ્યસભામાં તોડફોડ વચ્ચે ખેડૂત બિલો પાસ, કોરોનાના કેર વચ્ચે સાંસદ સમરાંગણમાં ફેરવાઈ

pratik shah

રાજ્યસભામાં નિયમો તૂટશે તો કાલે પણ માઈક તોડીશ : સાંસદની ચીમકી

Bansari

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!