રાજ્યભરમાં દશામાંના વ્રતની પૂર્ણાહૂતિ થઈ છે. અને અમદાવાદમાં પણ હજારો શ્રદ્ધાળુઓએ 10 દિવસના ઉપવાસ બાદ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યુ. જોકે સાબરમતી નદી ખાતે તંત્ર દ્વારા વિસર્જન કુંડ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી ન હતી. જેથી આસ્થાને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો સર્જાયા હતા. દર વર્ષે દશામાંની પ્રતિમા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે અને નદી પ્રદૂષિત બને છે. ભૂતકાળના અનુભવ છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.કુંડ બનાવવાની વ્યવસ્થા પણ તંત્રએ કરી નથી.
બનાસકાંઠાના ડીસામાં દશામાંના વ્રતની ભક્તિભાવ પૂર્વક પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. મા દશામાનું વ્રત લેનાર બહેનોએ દસ – દસ દિવસ સુધી સ્તૃતિ, પૂજા- અર્ચના, ઉપવાસ રાખીને છેલ્લા દિવસે રાત્રિનું જાગરણ કર્યુ હતુ.તેમજ વહેલી સવારે વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓનું નદી, તળાવોમાં વિસર્જન કર્યુ હતુ.આ વર્ષે વરસાદ નહિવત હોવાથી નદીમાં પાણીના હોવાથી બોર દ્વારા પાણી છોડી તેમાં દશામાં ની સાંઢણી પધરાવી હતી.ડીસામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં દશામાંનું મોટું મંદિર આવેલું છે.જ્યાં 10 દિવસ જેવો મેળાનો માહોલ જોવા મળ્યો.
સંસ્કાર નગરી વડોદરામાં પણ ભારે ઉત્સાહ પૂર્વક દશામાના વ્રતનું સમાપન થયુ હતુ.અને મોડી રાતે ભક્તોએ દશામાની મૂર્તિનુ વિસર્જન કર્યુ.આ વર્ષે શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં મૂર્તિ વિસર્જિત થઈ શકી ન હતી.ત્યારે શ્રદ્ધાળુઓએ અન્ય તળાવમા પણ મૂર્તિ વિસર્જિત કરી હતી.