જૈન ધર્મમાં પાલીતાણામાં આવેલા શેત્રુંજય મહાતીર્થનું વિશેષ મહત્વ છે. પર્યુષણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સોલરોડ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘે શેત્રુંજય ગુફાની અદભૂત પ્રતિકૃતિ તૈયાર કરી છે. જેના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે.
અમદાવાદમાં સોલા રોડ પાસે આવેલા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં હાલ ભક્તોનો ધરાસો થઈ રહ્યો છે. અહીં પાલીતાણામાં આવેલા શેત્રુંજય તીર્થ સ્થાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જૈન ધર્મમાં પાલીતાણામાં આવેલા શેત્રુંજય તીર્થ સ્થાન ઘણું મહત્વ ધરાવે છે. ત્યારે શ્રદ્ધાળુઓને અહીં તૈયાર કરાયેલા આ પ્રતિકૃતિમાં પાલિતાણામાં દર્શન કરતા હોવાનો અનુભવ થાય છે.
20 સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવીને આ ગુફા તૈયાર કરી છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે તેવો અંદાજ છે. પવિત્ર પાલીતાણામાં કેટલીક અયોગ્ય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેનો જૈન સમાજ વિરોધ પણ કરી રહ્યો છે. મહારાજ સાહેબો આ અંગે લડાઈ લડી રહ્યા છે તે બાબતને પણ પ્રદર્શિત કરવામાં આવી છે.