GSTV
Gujarat Government Advertisement

દલિત આંદોલન : ભારત બંધનો કોલ હિંસક, કુલ 6ના મોત

Last Updated on April 2, 2018 by

એસસી-એસટી એક્ટમાં ફેરફારના સુપ્રીમના નિર્દેશ બાદ દલિત સંગઠનોએ સોમવારે આપેલો ભારત બંધનો કોલ હિંસક રહ્યો. ભારત બંધના આહવાન દરમિયાન દેશના અલગઅલગ શહેરોમાં દલિત સંગઠન અને તેના સમર્થકોએ ટ્રેનો રોકી. હાઇવે જામ કર્યા. દુકાનો બંધ કરાવી. આ દરમિયાન ઉત્તરપ્રદેશથી લઇને બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અનેક સ્થળોએ હિંસક પ્રદર્શન થયા. જેમાં કુલ 6 લોકોના મોત થયા. મધ્યપ્રદેશમાં પાંચ લોકોએ અને રાજસ્થાનમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો.

એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના વિરોધમાં દલિત સંગઠનોએ આપેલા ભારત બંધના કોલની ઘણા રાજ્યોમાં વ્યાપક અસર જોવા મળી. એમપી., બિહાર, રાજસ્થાન, યુપી, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શન થયા. વાહન વ્યવહાર અને રેલવે વ્યવહાર પ્રભાવિત થયો.

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના ભિંડ, મુરૈના અને ગ્વાલિયરમાં પ્રદર્શનકારીઓ દ્વારા હિંસા આચરવામાં આવી. મુરૈનામાં કર્ફયુ લગાવવામાં આવ્યો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બે લોકોના, મુરૈનામાં એક વ્યક્તિનું અને ભિંડના મેહગાંવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું. આ હિંસામાં અનેક લોકો ઘાયલ થયા. જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે.

બિહાર: દલિત સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધની બિહારમાં વ્યાપક સ્તરે અસર જોવા મળી. આરા, અરરિયા, ફારબિસગંજ, દરભંગા અને જહાનાબાદમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીને રેલવે વ્યવહાર બાધિત કર્યો હતો. આ ઉપરાંત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવીને માર્ગો પર જામ લગાવ્યો હતો. રેલવે અને માર્ગ વ્યવહાર ખોરવાતા સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશમાં મેરઠ, આગ્રા, સહારનપુર, વારાણસી, ગાજીયાબાદ જેવા શહેરોમાં હિંસાત્મક વિરોધ પ્રદર્શન થયા. મેરઠમાં ઘણા વાહનોને આગના હવાલે કરી દેવામાં આવ્યા. પોલીસને પ્રદર્શનકારીઓને વિખેરવા માટે હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. યુપીના આઝમગઢમાં દલિત દ્વારા અપાયેલા ભારત બંધના એલાન સમયે તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો.તોફાની તત્વોએ બસને સળગાવીને આગ ચાંપી દીધી હતી.

હરિયાણા: હરિયાણામાં પણ દલિત સમુદાય પોતાનો આક્રોશ વ્યક્ત કરવા રસ્તા પર ઉતરી આવ્યો હતો. ગુરૂગ્રામ અને આસપાસના ગામોમાં દલિત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન થયા હતા. તેમજ હાઇવે જામ કરી દીધો હતો. ફરીદાબાદમાં પણ એનઆઇટી-5 માર્ગ પર જામ લગાવી દેવાયો હતો.

પંજાબ: પંજાબના અમૃતસર સહિત અન્ય જિલ્લામાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઇ હતી. દલિત સંગઠનોના બંધને જોતા પંજાબમાં બસ અને મોબાઇલ સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા પણ સસ્પેન્ડ કરી દીધી હતી. શાળા-કોલેજ પણ બંધ રાખવા આદેશ અપાયો હતો. રાજ્યમાં સીબીએસઇની ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

ઝારખંડ: ઝારખંડની રાજધાની રાંચીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું. જે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા. તો બીજી તરફ લોકોએ સરકારી વાહનોને નિશાન બનાવીને પત્થરમારો કર્યો હતો.

ઓડિશા: ઓડિશાના સંબલપુર સહિત ઘણા શહેરોમાં દલીત સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. કેટલાક સ્થળોએ ટ્રેન પણ રોકવામાં આવી હતી.

રાજસ્થાન: રાજસ્થાનના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા. જેમાં બાડમેરમાં સ્થિતિ વિકટ બની હતી. અહીં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. બાડમેરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પ્રદર્શનકારીઓએ ઘણા વાહનોમાં આગ લગાવી દીધી તો ઘણા સ્થળોએ ટ્રેન રોકવામાં આવી હતી. બાડમેરમાં કરણીસેના અને દલિત સંગઠનો સામ સામે આવી ગયા. બંને સંગઠનના પ્રદર્શનકારીઓ વચ્ચે સામ સામે પથ્થરમારો પણ થયો. જે બાદ કોઈક શખ્સે વાહનોને આગ ચાંપી. તો પુષ્કરમાં પણ હિંસક ઘટના ઓબની લગભગ 25 વાહનોને આગ ચાંપી દેવાઈ.

રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરમાં પણ એસસી,એસટી એક્ટના સુપ્રીમના ચુકાદા સામે ચક્કાજામ કરવામાં આવ્યો. સ્થાનિકોએ ટ્રેન રોકીને પ્રદર્શન કર્યુ. જોકે પોલીસે મામલો થાળે પાડ્યો.

આગ્રા: પ્રેમના પ્રતિક તાજ નગરી આગરામાં પણ દલિત સંગઠનના બંધ દરમિયાન પ્રદર્શનની ઘટના બની. કેટલાક પ્રદર્શનકારીઓ જિલ્લા અધિકારીના કાર્યાલયના દરવાજા પર પહોંચી ગયા.અને ત્યાં સુત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા.

અલાહાબાદ: ત્રિવેણી સંગમની નગરી અલાહાબાદમાં પણ દલિત સંગઠનોના આગેવાને ચક્કાજામ કરાવતો જોવા મળ્યા. તો સાથે જે તેઓએ ઈલાહાબાદ રેલવે સ્ટેશન પહોંચીને ટ્રેન રોકી, ટ્રેન આગળ ઉભા રહી સુત્રોચ્ચાર પણ કર્યા.

Gujarat Government Advertisement

Related posts

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

સંકટ વચ્ચે રાહત/ રાજ્યમાં કેસોમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 210 સંક્રમિતો નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!