મહારાષ્ટ્રમાં દૂધની કિંમતોને લઈને ચાલી રહેલું આંદોલન ઉગ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. સ્વાભિમાની શેતકરી સંગઠન આજથી મહારાષ્ટ્રના તમામ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી રહ્યું છે. સ્વાભિમાની શેતકરી સંગઠને પહેલા જ એલાન કર્યું છે કે તેઓ પશુઓને લઈને મુખ્ય હાઈવે પર ચક્કાજામ કરશે. એટલું જ નહીં. દેખાવમાં ખેડૂતોની સાથે બાળકો અને મહિલાઓ પણ સામેલ થશે.
પશ્ચિમ મહારાષ્ટ્ર, પુણે, સતારા, સાંગલી, સોલાપુર, વિદર્ભ, બુલડાણામાં ચક્કાજામની સૌથી વધુ અસર થવાના આસાર વર્તાઈ રહ્યા છે. માનવામાં આવે છે કે સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા રાજૂ શેટ્ટી કોલ્હાપુર જિલ્લામાં આવશે. તેની સાથે સંગઠનના અન્ય ટોચના નેતા રવિકાંત તુપકર વિદર્ભના બુલડાણા જિલ્લાના છે. તેથી અહીં આંદોલનની અસર જોવા મળવાના આસર છે. જો કે ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં સ્વાભિમાની શેતકરી સંગઠન એટલું મજબૂત નથી. જ્યારે મુંબઈ નજીકના પાલઘર જિલ્લામાં સ્વાભિમાની શેતકરી સંગઠનની પાસે કાર્યકર્તાઓ પણ નથી. જેને કારણે આ વિસ્તારમાં ચક્કાજામની અસર જોવા મળવાની સંભાવના ઓછી છે.
મહારાષ્ટ્રમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને રોકવા માટે સ્વાભિમાની શેતકરી સંગઠનના સાંસદ રાજૂ શેટ્ટીએ મહારાષ્ટ્રના જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજનની મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાતમાં કોઈ પરિણામ જોવા મળ્યું નથી અને તેને કારણે મહારાષ્ટ્રની સડકો પર ચક્કાજામ આંદોલન જોવા મળશે.
સાંસદ રાજૂ શેટ્ટીએ 16મી જુલાઈથી મુંબઈને દૂધની આપૂર્તિ રોકવા માટેનું આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલન હેઠળ મહારાષ્ટ્રના તમામ શહેરોમાંથી આવતા દૂધને માર્ગમાં રોકી દેવામાં આવ્યું અને ધીરે-ધીરે તેની આપૂર્તિ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ચુકી છે. આ આંદોલનની આગેવાની સાંસદ રાજૂ શેટ્ટી કરી રહ્યા છે. આંદોલન દરમિયાન મિલ્ક બેલ્ટ ગણાતા પશ્ચિમ મહારાષ્ટ્રમાંથી દૂધની આપૂર્તિને રોકવામાં આવી છે.
ગુજરાતમાંથી આવતા દૂધને રોકવા માટે ખુદ રાજૂ શેટ્ટી મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર પર પાલઘર જિલ્લામાં સક્રિય થયા છે. આંદોલન કરી રહેલા સંગઠનોનો આરોપ છે કે મહારાષ્ટ્ર સરકારે ગાયના દૂધ પર 27 રૂપિયા પ્રતિ લિટરની કિંમત આપવાનું એલાન કર્યું છે. પરંતુ ખેડૂતોને માત્ર 17થી 20 રૂપિયા જ મળે છે. જ્યારે બજારમાં આ દૂધ 40થી 45 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચવામાં આવે છે.
કોલ્હાપુરથી દશ લાખ લિટર, પુણેથી પાંચ લાખ લિટર, અહમદનગરથી પાંચ લાખ લિટર, સતારામાંથી ત્રણ લાખ લિટર અને અન્ય જિલ્લાઓમાંથી દશ લાખ લિટર દૂધની આપૂર્તિ થાય છે. જ્યારે અન્ય રાજ્યોમાં ગુજરાતથી પંદર લાખ લિટર, કર્ણાટકથી એક લાખ લિટર અને મધ્યપ્રદેશથી બે લાખ લિટર દૂધ આવે છે.