GSTV
AGRICULTURE Rajkot Trending ગુજરાત

ગુજરાતમાં પ્રથમ વખત ગોંડલના ખેડૂતે કરી કાશ્મિરી કેસરની ખેતી, ઈન્ડોર સેફ્રોન ફાર્મ બનાવી લીધું કોમર્શિયલ ઉત્પાદન

કેસરનું નામ પડે એટલે દેશમાં ઠંડા વિસ્તાર ગણાતા કાશ્મીર તરફ નજર દોડે. ઠંડા પ્રદેશોની આગવી ઓળખ ગણાતા કાશ્મીરી કેસરના હવે ગુજરાતમાં શ્રીગણેશ થઈ ગયા છે. ગુજરાતના સાહસિક ખેડૂતો કંઈક નવા પ્રયોગો સાથે ઈનોવેટિવ ફાર્મિંગ થકી કેસરનું ઉત્પાદન કરવામાં સફળ થયા છે. રાજકોટ જિલ્લાના ગોંડલના ખેડૂત બ્રિજેશભાઈ કાલેરિયાએ કાશ્મિરી કેસર ઉગાડીને ખેડૂતોને નવો રાહ બતાવ્યો છે. છેલ્લા 8 વર્ષથી મધપાલનમાં માસ્ટરી મેળવવા સાથે ખેતીમાં નવા નવા પ્રયોગો કરવામાં સફળ રહેલા બ્રિજેશભાઈએ આ વર્ષે ગુજરાતમાં કોલ્ડસ્ટોરેજમાં વાતાવરણ નિયંત્રિત કરીને ટ્રે પદ્ધતિથી કાશ્મિરી કેસર ઉગાડ્યું છે.

  • કોલ્ડ સ્ટોરેજમાં વાતાવરણ નિયંત્રિત કરી ટ્રે પદ્ધતિથી કાશ્મિરી કેસર ઉગાડ્યું
  • વાર્ષિક 3થી 8 કિલો કેસરનું ઉત્પાદન થાય તેવું ફાર્મ બનાવ્યું
  • 1 કિલો કાશ્મિરી કેસરનું 5 લાખ રૂપિયા ભાવે થાય છે વેચાણ
  • 8 વર્ષથી મધપાલનમાં માસ્ટરી સાથે કરી રહ્યા છે ઈનોવેટિવ ફાર્મિંગ

રાજકોટના બ્રિજેશભાઈ ભીખુભાઈ કાલરિયાને નાનપણથી ખેતીનો શોખ હતો. ઉચ્ચ અભ્યાસ બાદ મુંબઈ શહેરમાં નોકરીને ઠોકર મારીને ઇનોવેટિવ ફાર્મિંગ તરફ વળ્યા છે. માત્ર અને માત્ર કાશ્મિરમાં જ થતા કેસર કે જેની પ્રતિ કિલો 5 લાખ રૂપિયા કિંમત છે. એવા મોંઘામૂલા કેસરની ખેતી માટે 15 ફૂટ બાય 15 ફૂટનો કોલ્ડરૂમ તૈયાર કર્યો છે. જેમાં માટી તેમજ પાણીના માધ્યમ વિના અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેસરની ખેતી કરી છે. કોલ્ડ સ્ટોરેજ રૂમમાં 5 ડિગ્રીથી 25 ડિગ્રી સુધીનું તાપમાન નિયંત્રિત કરવામાં આવે છે.

કેસરના બીજને ટ્રેમાં ગોઠવી ખાસ માવજત સાથે ફૂલ તૈયાર કરાય છે. કોરોના કાળમાં બ્રિજેશભાઈએ શરૂ કરેલા અખતરામાં આજે તેઓ સફળ રહ્યા છે. કેસરનું બિયારણ કાશ્મિર સિવાય બીજે ક્યાંય મળતું નથી. કેસરના બિયારણમાંથી સતત 15 વર્ષ સુધી ઉત્પાદન લઈ શકાય છે. કેસરનું બિયારણ તૈયાર થતાં દોઢ વર્ષે મલ્ટિપ્લાય કરીને ઉત્પાદન લે છે. ખેડૂતના માનવા મુજબ આ પ્રકારનો પ્રયોગ કરવામાં ગુજરાતમાં તેમને સૌથી પહેલી સફળતા મળી છે.

ગોંડલના બ્રીજેશભાઈ ભીખુભાઈ કાલરિયાએ 15 બાય 15 ફૂટના બંધ કોલ્ડ રૂમમાં સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેસર ઉગાડ્યું છે. કોલ્ડરૂમમાં પ્લાસ્ટિક અથવા લાકડાની ટ્રેમાં કેસરનું બિયારણ મુકવામાં આવે છે. કોલ્ડ રૂમમાં તાપમાન, ભેજ ઉપરાંત કાર્બનડાયોક્સાઈડ અને ઓક્સિજન મેનેજ કરવામાં આવે છે. સનલાઈટ માટે કોલ્ડરૂમમાં એલઈડી લાઈટ ગોઠવવામાં આવે છે. કાશ્મિરી કેસરના પ્રયોગ પાછળ અંદાજિત 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે. આ કોલ્ડરૂમમાંથી અંદાજિત 3થી 8 કિલો જેટલું કેસરનું ઉત્પાદન લઈ શકાય છે. નાનકડા એવા બીજમાંથી કેસરના કંદ તૈયાર કરવામાં આવે છે. કેસરનું બિયારણ ફક્ત કાશ્મિરમાંથી જ ટ્રેનિંગ લીધી હોય તેમને જ મળે છે.

કેસરનું બિયારણ 1 કિલોના 600થી 1 હજાર રૂપિયા ભાવે મળે છે. કેસરના કંદ ડુંગળીના દડા સાઈઝના 5થી 30 ગ્રામ સુધીના હોય છે. 1500 કિલો બિયારણમાંથી દોઢથી બે કિલો કેસરનું ઉત્પાદન લઈ શકાય છે. કેસરના એક કંદમાંથી એકથી ત્રણ સ્યૂટ નીકળે છે. જેમાં એકથી બે ફૂલ તૈયાર થાય છે. 20 ગ્રામથી મોટા કંદમાં બડ્સની સાઈઝ મોટી નીકળે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન કંદને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવે છે. કેસરનું ઉત્પાદન લીધા પછી કંદને નિતારવાળી છાયાવાળી જમીનમાં રાખવામાં આવે છે. કેસર ઉત્પાદન થાય તેવું 15થી 20 ગ્રામ વજનનું થતાં દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. મોટા કંદને કોલ્ડ સ્ટોરેજમાં ગોઠવવાથી લગભગ અઢી મહિનામાં કેસરનું પક્વ ફૂલ તૈયાર થાય છે. ફૂલમાંથી કેસરનાં તાંતણા મેળવવામાં આવે છે. સન લાઈટ ન અડવાને લીધે તેનો રંગ અને સુગંધ જળવાઈ રહે છે.

ગોંડલના સાહસિક બ્રીજેશભાઈ ભીખુભાઈ કાલરિયા છેલ્લા 8 વર્ષથી સતત નવા પ્રયોગ સાથે ધંધાકિય રીતે ખેતીને અપનાવી નવા નવા સાહસો કરે છે. તેમણે કરેલું ગુજરાતમાં કાશ્મિરી કેસરના વાવેતરનું સાહસ આગામી સમયમાં એક નવો આયામ બની રહેશે. તેઓ કાશ્મિરી કેસરના પદ્ધતિસરના ઉત્પાદન માટે ખેડૂતોને ટ્રેનિંગ પણ આપી રહ્યા છે.

ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ  https://chat.whatsapp.com/IdVGH0pgIP08AeIj0cd0NA 
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV