વન-ડે ટીમમાંથી બહાર થયા બાદ રિષભ પંતે ટ્વિટર પર કહી આ મોટી વાત

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તેમના ખરાબ ફોર્મને પગલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે યોજાનારી વન-ડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. પંત છેલ્લા કેટલાંક દિવસથી ખરાબ ફોર્મમાંથી ગુજરી રહ્યાં છે. આ જ કારણ છે કે તેમની વિદાય થઇ ગઇ છે. પંતે ડોમેસ્ટિક સીરીઝમાં વેસ્ટ ઈન્ડીઝ સામે બે વન-ડે રમી હતી અને આ દરમ્યાન 41 રન બનાવ્યા હતાં. જોકે, તેઓ ટી-20 ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યાં છે.

પંત હાલમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમી રહ્યાં છે. પ્રથમ બે ટેસ્ટમાં તેઓ કંઈ ખાસ ઉકાળી શક્યા નહીં. જોકે, 26 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં તેઓ કંઈક સારુ કરવા માટે તૈયાર છે. પંતે પોતાના ટ્વિટમાં લખ્યું છે, “જો તમે શીખવા માટે તૈયાર નથી તો તમને કોઈ શીખવાડી શકતુ નથી. પરંતુ જો તમે શીખવા માટે તૈયાર છો તો તમને કોઈ રોકી શકતુ નથી.”

આ મોટિવેશનલ મેસેજથી તેમણે સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ આગામી મેચમાં ઘણુ બધુ શીખવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરશે અને કદાચ કમાલ પણ સર્જી શકે. વન-ડે ટીમમાંથી સ્થાન ગુમાવ્યા બાદ સ્વાભાવિક રીતે પંતને ઝાટકો લાગ્યો હતો.

રિષભ પંત તાજેતરમાં ચર્ચામાં આવ્યા છે. અંડર-19 અને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેમણે આઈપીએલમાં સ્થાન મળ્યું, જ્યાં તેમણે પોતાની ધમાકેદાર બેટિંગથી સૌ કોઈને પોતાના ચાહક બનાવી દીધા. પંતને ધોનીનો ઉત્તરાધિકારી પણ કહેવામાં આવે છે. તેમણે આઈપીએલ 2018માં 14 મેચમાં 684 રન બનાવીને તેમને આ વાતનો પુરાવો પણ આપ્યો. ત્યારબાદ તેમણે ઈન્ડિયા એ તરફથી ઈંગ્લેન્ડ પ્રવાસ પર હાથ અજમાવીને સીનિયર ટીમ ઈન્ડિયા માટે પોતાની દાવેદારી રજૂ કરી અને તેઓ પસંદ પણ થયા.

પોતાની ખ્યાતિ મુજબ, તેમણે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત છગ્ગાની સાથે કરી. ત્યારબાદ છેલ્લી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. તો વેસ્ટ ઈન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટમાં 84 બોલમાં 92 રન બનાવીને ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન લગભગ પાક્કુ કર્યુ હતું. જોકે, હમણા તેઓ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ પણ રમી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધીની પ્રારંભિક બે ટેસ્ટમાં તેઓ કોઈ કાંદા કાઢી શક્યા નથી. એવામાં જો તેમને ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવવુ હોય તો આ હાઈ ટાઇમ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter