GSTV

ગુજરાતની આ બેઠકે દેશને આપ્યાં છે PM, CM અને ગર્વનર, ચૂંટણી લડનારના બદલાઈ જાય છે નસીબ

Last Updated on September 15, 2021 by Bansari

ઓગષ્ટ ૨૦૧૬માં ઘાટલોડિયાનાં ધારાસભ્ય એવા આનંદીબેન પટેલનાં સ્થાને રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદ સોંપ્યા બાદ પાંચ વર્ષ એક મહિનાના અંતરે હવે આ બંને બેઠક વચ્ચે જ મુખ્યમંત્રીપદનું હસ્તાંતરણ થયું છે, અને બીજો યોગાનુયોગ એ પણ છે કે નવા સીમાંકન બાદ આ બંને બેઠક ચર્ચામાં જ રહી છે, ખાસ કરીને રાજકોટ પશ્ચિમ (જૂની રાજકોટ-૨) બેઠક તો બની ત્યારથી જ ! 

BJP gujarat

વર્ષ ૧૯૭૫માં આ બેઠક રાજકોટ-૨ તરીકે અસ્તિત્વમાં આવી

વર્ષ ૧૯૭૫માં આ બેઠક રાજકોટ-૨ તરીકે અસ્તિત્વમાં આવી. જૂન ૧૯૭૫માં જનસંઘી અરવિંદભાઇ મણિયાર અહીં ધારાસભ્ય તરીકે ચૂંટાયા, જેમને ઓકટોબર-૧૯૭૫માં રાજકોટના મેયર તરીકેની પણ જવાબદારી સોંપાઇ હતી. પછીની ચૂંટણી ૧૯૮૦માં આવી ત્યારે ૧૯૭૯માં જ જનસંઘમાંથી કોંગ્રેસમાં ભળી ચૂકેલા બાગી સીટિંગ કોર્પોરેટર મણીભાઇ રાણપરા સામે અહીં અરવિંદભાઇ મણિયારનો પરાજય થયો.

કોંગ્રેસે આ બેઠક જીતી હોય એવું એ એકમાત્ર વખત બન્યું અને તે પછી ૧૯૮૫, ૧૯૯૦, ૧૯૯૫, ૧૯૯૮ તથા ૨૦૦૧માં ભાજપી વજુભાઇ વાળા અહીંથી ચૂંટાઇ આવ્યા. નાણાંમંત્રી રહી ચૂકેલા વાળાએ વર્ષ ૨૦૦૨માં આ બેઠક નરેન્દ્ર મોદી માટે ખાલી કરી અને પેટા ચૂંટણી-૨૦૦૨માં મોદી પહેલી વાર ધારાસભ્ય તરીકે અહીંથી જ ચૂંટાયાં.

vajubhai-vala

રાજકોટ-૨ તરીકે ઓળખાતો આવેલો આ મતવિસ્તાર પછીથી રાજકોટ પશ્ચિમ બેઠક તરીકે નવું નામકરણ પામેલો

૨૦૦૨ જનરલ ઈલેકશન, ૨૦૦૭ અને ૨૦૧૨માં ફરી અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા વજુભાઇ વાળા છેલ્લે ગુજરાત વિધાનસભાના સ્પીકર બન્યા અને ૨૦૧૪માં તેમને કર્ણાટકના ગવર્નર પદે નિમણૂંક અપાતાં ૨૦૧૪ પેટા ચૂંટણીમાં વિજય રૂપાણીને અહીંના મતદારોએ વિજેતા બનાવ્યા હતા. નોંધનીય છે કે વર્ષ ૨૦૦૯ સુધી રાજકોટ-૨ તરીકે ઓળખાતો આવેલો આ મતવિસ્તાર પછીથી રાજકોટ પશ્ચિમ બેઠક તરીકે નવું નામકરણ પામેલો છે. છેલ્લે ૨૦૧૭માં અહીંથી ૫૩૭૫૫ની લીડથી ચૂંટાયેલા રૂપાણી હાલ ધારાસભ્ય છે.

અત્યાર સુધીમાં મનસુખ જોશી, પી.સી. બારોટ, સુધીર જોશી સહિત અનેક સ્થાનિક કોંગ્રેસી આગેવાનો અહીં ચૂંટણી લડી ચૂકયા છે. જૂના જનસંઘી શુક્લ પરિવારના પુત્રી કાશ્મીરાબેને અહીં ૧૯૯૮માં શંકરસિંહ વાઘેલાના પક્ષ ઓલ ઇન્ડિયા આર.જે.પી.માંથી અને ૨૦૦૭માં કોંગ્રેસમાંથી આ બેઠકની ચૂંટણી લડી હતી. છેલ્લા ચાર દાયકાની ચૂંટણીની વાત કરીએ તો એક માત્ર ૧૯૯૮ને બાદ કરતા ૩ ચૂંટણીમાં વજુ વાળાની લીડ ૧૫ હજારથી વધુ જ રહી, જયારે મોદી અહીં ૧૪૭૨૮ની સરસાઇથી ચૂંટાયા હતાં.

vijay-rupani

વિજય રૂપાણી અહીંથી જ ચૂંટાઇને મુખ્યમંત્રી પદે રહ્યાં

આ જ બેઠક પરથી ચૂંટાતા આવીને બાદમાં કર્ણાટકના ગવર્નર રહી આવી હવે વજુ વાળાની વતનવાપસી થઇ છે. વિજય રૂપાણી અહીંથી જ ચૂંટાઇને મુખ્યમંત્રી પદે રહ્યાં બાદ રાજીનામું આપી ચૂક્યાં હોવાથી તેમનું રાજકીય ભવિષ્ય નજીકના દિવસોમાં નક્કી થનાર છે, જ્યારે સી.એમ.માંથી પી.એમ. પદ સુધીની યાત્રામાં મોદીને પ્રથમ પગથીયું આ જ બેઠકે મંડાવ્યું હતું. બીજી તરફ, નવા સીમાંકન બાદ ૨૦૧૨માં ઘાટલોડીયા બેઠકની પ્રથમ ચૂંટણીમાં ત્યાંથી ચૂંટાયેલા આનંદીબેને૨૦૧૬માં પદ ત્યાગ કરવો પડયો અને ૨૦૧૭માં ત્યાંથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલ હવે મુખ્યમંત્રી પદે આરૂઢ થવા જઈ રહ્યા છે.

READ ALSO :

Related posts

વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!