GSTV
ટોપ સ્ટોરી

સમીકરણો બદલાયા / રૂપાણી હોય કે નીતિન પટેલ પાટીલ ગુજરાતના બોસ : દિલ્હી હાઈકમાન્ડથી આ સીધો સંદેશ, હાજી હાજી કરવું પડશે

રૂપાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકાએક જ ગુજરાતમાં સાશ્ચર્ય આંચકો આપીને સત્તાધારક તરીકેના ભાજપ સરકારના રંગ અને રૂપ બદલ્યા છે. આથી એક આખા જાયજેન્ટિક અને જામી પડેલા પ્રધાનમંડળને રાતોરાત સત્તા-નિવૃત્તિનો સ્વાદ ચાખવાનો લ્હાવો મળ્યો છે! દિલ્હી હાઈકમાન્ડે તમામ સીનિયર મંત્રીઓને નારાજગી ભૂલી સંગઠનમાં રામ કરવાનો આદેશ કર્યો છે. એનો સીધો મતલબ છે કે હવે પાટીલ એ રૂપાણીથી લઈને નીતિન પટેલના બોસ છે. પાટીલનો દબદબો હવે સરકાર અને સંગઠન બંનેમાં વધ્યો છે.

આની પાછળના ગણિતની સમજ તેઓને પણ ક્રમશ: પ્રાપ્ત થશે. ગુજરાતના રાજકારણની ભાજપની પોતાની અનુભવ સંપદા હાંસિયામાં મૂકીને મિસ્ટર મોદીએ રેસના ઘોડા જેવા તરોતાજા નવોદિતોને મેદાનમાં ઉતાર્યા છે. પીળા પાંદડાઓ ખરી જતાં, ગુજરાત સરકારમાં નૂતન વસંતનો આવિષ્કાર થયો છે.

‘ઐસેવૈસે લોગ કૈસે કૈસે બન ગયે ઔર કૈસે કૈસે લોગ ઐસે વૈસે બન ગયે’ એવું જ ગુજરાતના સત્તાકારણમાં થયું છે

ઇન્દિરા વેવ વખતે તારકેશ્વરી સિન્હાએ સંસદમાં કહ્યું હતું કે ઐસેવૈસે લોગ કૈસે કૈસે બન ગયે ઔર કૈસે કૈસે લોગ ઐસે વૈસે બન ગયે – એવું જ ગુજરાતના સત્તાકારણમાં થયું છે. જેમ એક જમાનામાં ગુજરાતનું વિકાસ મોડેલ દેશમાં સકારાત્મક રીતે ચર્ચાના ચાકડે ચડયું હતું એમ આ નવું સરકારનું નેતૃત્વ કરવાનું યૌવનમય નવોદિત મોડેલ પણ હવે રાજ્યોના રાજકારણમાં ચર્ચાના ચગડોળે ચડી રહ્યું છે.

ગુજરાત કોરોનાની બીજી લહેરથી ખખડી ગયું હોવાની ફરિયાદો હતી. એક આખી સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન કોને કહેવાય એનો પણ મોદીએ જવાબ આપી દીધો છે. સ્વાભાવિક છે કે નવરચિત પ્રધાન મંડળ અને સરકારના વડા તરીકેના મુખ્યમંત્રી પાસેથી ઉક્ત ઘટનાઓને કારણે અપેક્ષાઓ ઉછાળો મારી જવાની છે.

વિજય રૂપાણીના છેલ્લા પાંચ વરસના સૌજન્યપૂર્ણ શાસનકાળમાં ફૂલો અધિક અને કંટકો અલ્પ રહ્યા છે. કોરોનાની બીજી લહેર ન આવી હોત તો પાટનગર ગાંધીનગરમાં આવેલી પરિવર્તનની ત્સુનામી બધાને તાણી ગઈ ન હોત એ સ્પષ્ટ છે. હવે જ્યારે નવી જ શતરંજ ગોઠવાઈ રહી છે ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારની પક્ષ, પ્રજા અને તંત્ર તરફની જવાબદારીઓ અનેકગણી વધી ગઈ છે, જેને આ નવી ટીમ ગુજરાત ભાજપ કઈ રીતે પાર પાડે છે તે જોવાનું રહે છે.

રૂપાણી

સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન કોને કહેવાય એનો નરેન્દ્ર મોદીએ જવાબ આપી દીધો

અંદાજે એકાદ વરસ પછી આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પણ મિસ્ટર મોદીએ નજરમાં રાખી છે. જે સિનિયરોને હવે પ્રધાનપદની જવાબદારીમાંથી મુક્તિ મળી છે તેઓના કાફલાને લોકસંપર્કના મહત્ત્વના અભિયાનમાં જોતરવામાં આવશે એ પણ નક્કી છે. પેજ પ્રમુખોના વિશાળ સમુદાય સાથે બૃહત્કથા જેવો સત્સંગ કરવાનો જૂના જોગીઓને લાભ મળશે અને એનાથી પક્ષનું શુભ ભવિષ્ય ઘડાશે.

બ્રિટનની લોકશાહીમાં શેડો કેબિનેટની વિચારધારા છે. અત્યારે વડીલ વંદના કાર્યક્રમમાં અચાનક અભરાઈ પર મૂકાઈ ગયેલા નેતાઓની અનુભવમૂડીનો જો સરકાર ઉપયોગ કરવા ચાહે તો એનું એક ગાઈડન્સ ગ્રૂપ બની શકે છે. જો કે ઉંમરલાયક લોકો તરફ ભાજપને કેટલો સદભાવ છે તે અડવાણી આણિ મંડળી પરથી તાગ લેનારા લોકો પણ છે.

પરંતુ ભાજપે પોતાની જ સરકારનો એક આખો મોભ ઉતારીને સાગના લાકડાનો નવો મોભ ચડાવીને ઈમારતને અધિક સંપન્ન અને મજબૂત બનાવવાની કોશિશ કરી છે એ આમ તો વડાપ્રધાનનો ગુજરાત તરફનો પ્રેમ વત્તા ખેલ છે. ખેલ એટલા માટે કે આગામી ચૂંટણીમાં ભાજપે મતપેટીઓમાં ‘આપ’ઘાત ન કરવો પડે. મોદી પાસે દરેક બંધ કમાડની એક માસ્ટર કી હોય છે એ દંતકથા સાવ અમથી તો ઉચ્ચારવામાં આવતી નથી.

પરંતુ અગાઉની જેમ આ વખતે પણ સત્તાના સ્વયંવરમાં વરમાળા કોઈક અણધાર્યા કંઠમાં જઈ પડી છે. આવા અભૂતપૂર્વ પરિવર્તનનું સાહસ મિસ્ટર મોદી સિવાય કોણ કરી શકે ? આ માટે નેતૃત્વની અજાયબ શક્તિ, પાક્કેપાકો આગોતરો અંદાજ, અનુયાયીઓમાં વિશ્વાસ અને ડેરિંગ જોઈએ. આલતુ કે ફાલતુ નેતાઓ આવા ઐતિહાસિક કદમ ઉપાડી શકતા નથી.

Read Also

Related posts

BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા

pratikshah

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા

pratikshah

અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું

pratikshah
GSTV