GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ગૂગલ-એપલે ‘કોવિડ ટ્રેકિંગ’ને નામે ખરેખર ફોનમાં કરી છે ઘૂસણખોરી, આ રીતે કરો તમારા ફોનમાં ચેક

એક-બે અઠવાડિયા પહેલાં એન્ડ્રોઇડ અને એપલ સ્માર્ટફોનના યૂઝર્સમાં આ બંને કંપની પ્રત્યે થોડો કચવાટ પેદા થયો અને સોશિયલ મીડિયા પર એ વિશે થોડો ચણભણાટ પણ થયો. કદાચ તમને પણ વોટ્સએપમાં કે અન્ય સોશિયલ મીડિયા પર તમારા સ્વજનો-મિત્રોએ એવો મેસેજ મોકલ્યો હશે કે ‘થોડા દિવસ પહેલાં આપણા ફોનમાંની ગૂગલ કે એપલની સર્વિસિસમાં થોડો ખોટકો સર્જાયો હતો ત્યારે આ બંને કંપનીઓએ ચૂપચાપ આપણા ફોનમાં કોવિડ-19 માટે આપણું ટ્રેકિંગ કરતી એપ ઇન્સ્ટોલ કરી દીધી છે.’

આ મેસેજમાં આ ‘એપ’ કેવી રીતે તપાસવી તેનો રસ્તો પણ બતાવવામાં આવ્યો હતો. તમે વાઇરલ થયેલો આ મેસેજ ચૂકી ગયા હો તો એ રસ્તો અહીં જાણી લો. એન્ડ્રોઇડની વાત કરીએ તો તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ. તેમાં ગૂગલના સેટિંગ્સમાં જાઓ. તેમાં તમને સૌથી ઉપર સર્વિસિસના મથાળા સાથે ‘કોવિડ-19 એક્સપોઝર નોટિફિકેશન’ જોવા મળશે. આઇફોન હોય તો તેમાં સેટિંગ્સમાં, પ્રાઇવસી અને તેમાં હેલ્થમાં સૌથી ઉપર ‘કોવિડ-19 એક્સપોઝર લોગિંગ’ જોવા મળશે.

ઘણા લોકોને આ જોઇને એ વાતે વાંધો પડ્યો કે ગૂગલ કે એપલ જેવી કંપની આપણી જાણ બહાર આપણને ટ્રેક કરતી કોઈ પણ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરી જ કેવી રીતે શકે? ઘણા લોકોએ આ મુદ્દે ટ્વીટર અને અન્ય જગ્યાએ બળાપો ઠાલવ્યો અને લખ્યું કે તેઓ ગૂગલ કે એપલનો જ બહિષ્કાર કરશે! આવા કિસ્સાઓમાં મોટા ભાગે બને છે તેમ આપણે ગાડરિયા પ્રવાહ સાથે ચાલી નીકળીએ છીએ અને સાચી વિગતોમાં ઊંડા ઉતરતા નથી. ગૂગલ કે એપલની આ ટ્રેકિંગ એપ વિશે થોડી ખણખોદ કરીએ તો સમજાય છે કે મુશ્કેલીના સમયમાં ટેકનોલોજી આપણી કેવી મદદ કરી શકે છે.

હકીકત શું છે?

હકીકત એ છે કે ગૂગલ કે એપલે આપણી જાણ બહાર આપણા ફોનમાં કોઈ ‘એપ’ ઇન્સ્ટોલ કરી નથી. જેમ આપણા ફોનમાં વિવિધ પ્રકારના સિક્યોરિટી પેચીઝ ઉમેરાતા હોય છે એ રીતે એક નવી સર્વિસ ઉમેરવામાં આવી છે. એટલું ખરું કે આ સર્વિસ ઉમેરવા અંગે આપણને જાણ કરવામાં આવી નથી કે પૂછવામાં આવ્યું નથી. એ પણ ખરું કે સામાન્ય મતથી વિપરિત, આ સર્વિસ આપણી પ્રાઇવસી પર તરાપ નથી, પરંતુ કોરોના વાઇરસના પ્રસાર સામે આપણને રક્ષણ આપતી અને એ કામ આપણી પ્રાઇવસી જાળવીને કરતી સર્વિસ છે.

સૌથી અગત્યની વાત, આ સર્વિસ આપમેળે કામ કરતી જ નથી. તેને ઓન કરવા માટે આપણે પહેલાં ફોનમાં આપણા દેશની સરકારની સત્તાવાર કોવિડ ટ્રેકિંગ એપ ઇન્સ્ટોલ કરવી પડે છે. આવી એપ વિના ગૂગલ-એપલની ટ્રેકિંગ સર્વિસ કામ લાગતી નથી. હજી વધુ મહત્ત્વની વાત – ભારતમાં સરકારની સત્તાવાર આરોગ્ય સેતુ એપ, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ગૂગલ-એપલની આ નવી ટ્રેકિંગ સર્વિસ સાથે કોમ્પેટિબલ નથી એટલે આ સર્વિસ આપણા ફોનમાં ઉમેરાઈ હોવા છતાં ન તો તે આપણે કામની છે કે પછી ગૂગલ-એપલ માટે કોઈ રીતે કામની છે.

આ સર્વિસ કેવી રીતે કામ કરે છે?

આખી દુનિયાના વિવિધ દેશોની સરકારો, કોરોનાના પ્રસારને અંકુશમાં લેવા માટે ‘કોન્ટેક્ટ ટ્રેસિંગ’ પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે. તેમાં કોવિડ-19ના ચેપગ્રસ્ત લોકો અગાઉ કઈ કઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે તે જાણીને એ દરેક વ્યક્તિને તેમને ચેપની સંભાવના વિશે ચેતવવામાં આવે છે અને તેમનામાં ચેપનાં કોઈ લક્ષણ જણાય તો તેમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આવા લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમને ક્વોરન્ટાઇન કરીને વધુ લોકોના સંપર્કમાં આવતા અટકાવવામાં આવે છે અને એ રીતે કોવિડ-19ના પ્રસારની સાંકળ તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ કામમાં હવે ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. લગભગ દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન હોય છે. જો તેમાં બ્લુટૂથ અને લોકેશન સર્વિસ ઓન કરવામાં આવે તો દરેક વ્યક્તિ બીજી કઈ કઈ વ્યક્તિના સંપર્કમાં આવી તે ટ્રેક કરી શકાય છે અને આમાંની કોઈ પણ વ્યક્તિ કોવિડ-19 પોઝિટિવ થાય તો પછી આગળનાં પગલાં લેવામાં આવે છે. આપણી આરોગ્ય સેતુ એપ આ જ પ્રકારની એપ છે. આ પ્રકારે ટ્રેકિંગ ત્યારે સફળ થાય જ્યારે આવી એપનો બહુ મોટી સંખ્યામાં ઉપયોગ થાય. એટલે જ ભારત સરકાર તરફથી આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરાવવા માટે સખત પ્રયાસ કરવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે આખા દેશની વસતીના ઓછામાં ઓછા 60 ટકા જેટલા લોકો આવી એપનો ઉપયોગ કરે તો તે કોરોનાનો પ્રસાર અટકાવવામાં લાભદાયી બની શકે છે.

આરોગ્ય સેતુ એપ લગભગ 14 કરોડ લોકો સુધી પહોંચી શકી છે.

અલબત્ત ભારત અને બીજા લગભગ તમામ દેશોમાં લોકો પ્રાઇવસીના મુદ્દે આવી ટ્રેકિંગ એપનો ઉપયોગ કરતાં ખચકાય છે. દરેકને એક વાતનો ભય હોય છે કે ફોનમાં આવી એપ ઇન્સ્ટોલ કરીશું અને પછી બ્લુટૂથઅને લોકેશન સર્વિસ ઓન કરીશું તો પછી દરેક પગલે સરકાર આપણું ટ્રેકિંગ કરશે. કોરોના જેવી મહામારીનો સામનો કરવો માટે આવું ટ્રેકિંગ અનિવાર્ય હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરતાં ખચકાય છે. વિવિધ દેશોની સત્તાવાર ટ્રેકિંગ એપ સામેની પ્રાઇવસીની ચિંતાને દૂર કરવા માટે પહેલી વાર એવું બન્યું કે એપલ અને ગૂગલ જેવી એકમેકની કટ્ટર હરીફ કંપનીએ હાથ મિલાવ્યા અને ટ્રેકિંગ માટેની નવી પદ્ધતિ વિકસાવી. આપણા ફોનમાં ઉમેરાયેલી સર્વિસ આ સહિયારા પ્રયાસનું પરિણામ છે.

પ્રાઇવસી કેટલી છે?

ગૂગલ અને એપલની ટ્રેકિંગ સિસ્ટમ વિવિધ દેશોની સત્તાવાર ટ્રેકિંગ એપની પૂરક તરીકે કામ કરે છે. પરંતુ તે આપણી ઓળખ છતી થવા દેતી નથી. આપણે ફોનમાં સરકારની સત્તાવાર એપ ઇન્સ્ટોલ કરી હોય અને તે ગૂગલ અને એપલની સિસ્ટમ સાથે કોમ્પિટિબલ હોય તો આપણા ફોનમાં એક્સપોઝર નોટિફિકેશન ઓન કરી શકીએ છીએ. એ પછી આપણે ફોનમાં બ્લુટૂથ અને લોકેશન સર્વિસ ઓન કરવાની રહે છે. આ પછીનું કામ આ સિસ્ટમ આપોઆપ કરે છે તે આપણા ફોન માટે એક રેન્ડમ આઇડી જનરેટ કરે છે અને આપણી ઓળખ કે લોકેશન છતા ન થઈ શકે તે માટે દર 10-20 મિનિટે આ રેન્ડમ આઇડી બદલાતું રહે છે.

હવે પછી આપણે પોતાના ફોન સાથે અન્ય કોઈ પણ વ્યક્તિની ગમે તેટલા નજીક આવીએ પણ આપણો અને તેમનો ફોન એકમેકના બ્લુટૂથની રેન્જમાં આવે ત્યારે બંનેના ફોન પોતપોતાના રેન્ડમ આઇડીની આપલે કરે છે.

આપણા ફોનમાંની સિસ્ટમમાં રિસિવ થયેલા દરેક રેન્ડમ આઇડીનું લિસ્ટ જળવાય છે.

આ લિસ્ટમાંની કોઈ પણ વ્યક્તિ પોતે કોવિડ-19 પોઝિટિવ થઈ હોવાની જાણ કરે તો આપણા દેશની સત્તાવાર એપ મારફત આ સર્વિસ આપણું ધ્યાન દોરે છે અને આપણને પણ ચેપ હોવાની સંભાવના હોવાનું જણાવીને આગળના પગલાં લેવાની સૂચના આપે છે.

ગૂગલ અને એપલ ભારપૂર્વક કહે છે તેમ આપણે પોતે આ સર્વિસ ઓન કરીએ તો જ તે આપણને એક્સપોઝર નોટિફિકેશન મોકલે છે. આપણે ઇચ્છીએ ત્યારે તેને બંધ કરી શકીએ છીએ.

આ સિસ્ટમ આપણા લોકેશનનો ડેટા એકઠો કરતી નથી. તે માત્ર નજીકના ડિવાઇસ સાથે આઇડીની આપલે કરે છે પરંતુ આ સંપર્ક ક્યાં થયો તેની નોંધ રાખવામાં આવતી નથી. સમગ્ર વ્યવસ્થામાં કોઈ વ્યક્તિની ઓળખ એપલ કે ગૂગલ કે અન્ય યૂઝર જાણી શકતા નથી. સરકારની સત્તાવાર એપ આપણો ફોન નંબર અને લોકેશન પૂછી શકે છે જેથી આપણો સંપર્ક કરીને આગળનાં પગલાં લઈ શકાય. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી, આરોગ્ય સેતુ એપમાં આપણી ઓળખ છતી થાય તેવી વિવિધ બાબતો પૂછવામાં આવતી હોવાને કારણે જ તે ગૂગલ-એપલની સિસ્ટમ સાથે કમ્પેટિબલ નથી. એ પણ નોંધવું અગત્યનું છે કે ગૂગલ અને એપલની આ સિસ્ટમ માત્ર સરકારના આરોગ્ય વિભાગને મદદ કરવા પૂરતી જ છે. અન્ય કોઈ પણ એપ્સને તેની એક્સેસ આપવામાં આવતી નથી.

ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે ગૂગલ-એપલે આપણી પ્રાઇવસી પર કોઈ તરાપ મારી નથી, માત્ર વિવિધ દેશોની સરકારના પ્રયાસોમાં મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. આપણા દેશના કિસ્સામાં બન્યું છે તેમ કોરોના જેવી મહામારીનો સામનો કરવા માટે આપણને આરોગ્ય સેતુ એપને પોતાની વિગતો આપવામાં વાંધો ન હોય તો આપણે ગૂગલ-એપલની સિસ્ટમની કોઈ જરૂર પણ નથી.

પ્રાઇવેટ ટ્રેકિંગ કેવી રીતે કામ કરે છે

  • ગૂગલ-એપલમાં બ્લુટૂથ આધારિત ટ્રેકિંગ પ્રાઇવસી જાળવીને કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું ખરેખર રસપ્રદ છે
  • વિવિધ દેશોની સરકારો કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્સ વિકસાવી રહી છે. ગૂગલ-એપલની સર્વિસ આ એપ્સના પૂરક તરીકે કામ કરે છે અને યૂઝરની પ્રાઇવસી જાળવવામાં મદદ કરે છે.
  • સરકારી એપના સાથમાં, આ સર્વિસ ઓન કર્યા પછી, આપણા ડિવાઇસનો એક રેન્ડમ આઇડી જનરેટ થાય છે. ઓળખ કે લોકેશન છતા ન થાય એ માટે આ આઇડી દર 10-20 મિનિટે બદલાય છે.
  • બ્લુટૂથની રેન્જમાં આવતા અન્ય ડિવાઇસ સાથે આપણું ડિવાઇસ, રેન્ડમ આઇડીની આપલે કરે છે. એ માટે એપ સતત ઓન રાખવી જરૂરી નથી.
  • ફોનમાં જળવાતા અન્ય રેન્ડમ આઇડીના લિસ્ટને સતત તપાસવામાં આવે છે અને તેમાંનું કોઈ આઇડી કોવિડ-10 પોઝિટિવ જાહેર થયેલા કેસ સાથે મેચ થાય છે કે નહીં તે જોવામાં આવે છે
  • જો આપણા ફોનમાંનું કોઈ આઇડી પોઝિટિવ કેસ સાથે મેચ થતું હોય તો સત્તાવાર એપ દ્વારા આપણને આગળ શું પગલાં લેવાં તેની જાણ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

ઓનલાઇન સેશનમાં પીએમ મોદીએ કહ્યું, જયેશ ક્યા છે દેખાતો નથી, બધુ બરાબર છે?

Nilesh Jethva

દિયોદર પંથકમાં વરસ્યો વરસાદ, ખેતીપાકને પણ નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી

pratik shah

અમેરિકાના વિદેશ પ્રધાનના નિવેદનથી મધ્ય-પૂર્વના દેશોમાં અશાંતિની આશંકા, આ દેશ આપી રહ્યો છે આતંકવાદીઓને શરણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!