GSTV

સરકાર ફેલ/ 2 દિવસમાં 8000નાં મોત, નવા કેસ 4.12 લાખ, દૈનિક કેસ 5 લાખે પહોંચવાની આગાહી

કોરોના

Last Updated on May 7, 2021 by Damini Patel

ભારતમાં નિષ્ણાતોની આગાહી મુજબ કોરોના મહામારીની બીજી લહેર વધુ ને વધુ વિકરાળ બની રહી છે. દેશમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાથી ૪,૦૦૦ દર્દીનાં મોત થયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. દેશમાં સતત બીજા દિવસે એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

વધુમાં કોરોનાના નવા કેસ પણ ૪.૧૨ લાખ નોંધાયા છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના ચાર લાખ કરતાં વધુ કેસ નોંધાયા છે. દેશમાં નિષ્ણાતોએ કોરોનાની બીજી લહેરમાં મે મહિનાના મધ્ય સુધીમાં દૈનિક કેસ પાંચ લાખ સુધી અને એક્ટિવ કેસ ૫૦ લાખ સુધી વધવાની આગાહી કરી છે.

સતત મૃત્યુની સંખ્યામાં વધારો

કોરોના

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩,૯૮૦ના મોત નીપજ્યાં હતા, તેમજ કોરોનાના નવા ૪.૧૨ લાખ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૨.૩૦ લાખ અને કુલ કેસ ૨.૧૦ કરોડને પાર થઈ ગયા છે. એક્ટિવ કેસ પણ વધીને ૩૫.૬૬ લાખ થયા છે, જે કુલ કેસમાં ૧૬.૯૨ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧.૭૨ કરોડ દર્દીઓ સાજા થયા છે. જોકે, રીકવરી રેટ ઘટીને ૮૧.૯૯ થયો છે અને મૃત્યુદર ૧.૦૯ ટકા નોંધાયો છે.

દેશમાં કોરોનાના નવા કેસમાં ૭૨ ટકાથી વધુ કેસ ૧૦ રાજ્યોમાં નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે. એ જ રીતે દેશમાં કુલ એક્ટિવ કેસમાંથી ૮૧.૦૫ ટકા કેસ ૧૨ રાજ્યોમાં નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૯.૩૪ લાખથી વધુ સત્રોમાં કોરોનાની રસીના ૧૬.૨૫ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં ૧લી મેથી ૧૮થી ૪૪ વર્ષની વયજૂથના લોકોને રસી આપવાનું શરૂ થયું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ ૧૨ રાજ્યોમાં આ વયજૂથમાં ૯,૦૪,૨૬૩ લાભાર્થીઓએ રસીનો પહેલો ડોઝ મૂકાવ્યો છે.

18થી વધુ વર્ષના લોકોમાં રસીકરણ શરુ

દેશમાં ૧૮થી ૪૪ વર્ષની વયજૂથના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું ત્યારથી રસીના અલગ અલગ ભાવનો મુદ્દો સતત ચર્ચાતો રહ્યો છે. ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટયૂટે કોરોનાની રસીના કેન્દ્ર, રાજ્યો અને ખાનગી હોસ્પિટલો માટે અલગ અલગ ભાવની જાહેરાત કરી છે. આવા સમયમાં આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર સી. રંગરાજને ગુરુવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશમાં બધા જ લોકોના રસીકરણની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન હાથ ધરવું જોઈએ જ્યારે રાજ્યોએ હોસ્પિટલોમાં બેડ, મેડીકલ સાધનો અને મેડીકલ સ્ટાફની ભરતી જેવા અન્ય હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર ખર્ચ કરવો જોઈએ. રસીકરણ ખૂબ જ મહત્વનું છે તેથી તે કેન્દ્રીય સ્તરે થવું જોઈએ અને રસીકરણ માટેનો ખર્ચ કેન્દ્ર સરકારે ભોગવવો જોઈએ.

દરમિયાન નેશનલ સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ (એનસીડીસી)ના ડિરેક્ટર સુજીત સિંહે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં યુકે સ્ટ્રેન વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો છે જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં મોટાભાગે કોરોનાના ડબલ મ્યુટન્ટ વાઈરસે કેર મચાવ્યો છે.

Read Also

Related posts

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!