GSTV

ચીનના કોરોના વાયરસથી મોદી સરકારનું સપનું નહીં થાય પૂર્ણ, ખેડૂતોની કમાણીને પડશે મોટો ફટકો

ચીન સાથેના વેપારમાં પેમેન્ટ મોડા થવાની પણ આશંકા હોવાથી નિકાસકારો સાવધ : ૫ લાખ ગાંસડી ફેબ્રુઆરીમાં રૂની નિકાસ થવાની આશા : રૂ, કેસ્ટર ઓઈલ, મરચાં, જીરું, તલ અને સિંગદાણાના વેપારને થઈ અસર : કોરોના વાયરસને નાથવામાં સરકાર સફળ રહી તો પણ ૧૦થી ૧૫ ટકા નિકાસ માર્કેટને પડશે ફટકો

ખે ડૂતો અને કૃષિક્ષેત્રના વિકાસ માટે નિકાસ માર્કેટ સ્ટ્રોન્ગ હોવું એ પાયાની જરૂરિયાત છે. દેશની કુલ એગ્રિકલ્ચર પ્રોડક્ટસની નિકાસમાં ૪૦ ટકા નિકાસ ડિસેમ્બરથી લઇને મે સુધી થતી હોય છે. ભારતમાંથી સૌથી વધારે એગ્રિ પ્રોડક્ટસ યુએસ ખરીદતું હોવા છતાં ચીન સાથે નિકાસ બજાર વધીને ૨,૨૫૬ મિલીયન ડોલરે પહોંચી છે. જેમાં સૌથી વધારે નિકાસ રૂ અને કેસ્ટર ઓઈલની રહે છે. હાલમાં કોરોના વાયરસની અસરને પગલે ભારતના એગ્રિકલ્ચર માર્કેટને સૌથી મોટી અસર પડી છે. એમાંયે ગુજરાતને મોટો ફટકો પડ્‌યો છે. ચીનની ભારતમાંથી રૂ, કેસ્ટર ઓઈલ, મરચાં, જીરું, તલ, ફળ અને સિંગદાણાની માગ રહેતી હોય છે. હાલમાં આ તમામ માર્કેટ ઠપ થઈને પડ્‌યાં છે. ફેબ્રુઆરીમાં ૫ લાખ ગાંસડી રૂની નિકાસ થવા પર હવે શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. દેશમાંથી ૪૨ લાખ ગાંસડી રૂની નિકાસમાં ૧૦ લાખ ગાંસડી ચીન જાય છે. દેશમાંથી ૪.૫૦ લાખ ગાંસડી રૂની નિકાસ થઈ ચૂકી છે. આવી જ સ્થિતિ અન્ય કોમોડિટી પાકોની છે. ભારતમાંથી નિકાસ કરાતી કેટલીક મુખ્ય કોમોડિટીનો ૨૦થી ૩૦ ટકા જથ્થો ચીનમાં મોકલાય છે. હાલની પરિસ્થિતિ જોતા આ તમામ કોમોડિટીની ચીનમાં નિકાસ ૧૦થી ૧૫ ટકા જેટલી ઘટવાની ભીતિ છે.

  • ચીનમાં કોરોના વાયરસની અસર વિયેતનામ અને થાઈલેન્ડ સુધી લંબાઈ છે
  • દેશમાં પ્રોસેસ્ડ થતા ફૂડ પ્રોડકટસ અને કૃષિ પેદાશો માટે ચીનમાં બજાર મળી રહે તે માટે ભારત સતત પ્રયત્નશીલ
  • ગુજરાતને કપાસ અને કેસ્ટર ઓઇલને લઇને વધારે નુક્સાન
  • કોરોના વાયરસથી ખેતીને સૌથી મોટી અસર
  • કુલ નિકાસમાંથી ૬૦ ટકા મરચું ચીનમાં જાય છે
  • જીરા જેવી સ્થિતિ તલમાં સર્જાઇ

એશિયામાં અરાજકતાના માહોલ વચ્ચે સૌથી મોટી અસર એગ્રિકલ્ચર પ્રોડક્ટસની નિકાસ પર પડી રહી છે. ચીનમાં કોરોના વાયરસની અસર વિયેતનામ અને થાઈલેન્ડ સુધી લંબાઈ છે તો ઈરાન અને અમેરિકા વચ્ચે ટેન્શનની અસરને પગલે બાસમતી ચોખાની નિકાસને સીધી અસર પડી રહે છે. જેને પગલે બાસમતી ચોખાની નિકાસમાં ૨૦થી ૨૫ ટકાનો ઘટાનો થવાની સંભાવના હાલમાં વ્યક્ત કરાઈ રહી છે. ચીનના માર્કેટ ઠપ હોવાને કારણે ભારતમાંથી થતી એગ્રિકલ્ચર નિકાસને પણ અસર પહોંચી છે.
ફેબ્રુઆરીમાં ૧૦ લાખ ગાંસડી રૂની નિકાસ થશે એમાંથી ૫ લાખ ગાંસડી ચીનમાં થવાની આશા છે. ૩ લાખ ગાંસડી બાંગ્લાદેશ અને એક-એક લાખ ગાંસડી વિયેતનામ અને ઇન્ડોનેશિયા જશે. સિઝનમાં ૪૨ લાખ ગાંસડી નિકાસ થવાની સંભાવના છે. જોકે, આયાત પણ ૨૫ લાખ ગાંસડી રહેશે. ભારતમાં નવી સિઝનમાં કપાસનું બમ્પર ઉત્પાદન થવાની સંભાવના છે. કોટન એસોસિયેશનના જાન્યુઆરી મહિનાના અંદાજ મુજબ દેશમાં ચાલુ સિઝનમાં ૩૫૪ લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થશે. કોટન એસોસિયેશનના અંદાજ અનુસાર દેશમાં કપાસની કુલ ઉપલબ્ધતા ૪૧૧ લાખ ગાંસડી રહેશે. જેમાં આયાત અને ઉત્પાદન સાથે ગત વર્ષનો ૩૨ લાખ ગાંસડી સ્ટોક પણ સામેલ છે. રૂની સ્થાનિકમાં વપરાશ ૩૩૧ લાખ ગાંસડી અને ૪૨ લાખ ગાંસડી નિકાસને અંતે અંતિમ સ્ટોક ૩૮.૫૦ લાખ ગાંસડી રહેવાની સંભાવના છે. ચીનમાં કોરોના વાયરસના પ્રકોપને પગલે ભારતમાં રૂની નિકાસ પ્રભાવિત થશે આ સિવાય કેસ્ટર ઓઇલ અને મગફળીની નિકાસને પણ અસર પહોંચશે. વિશ્વમાં સૌથી સસ્તું રૂ હાલમાં ભારતમાં છે. દેશમાં ૨૩.૫૦ લાખ ગાંસડી સ્ટોક વચ્ચે ૨૪ લાખ ગાંસડી આયાત થશે. ચીન સાથેના વેપારમાં પેમેન્ટ મોડા થવાની પણ આશંકા હોવાથી નિકાસકારો સાવધ બન્યા છે.

5000 કરોડના મરચાંના વેપારને ફટકો

ચીનમાં કોરોના વાયરસને પગલે ભારતમાંથી ચીનની લાલ મરચાંની માગ બંધ થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશ અને તેલંગણાના ખેડૂતો સૌથી વધારે નુક્સાન ભોગવી રહ્યાં છે. જેના ભાવની અસરથી ગુજરાતના ખેડૂતો પણ બાકાત નથી. દેશમાંથી ૫૦૦૦ કરોડની તેજાના, મરચાંની નિકાસ ચીનમાં થાય છે. કુલ નિકાસમાંથી ૬૦ ટકા મરચું ચીનમાં જાય છે. તેજા નામના મરચાંની નિકાસ બંધ હોવાની અસર ખેડૂતોને પડી રહી છે. હાલમાં આ મરચાંના ભાવ ઘટી રહ્યાં છે. ખેડૂતો સ્ટોક માટે ગોડાઉન અને વીમાની દક્ષિણ ભારતમાં માગ કરી રહ્યાં છે. મરચાંમાંથી તેલ કાઢી લીધા બાદ રહી જતા શેષને ચીલી મીલ (કૂચા) કહેવાય છે. આ કૂચાનો ઉપયોગ ચીલી સોસ તથા અન્ય પ્રોડકટસના ઉત્પાદન માટે કરવામાં આવે છે. ભારત ખાતેથી મસાલાની થતી નિકાસમાં મરચાંની નિકાસ સૌથી વધુ થાય છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી ચીન મોટો ખરીદદાર દેશ રહ્યો છે. વિશ્વમાં ભારત મરચાંનો સૌથી મોટો ઉત્પાદક, વપરાશકાર અને નિકાસકાર દેશ છે. દેશના વિવિધ રાજ્યો મહારાષ્ટ્ર, આન્ધ્ર પ્રદેશ, કર્ણાટક તથા મધ્ય પ્રદેશના મળીને કુલ ૭,૯૨,૦૦૦ હેકટર વિસ્તાર પર લાલ મરચાંની ખેતી થાય છે. મરચાંનું વાવેતર ઓગસ્ટ -સપ્ટેમ્બરમાં થાય છે અને તેની લણણી માર્ચ-એપ્રિલમાં થાય છે. યુનાઈટડે નેશન્સના ફૂડ અને એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ પ્રમાણે ભારત ૩૦ લાખ ટન સુકા મરચાં અને મરીનું ઉત્પાદન કરે છે. દેશમાં ૧૩ લાખ ટન લાલ મરચાંના ઉત્પાદનમાંથી ૭૦ ટકા ઘરઆંગણે જ વપરાય જાય છે, બાકીના મરચાંની નિકાસ કરવામાં આવે છે. દેશમાં પ્રોસેસ્ડ થતા ફૂડ પ્રોડકટસ અને કૃષિ પેદાશો માટે ચીનમાં બજાર મળી રહે તે માટે ભારત સતત પ્રયત્નશીલ રહ્યું છે.

50 હજાર ટન જીરુંની નિકાસ હાલમાં અટવાઈ

દેશમાંથી દર વર્ષે લગભગ દોઢ લાખ ટન જીરાની નિકાસ કરાય છે જેમાંથી ૫૦,૦૦૦ ટન માલ ચીનમાં મોકલાય છે. સામાન્ય રીતે દરરોજ ૧૦ કન્ટેઇનરમાં ૨૬૦૦ ટન જેટલા જીરાની નિકાસ થતી રહે છે. જો કે હાલ કોરોના વાયરસ ફેલાઇ જતા કામકાજ અટકી ગયા છે. જીરા જેવી સ્થિતિ તલમાં સર્જાઇ છે. દેશમાંથી નિકાસ થતા તલનો ૩૦ ટકા જથ્થો ચીનમાં જાય છે અને તેને પણ આ જીવલેણ વાયરસની માઠી અસર થઇ છે.ચીનમાં તલની નિકાસ ચાલુ વર્ષે ૧૦થી ૧૫ ટકા જેટલી ઘટવાની આશંકા છે. ભારતમાંથી તલની વાર્ષિક નિકાસ ૨,૫૦,૦૦૦ ટન જેટલી છે. જેમાં ચીનનો હિસ્સો ૨૦ ટકા છે. જો આવી પરિસ્થિતિ એક-બે મહિના યથાવત રહી તો ચીનમાં તલની નિકાસ ૧૦થી ૧૫ ટકા ઘટી શકે છે.

દિવલેની નિકાસ ઘટી તો એરંડાના ભાવને થશે અસર

ચીન વિશ્વમાં સોયાબીન તથા કોટનનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. વર્ષ ૨૦૧૯-૨૦માં એપ્રિલથી જૂન સુધીમાં દિવેલ તેલની નિકાસ ૧,૫૮૧ કરોડ રૂપિયાની થઈ છે. ગત વર્ષે આ સમયગાળામાં આ આંક ૧,૫૫૩ કરોડ રૂપિયા હતો. દિવેલની સૌથી વધારે નિકાસ એ ચીનમાં થાય છે. સીના આંક અનુસાર ભારતમાં દિવેલની નિકાસ ૫.૭૧ લાખ ટન થઈ હતી. વર્ષ ૨૦૧૭-૧૮માં પણ દિવેલની નિકાસ ૬.૫૧ લાખ ટન થઈ હતી. એટલે કે ભારતને ૬,૨૪૫ કરોડ રૂપિયાનો ફાયદો મળ્યો હતો. રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી સીંગદાણા, સીંગતેલ, રૂ, તલ જેવી કોમોડીટીની ચીનમાં સારી એવી માત્રામાં નિકાસ થાય છે. કેટલાક વખતથી કોરોના વાઈરસને કારણે ચીનમાં હાહાકાર છે. સૌરાષ્ટ્રમાંથી અત્યાર સુધીમાં ૩૦થી ૩૫ હજાર ટન સીંગતેલની નિકાસ થઈ ગઈ છે. તેમાં નવા વેપાર નથી. કનસાઈનમેન્ટ બાકી હોય તેમાં પણ અવરોધ નથી. એરંડાનો નવો પાક માથે છે અને નિકાસ વેપાર અંગે આશંકા ઉભી થઈ હોવાના કારણોસર એરંડાના ભાવ પણ ઘટી ગયા છે. ટુંકાગાળામાં એરંડાનો ભાવ રૂ.૪૧૮૦થી ઘટીને ૪૦૫૦ થયો છે. દિવેલના સરેરાશ બે લાખ ટનના નિકાસ વેપાર થતા હોય છે.

ચોખાની નિકાસને પણ થઈ અસર

દેશમાંથી બાસમતી ચોખાની નિકાસને કોરોના વાયરસ અને યુએસ અને ઇરાન વચ્ચે વધતી તંગદીલીને પગવે ૨૫થી ૩૦ ટકાનો ફટકો પડશે. ૨૦૧૯માં ઇરાનને ૧૦,૫૦૦ કરોડના બાસમતી ચોખાની નિકાસ થઈ હતી. જેમાં આ વર્ષે મસમોટો ઘટાડો આવશે. દર વર્ષે ૧૦૦ લાખ ટન ચોખાની નિકાસ થાય છે. આ વર્ષે અંતમાં ૨૦ લાખ ટનનો ઘટાડો નોંધાશે. થાઈલેન્ડ અને વિયેતનામની ખરીદીને પણ અસર પહોંચી છે.

સોથી વધારે અસર રૂના માર્કેટને નડી

ચીનમાં કોરોના વાયરસને પગલે ભારતની કપાસ નિકાસ પર સૌથી મોટી અસર પડી છે. ભારત વિશ્વમાં સૌથી મોટો રૂ ઉત્પાદક દેશ છે અને ચીન એ સૌથી મોટો આયાતકાર દેશ, આ મહિને ચીનમાં ૫ લાખ ગાંસડી રૂની નિકાસ થવાની સંભાવના હતી. જોકે, કોરોના વાયરસને પગલે ચીનની નિકાસને અસર પડી શકે છે. આ કપાસ સિઝન ૨૦૧૯-૨૦માં ભારતે ૪ લાખ કપાસની નિકાસ ચીનને કરી છે. ફેબ્રુઆરીમાં ૫ લાખ ગાંસડી નિકાસની આશા હવે ફળી ભૂલ નહીં થાય. ભારતે ચાલુ સિઝનમાં ૨૦ લાખ ગાંસડી રૂની નિકાસ કરી છે. જેમાં ૧૨ લાખ ગાંસડી રૂની નિકાસ બાંગ્લાદેશ, ૪ લાખ ચીન અને બાકીની ૪ લાખ વિયેતનામ સહિતના દેશોમાં થઈ છે. ભારતે ચાલુ વર્ષે અત્યારસુધીમાં ૬.૫૦ લાખ ગાંસડીના સોદા કર્યા છે.

Related posts

IPL 2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva

પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ આવી એક્શનમાં, આ સંભવિત ઉમેદવારો પર લગાવી શકે છે દાવ

Nilesh Jethva

ખેડૂતો આનંદો/ સરકારની આ યોજના હેઠળ ખેતરને આપો ભાડે, 4 ગણી વધશે તમારી કમાણી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!