કોરોનાકાળનું સૌથી કરૂણ પાસું છે, એકાંતભર્યુ અને ગૂંગળાવી નાખે તેવું મોત. એક આખરી સ્પર્શ, એક આખરી શબ્દ, એક આખરી વિદાય…કાંઇ જ કરવા નથી દેતો આ કોરોના. મોતના આ નવા નામે જિંદગીના છેલ્લા સંસ્કાર, અંતિમ સંસ્કારને પણ અધૂરો રાખી દીધા છે.
માણસને એક દિવસ મરવાનું છે તે નિશ્ચિત છે. મોત ઘણાં નિમિત્ત લઇને આવે છે, પણ મોટા ભાગના કિસ્સામાં વ્યક્તિની અંતિમ ક્ષણોમાં સ્વજનો તેની પાસે હોય છે. અંતિમ ક્ષણોમાં સ્વજનોને સાથે રાખવા પાછળ આખું મનોવિજ્ઞાન છુપાયેલું છે. પણ કોરોનાએ તો આખી સિસ્ટમ જ ધ્વસ્ત કરી નાંખી છે. પીપીઇ કીટમાં લપેટાયેલો પાર્થિવ દેહ છેલ્લે એકલો અટૂલો જ રહે છે.મા પોતાના બાળકને છાતી સરસોં ચાંપી નથી શકતી કે દીકરાઓ આખરી ક્ષણમાં ચરણ સ્પર્શ નથી કરી શકતા. કોરોનાએ મોતને બેજાન પૂતળાથી પણ વધુ બિહામણું બનાવી દીધું છે. કોરોના કાળની આ કરૂણ વિડંબના છે.
અમદાવાદના સ્મશાનગૃહના દ્રશ્યો પણ કંઈક આવા જ છે. એક સાથે આટલી બધી ચિતાઓની તૈયારીઓ, મોતનો આવો દોર ક્યારેક જ જોવા મળે છે. કોરોના વાયરસે ખરેખર મોતને ખોફનાક બનાવી દીધું છે. કાંધ આપવાનો નિયમ તો કોરોનાએ ધરમૂળથી કાઢી નાંખ્યો છે. પાર્થિવ દેહ અછૂત, પેકિંગમાં લપેટાતા છેલ્લા સંસ્કારના વિધિ વિધાન પણ અધૂરા રહી જાય છે. આ રીતે વ્હાલસોયાની આખરી વિદાય અસહ્ય પીડાદાયક છે. કેટલાય સ્વજનોને મુખાગ્નિ નસીબ નથી થઇ, કેટલાયના મૃતદેહ સ્વજનો લેવા જ નથી આવ્યા.
અસ્થિ વિસર્જન કરવાવાળા કોઇ નથી. તો સમાજ જે નિયમોને સદીઓથી પાળતો આવ્યો છે તે હવે કોરોનાના અભિશાપથી તૂટી રહ્યા છે. કોરોનાથી થતા મોત આ બધી નિયમોને સાથે સ્મશાન લઇ ગયા છે. માણસ સામાજિક પ્રાણી છે, એકલતા એને વ્યાકુળ કરે છે. પણ કોરોનાના કાળનો કોળિયો બનેલા લોકો સાથે આખરી યાત્રામાં સ્મશાન સુધી પણ આવનાર કોઇ નથી. વિલાપની આ ક્ષણો સદીઓથી અંતિમ શ્વાસનો સાક્ષી ભાવ રહી છે. પરંતુ રડતા આ ચહેરાઓ અસહાય છે. મોતની ગોદમાં સમાયેલા જીવો માટે ન સ્નાન…ન કાંધ, ન અર્થી, ન આખરી વિદાય……..કોરોનાથી પણ વધુ ભયાનક બિમારીઓ રોજ કેટલાય લોકોને ભરખી જાય છે.પરંતુ મોતનું આટલું અસહાય રૂપ આ સદીનું બિહામણુ સત્ય છે. ડરની વચ્ચે જીવી રહેલા લોકો ઇશ્વરને કહે છે કે પ્રભુ શું તારી પાસે મૃત્યુની આસાની માગવાનું પણ છોડી દઇએ ?
READ ALSO
- અમદાવાદી વેપારીએ સીઆઈડી ક્રાઇમ પર લગાવ્યો આક્ષેપ
- વેક્સિન/ મોદી સરકારનો રાજ્ય સરકારોને આદેશ, અફવાઓ ફેલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરો, એક પણને છોડશો નહીં
- અંધશ્રદ્ધા/ કલયુગ સતયુગમાં ફેરવાશે અને થોડા કલાકોમાં દૈવી શક્તિથી દિકરીઓ જીવતી થશે, ઉચ્ચ શિક્ષિત માતા-પિતાએ પુત્રીઓને પતાવી દીધી
- પત્ની બીજે ભાગી જતા જજનું પતિને આશ્વાસન, ‘હવે તેને ભૂલી જાઓ ને બીજી શોધવા લાગો’
- ICAI CAનું આ તારીખે જાહેર થશે રિઝલ્ટ: icai.org નામની વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે ચેક, જાણી લો કેવી રીતે