GSTV

ઉત્સાહમાં આવી જઈ ઘરમાંથી નીકળી થાળીઓ વગાડવી ભારે પડી, પોલીસે 19 સામે નોંધાવી ફરિયાદ

રવિવારે જનતા કફયુર્ના દિવસે અમદાવાદના ખાડિયામાં સેંકડો લોકો રોડ પર આવવાના મામલે આખરે પોલીસ કાર્યવાહી થઈ છે. અને ખાડિયા પોલીસે 19 લોકોની અટકાયત કરીને ગુનો નોંધ્યો છે. સમગ્ર દેશમાં જનતા કફયુર્ના દિવસે તાળી નાદના કાર્યક્રમ હતો. અને ખાડિયામાં કેટલાય લોકો એક સાથે રસ્તા પર જોવા મળ્યા હતા. જેની નોંધ સીએમ રૂપાણીએ પણ લીધી હતી. ખાડિયામાં રવિવારે આરોગ્ય, પોલીસ, ફાયર, મીડિયાકર્મીઓ સહિતના લોકોના આભાર માટે ખાડિયાના સ્થાનિકો ઘરની બહાર નિકળ્યા હતા. જેથી પોલીસે તેમની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ગઈ કાલે ભારતે સ્વયંભૂ બંધ પાડ્યું

ભારતમાં રવિવારે જનતા દ્વારા જડબેસલાક રીતે જનતા કરફ્યુના પાલન વચ્ચે બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના વાઈરસથી એક-એક એમ કુલ ત્રણનાં મોત નીપજતાં દેશમાં કુલ મૃત્યુઆંક 7 થયો હતો અને કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 365 થઈ ગઈ હતી. કેન્દ્ર સરકારે દિલ્હીના સાત સહિત 75 જિલ્લાઓમાં 31મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. બીજીબાજુ જનતા કરફ્યુને અભૂતપૂર્વ પ્રતિસાદ આપતાં દેશના મોટાભાગના રાજ્યોમાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.

દેશની 130 કરોડથી વધુની જનતા એકંદરે ઘરોમાં કેદ રહી હતી. વધુમાં સાંજે પાંચ વાગ્યે થાળી, શંખ, ઢોલ વગાડીને કોરોના સામેની લડાઈ લડી રહેલા પોલીસ જવાનો, ડોક્ટર્સ, નર્સ, મીડિયા વગેરેને સમર્થન આપવાની વડાપ્રધાન મોદીની પહેલને પણ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. પટણા સ્થિત એઈમ્સના સુપરીન્ટેડેન્ટે 38 વર્ષીય યુવાનનું મોત કોરોનાના કારણે થયું હોવાનું જણાવ્યા છતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની પુષ્ટી કરી નથી. આ યુવાન તાજેતરમાં કતાર જઈને આવ્યો હતો અને તેને કિડનીની બીમારી પણ હતી.

બિહાર ઉપરાંત કોરોનાના કારણે મુંબઈમાં 63 વર્ષના વૃદ્ધ અને સુરતમાં 67 વર્ષનાં વૃદ્ધનું મોત નીપજતાં દેશમાં એક જ દિવસમાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. ભારતમાં એક જ દિવસમાં કોરોનાથી ત્રણનાં મોતની આ પહેલી ઘટના છે.અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં બે, કર્ણાટક, દિલ્હી, બિહાર અને ગુજરાતમાં એક-એક વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘જનતા કરફ્યુ’ની અપીલ કરી હોવાથી કરોડો દેશવાસીઓ તેમના ઘરોમાં કેદ રહ્યા હતા. કેન્દ્ર સરકારે કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે તેવા 22 રાજ્યોના 75 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરત કરી હતી. આ બધા જ જિલ્લાઓમાં માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહી હતી તેમ કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના ભયના પગલે 25 માર્ચ સુધી 15 જિલ્લાઓને તાળાબંધી કરી દેવાઈ છે. આ જિલ્લાઓમાં આગરા, બરેલી, લખનઉ, નોઈડા, ગોરખપુર, મુરાદાબાદ, આઝમગઢ, લખીમપુર-ખીરી, સહારનપુર, મેરઠ, પ્રયાગરાજ, વારાણસી, કાનપુર અને અલગીઢનો સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન આ જિલ્લાઓમાં રાશન, હોસ્પિટલ, મેડિકલ જેવી જરૂરી સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે.

ઉત્તર પ્રદેશમાં કોરોના પોઝિટિવના 34 કેસ નોંધાયા છે, જેમાંથી 9 દર્દી સાજા થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં સોમવારથી 27મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે કોરોનાના ટેસ્ટિંગનું પ્રમાણ વધારવાના તેઓ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોવિડ-19ના આડેધડ ટેસ્ટિંગ કરવા માગતા નથી.હાલ તેઓ માત્ર જે લોકોમાં લક્ષણ દેખાય તેમના જ ટેસ્ટિંગ કરી રહ્યા છે. 10 લાખ જવાનોને સમાવતા આૃર્ધલશ્કરી દળોને પણ તેઓ જ્યાં હોય ત્યાં 5મી એપ્રિલ સુધી રહેવા નિર્દેશ અપાયા છે તેમ અિધકારીઓએ જણાવ્યું હતું.

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્યના સાત જિલ્લાઓમાં પણ 31મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. આ દરમિયાન બધા જ બજારો, વ્યાપારિક સંસ્થાઓ, દુકાનો, જાહેર પરિવહનો બધું જ બંધ રહેશે. પડોશી રાજ્યોની સરહદો પણ સીલ કરી દેવાઈ છે. કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં કોરોના વાઈરસના 27 કેસ છે, જેમાંથી 6 ટ્રાન્સમિશનના કેસ છે. એટલે કે આ છ કેસ એવા છે, જેમને કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાથી કોરોના થયો છે. બાકીના 21 કેસ વિદેશી આવેલા લોકોના છે.

એક સપ્તાહના જનતા કરફ્યુની જરૂર : નિષ્ણાતો

કોરોનાનો પ્રસાર અટકાવવા માટે દેશવાસીઓએ એક દિવસના જનતા કરફ્યુનું જડબેસલાક પાલન કર્યું હતું. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં કોરોનાના સ્ટેજ થ્રી શરૂ થઈ ગયું છે ત્યારે કોરોનાને હરાવવા માટે એક દિવસ નહીં એક સપ્તાહ સુધી જનતા કરફ્યુ કે લોકડાઉન કરવાની જરૂર છે. સિનિયર સાયન્ટીસ્ટ અને પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર ભૂપિંદર સિંહ ભૂપે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં કોરોનાનું સ્ટેજ થ્રી શરૂ થઈ ગયું છે, જે કોમ્યુનિટી ટ્રાન્સમિશન સુધી પહોંચ્યું છે. તેનો વિસ્તાર થશે તો પરિણામો ભયાનક હશે. રવિવારે જનતા કરફ્યુના પગલે લગભગ સમગ્ર દેશમાં 36 કલાક સુધી કરફ્યુ જેવી સ્થિતિ રહી હતી. આથી કોરોના ઘણા અંશે હાર્યો છે, પરંતુ તેને આગળ વધતો અટકાવવા માટે એક સપ્તાહ સુધીના લોકડાઉનની જરૂર છે. ચીને પણ લગભગ એક સપ્તાહ સુધી વુહાન શહેરને લોકડાઉન કરીને કોરોના પર નિયંત્રણ મેળવ્યું હતું. અનેક વૈજ્ઞાનિકોએ સરકારને આ અંગે ઝડપથી નિર્ણય લઈને લોકડાઉનના દિવસો વધારવા માગ કરી છે.

કોરોના વાઈરસ : ઈટાલીથી 263 ભારતીયોને પરત લવાયા

ચીનની બહાર કોરોના વાઈરસનું એપી સેન્ટર બનેલા ઈટાલીમાં ફસાયેલા 263 ભારતીયોને એર ઈન્ડિયાના એક વિશેષ વિમાનમાં રવિવારે ભારત પરત લવાયા હતા. ઈટાલીમાં કોરોના વાઈરસે કેર મચાવ્યો છે ત્યારે 263 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન રવિવારે દિલ્હી પહોંચ્યું હતું. દિલ્હી એરપોર્ટથી આ ભારતીયોને આઈટીબીપીની ક્વોરેન્ટાઈન સુવિધામાં લઈ જવાયા હતા તેમ અધિકારીઓએ કહ્યું હતું.એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે 263 ભારતીયોને લઈને આવેલી એક વિશેષ ફ્લાઈટે રવિવારે સવારે 10.00 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. એર ઈન્ડિયાના આ વિમાને ભારતીયોને પરત લાવવા માટે શનિવારે દિલ્હી એરપોર્ટથી ઉડ્ડયન કર્યું હતું. ઈટાલીથી આવેલા બધા જ 263 લોકોના એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ અને ઈમિગ્રેશન પછી દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના છાવલા વિસ્તારમાં આઈટીબીપીના ક્વોરેન્ટાઈન કેન્દ્રમાં લઈ જવાયા હતા.ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ક્વોરેન્ટાઈન સુવિધામાં 15મી માર્ચથી 215 ભારતીયોને રખાયા છે. તેમને પણ રોમમાંથી જ એર ઈન્ડિયાના એક વિશેષ વિમાનમાં ભારત લવાયા હતા. આ સુવિધા કેન્દ્રમાં અગાઉ ચીનના વુહાનમાંથી લવાયેલા ભારતીયો અને વિદેશીઓને ક્વોરેન્ટાઈન કરાયા હતા.

READ ALSO

Related posts

વિશ્વમાં કોરોનાનો કોહરામઃ 12.75 લાખ લોકોને સ્પર્શી ગયો વાયરસ, મૃત્યુઆંક 70 હજારે પહોંચવા આવ્યો

Ankita Trada

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજ દરમિયાન કોરના વાયરસથી મોત થાય તો આ સહાય કરાશે

pratik shah

અમદાવદ મ્યુનિસિપલ કમિશ્નરે ચિંતા વ્યક્ત કરી, શહેરમાં કોરોનાના કેસ વધે તેવી શક્યતા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!