કોરોના વાઇરસનો ફેલાવો કરવાનું વધુ અને મધ્યમ જોખમ ધરાવતા 16 ટકા દર્દીઓના કારણે જ કોરોનાનો મહત્તમ ફેલાવો થાય છે. કેન્દ્ર સરકારની અમદાવાદ સ્થિત સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં આ તારણ બહાર આવ્યું છે. કોરોનાના દર્દીઓનું વર્ગીકરણ કરી હાઇ રિસ્ક એટલે કે ઉંચું જોખમ ધરાવતા સાત ટકા અને મોડરેટ રિસ્ક એટલે કે મધ્યમ જોખમ ધરાવતા નવ ટકાનું નિદાન અને સારવાર સાવચેતીથી કરવામાં આવે તો કોમ્યુનિટી ટ્રાન્સમિશન અટકાવી શકાય છે. આ સંસ્થા આઇ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા સ્થાપિત છે અને સર્વેમાં રહેલા તારણો પર ધ્યાન આપવા અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે.

સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
આ સંસ્થાએ મહીસાગર જિલ્લામાં બે હજાર લોકોનો સર્વે હાથ ધર્યો હતો, જે પૈકી 140 વ્યક્તિ કોરોના પોઝિટિવ હતા. 140 ઉપરાંતના લોકો કોરોના પોઝિટિવના પરિવારજનો, પાડોશીઓ અને કોરોના શંકાસ્પદ હતા. આ સર્વેમાંથી જાણવા મળ્યું કે સાત ટકા લોકો હાઇ રિસ્ક એટલે કે વાઇરસ ફેલાવવાનું ઉંચું જોખમ ધરાવે છે, નવ ટકા લોકો મોડરેટ એટલે કે મધ્યમ અને બાકીના 84 ટકા લોકો માઇલ્ડ કે નહીંવત્ જોખમ ધરાવે છે.
કોઇપણ વ્યક્તિના લોહી સહિતના શરીરના પ્રળાહીઓમાં વાઇરસ સમાવવાની ક્ષમતાને વાઇરલ લોડ તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિનો વાઇરલ લોડ વધારે હોય તે વ્યક્તિ વાઇરસના ચેપનો જલદીથી ફેલાવો કરે છે. કોરોનાની સારવાર કરતો મેડિકલ સ્ટાફ પૂરતી સાવચેતી છતાં કોરોનાનો ભોગ બને છે, કારણ કે તેઓ હાઇ રિસ્ક ધરાવતા દર્દીના સંસર્ગમાં આવે છે. હાઇ રિસ્ક ધરાવતા દર્દીઓની લાળમાં પણ વાઇરસ હોય છે અને તેઓ ખાંસી કે છીંક ખાય ત્યારે તો વાઇરસ ફેલાય જ છે પરંતુ આવા દર્દીઓ બોલે ત્યારે પણ તેની લાળમાં રહેલા વાઇરસ પણ હવામાં ભળે છે અને આ પ્રક્રિયાને સસ્પેન્સ ઇરોઝન કહેવામાં આવે છે. નહીંવત્ રિસ્ક ધરાવતા 84 ટકા દર્દીઓ આસપાસ માસ્ક પહેરીને કે થોડી સાવચેતી રાખવામાં આવે તો વાઇરસનો ચેપ લાગતો નથી.

ઇન્સ્ટિટયુટના ડિરેક્ટર ડૉ. કમલેશ સરકારનું કહેવું છે કે દેશની વસતિ સવા અબજ ઉપર છે અને તમામ વ્યક્તિના ટેસ્ટ કરવા શક્ય નથી. તેથી અત્યારની સારવાર અને ક્વોરન્ટાઇનની પદ્ધતિમાં કેટલોક ફેરફાર થવો જોઇએ. હાઇ અને મોડરેટ રિસ્ક ધરાવતા 16 ટકા લોકોની સારવાર અને ક્વોરન્ટાઇનના દિવસોમાં વધારે કરવામાં આવે તે જરૂરી છે. જો આ વ્યક્તિઓ બને તેટલાં ઓછા લોકોના સંપર્કમાં આવશે તો કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ અટકશે અને એક મહિનામાં પરિસ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે. હાલ આ સર્વેના તારણો અમલમાં મૂકાય તે માટેની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે.
દર્દીની વાયરસ ફેલાવાની ક્ષમતા ટેસ્ટમાં જ જાણી શકાય છે
કોરોના ટેસ્ટિંગ માટે દેશમાં આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં આવતા વિવિધ રિડીંગ સાથે સી.ટી.(સાયકલ થ્રેશોલ્ડ) વેલ્યુ નામનું પણ એક રિડીંગ આવે છે. સી.ટી. વેલ્યુ જેટલી વધારે તેટલો વાઇરલ લોડ ઓછો અને સી.ટી. વેલ્યુ જેટલી ઓછી તેટલો વાઇરલ લોડ વધુ. ટેસ્ટના રિપોર્ટમાં જ દર્દીનો વાઇરલ લોડ એટલે કે તેની વાઇરસ ફેલાવવાની ક્ષમતા વધારે. ટેસ્ટના રિપોર્ટમાં જો આ બાબતનો ઉલ્લેખ કરી હાઇ રિસ્ક ધરાવતા દર્દીઓને અલગ રાખવામાં આવે તો ચેપના ફેલાવાને અંકુશમાં રાખી શકાય છે.
Read Also
- બરાબરીની ટક્કર: બૉલીવુડમાં આવતા જ નેપોટિઝ્મ પર બોલ્યા નાગા ચૈતન્ય, કરી આવી વાત
- મોટા સમાચાર/ આ દેશમાં 26/11 જેવો હુમલો : 13 કલાકથી આતંકીઓના કબજામાં હોટલ, મોટા બિઝનેસમેન સહિત 15ના મોત
- ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર
- SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ
- Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી