GSTV
Gujarat Government Advertisement

એગ્રિકલ્ચર/ કોરોનામાં ખેડૂતો તો ડૂબ્યા પણ વેપારીઓ માલામાલ થઈ ગયા, તેલિબીયાંના સંગ્રહખોરોને તો લોટરી લાગી

વેપારીઓ

Last Updated on June 7, 2021 by Bansari

આજકાલ એગ્રી કોમોડિટીમાં ખાસ કરીને ખાદ્યતેલો તથા દાળોમાં દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી સરકાર માટે શિરદર્દ સમાન બની ગયું છે. ઘઉ અને ચોખાને બાદ કરતાં બાકી મોટા ભાગની ખાદ્યચીજોમાં ઉત્પાદનના અંદાજિત આંકડાઓ અને વાસ્તવિકતામાં ખાસ્સો ફરક હોવાથી આગામી સમયમાં ખાદ્યચીજોના ભાવો ઊંચા રહે તેમ છે. સીંગતેલ, સરસો તેલ તથા સોયાબીન તેલ જેવા ખાદ્ય તેલોમાં છેલ્લા એક વર્ષમાં પ્રતિ લિટરે ૩૦થી ૭૦ રૂપિયાનો ઉછાળો થયો છે. દાળોમાં પણ ચણા તથા મસૂર દાળનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવો તેજી તરફી આગળ વધી રહ્યા છે.

કોરોના

વેપારી એસોસિએશનોએ ડયુટી ફ્રી આયાત વિદેશથી કરવા માંગ કરી

દાળોમાં હાલનો સ્ટોક લાંબો સમય ચાલે તેટલો નહિ હોવાથી વેપારી એસોસિએશનોએ ડયુટી ફ્રી આયાત વિદેશથી કરવા માંગ કરી છે. સરકારી અંદાજો પ્રમાણે વર્ષ ૨૦૨૦-૨૧માં સોયાબીનનો પાક ૧૩૪ લાખ ટન તથા સરસવ-રાયડાનો પાક ૧૦૦ લાખ ઉપરાંત થયો હતો. જો સરકારી અંદાજો પ્રમાણે ઉત્પાદન થયું હોત તો તેજીને કોઇ અવકાશ રહેતો નથી. પરંતુ બજારની અસલી વાસ્તવિકતા પ્રમાણે સોયાબીનના ભાવો પ્રતિ ક્વિન્ટલે રૂા. ૭૨૦૦/-ની આસપાસ છે જે ટેકાના ભાવો રૂા. ૩૮૮૦/- કરતાં આશરે ૭૦ ટકા વધુ છે. તેજ પ્રમાણે રાયડા-સરસવમાં પણ તેજીને કારણે તેના ભાવો પ્રતિ ક્વિન્ટલે રૂા. ૭૨૫૦/-ની આસપાસ છે. જે ટેકાના ભાવો રૂા. ૪૬૫૦/- કરતાં ૫૦ ટકા વધારે છે.

વિદેશ સૌથી વધુ આયાત થતા પામતેલના ભાવો પણ વૈશ્વિક પરિબળોને કારણે ઉછળીને બમણા થતા સ્થાનિક બજારોમાં મોંઘવારીને અસર કરેલ છે. કઠોળમાં પણ આવી સ્થિતિ છે. સરકારી આંકડાઓ પ્રમાણે કઠોળના ભાવો સરકારી ટેકાના ભાવો કરતાં ઘણા ઉંચા રહ્યા છે. જેના કારણે દાળોમાં સરકારે મુક્તપણે આયાતની છુટ આપીને પાણી જાય તે પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે.

સરકારે ખાદ્ય ચીજોમાં આત્મનિર્ભર થવા માટે શરૂ કરેલા મીશનમાં જોકે કેટલીક સફળતા પણ મળેલ છે. જે ખાદ્યચીજોની આયાત કરવામાં વધુ ખર્ચ પડે તેવી ખાદ્યચીજો ભારતમાં ઉત્પાદન શરૂ કરવા કવાયત હાથ ધરી છે. જેમ કે ભારતમાં દર વર્ષે લગભગ ૧૫૦૦ ટન કાચી હીંગ આયાત થાય છે.

જેની પાછળ ૯૫૦ કરોડ રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે. મોદી સરકારે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં કાચી હીંગની ખેતી શરૂ કરાવી છે. ઈરાન, અફઘાનીસ્તાન તથા ઉઝબેકિસ્તાન જેવા દેશોમાં વર્ષે દહાડે ૧૫૪૦ ટનની આસપાસ કાચી હીંગ આયાત સ્થાનિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે કરવી પડે છે. શરીરમાં થતા ગેસ અને શ્વાસ નળીની સાથે જોડાયેલી સમસ્યાઓના નિવારણ માટે હીંગ ખૂબ જ ફાયદાકારક રહે છે. ભારતમાં હીંગનો વપરાશ સારા પ્રમાણમાં થાય છે.

ભારત સરકારે આસપાસના પાડોશી દેશો સાથે પણ મુક્ત વેપારની છૂટછાટ આપેલ છે

ભારત સરકારે આસપાસના પાડોશી દેશો સાથે પણ મુક્ત વેપાર થાય તે હેતુથી દક્ષિણ એશિયાઇ ફ્રી ટ્રેડ વિસ્તાર (સોફટા) અંતર્ગત વેપારની છૂટછાટ આપેલ છે. પરંતુ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો ફ્રી ટ્રેડનો દુરૂપયોગ કરી સોયાબીન તથા પામતેલ ઝીરો ડયુટીથી ભારતમાં મોકલીને ભારત સાથે ગદ્દારી કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ફ્રી ટ્રેડના દુરૂપયોગથી ભારતને લગભગ વર્ષે દહાડે ૧૨૦૦ કરોડ ઉપરાંત નુકશાન થઇ રહ્યાનો અંદાજ છે. તેલીબીયાં તથા તેલ ઓઇલની સંસ્થાઓના અહેવાલો પ્રમાણે નેપાળ અને બાંગ્લાદેશે ફ્રી ટ્રેડના નિયમોનું સરેયામ ઉલ્લંઘન કરેલ છે.

નેપાળ તથા બાંગ્લાદેશમાં સોયાબીન તથા પામતેલની લેશમાત્ર ખેતી થતી નથી. તેમ છતાં બંને દેશો પામતેલ મલેશિયા તથા ઈન્ડોનેશિયાથી અને સોયાબીન બ્રાઝીલ તથા અર્જેંટીનાથી ખરીદીને ભારતમાં ફ્રી ટ્રેડના નિયમોનો ગેરફાયદો ઊઠાવી નિકાસ કરે છે. ભારતીય વેપારી ક્રુડ પામ તેલ આયાત કરે તો પ્રતિ લિટરે ૩૨ રૂપિયા અને સોયાબીન આયાત કરે તો પ્રતિ લિટરે ૪૧ રૂપિયા ડયુટી તથા સેસ પેટે સરકારને ચૂકવવા પડે છે. જે માલ નેપાળ તથા બાંગ્લાદેશના રસ્તે વેપારી ખરીદે તો ઝીરો ડયુટીમાં મળી શકે છે. નેપાળે જુલાઇ-૨૦થી એપ્રિલ-૨૧ દરમ્યાન ભારતમાં ૨.૧૫ લાખ ટન સોયાબીન અને ૩૦૦૦ ટન પામ તેલ નિકાસ કરી છે.

ભારતમાં વર્ષે કુલ વપરાશના ૭૦ ટકા માલની બહારના દેશોમાંથી આયાત

ભારત વર્ષે દહાડે કુલ વપરાશનો ૭૦ ટકા માલ બહારના દેશોમાંથી આયાત કરીને સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરે છે. ખાસ કરીને સૌથી સસ્તુ પામતેલ સૌથી વધુ ૬૦ ટકા ઉપરાંત આયાત થાય છે. હોટલ રેસ્ટોરન્ટથી માંડીને નમકીન તથા ઔદ્યોગિક વપરાશમાં પણ પામતેલનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. સ્થાનિક તેલોમાં ભેળસેળ માટે પણ પામતેલનો વપરાશ મોટા સ્તરે થતો હોય છે.

ગુજરાત – મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત વિસ્તારોમાં સીંગતેલનો વપરાશ પણ બહોળો છે. જો કે આ વર્ષે ચીનની સીંગતેલની માંગ નોંધપાત્ર રહી હોવાથી બજારમાં મોટેભાગે તેજી છવાયેલી રહી છે. જો કે ગત અઠવાડિયાથી ચીનની ખરીદી શરૂ થતાં ફરીથી સીંગતેલમાં ભાવો ઉછળી રહ્યા છે.

ચીને આ વર્ષે લગભગ સવા બે લાખ ટન જેટલો સીંગતેલનો માલ ખરીદ કર્યો છે. જો કે છેલ્લા કેટલાક મહિનાથી લોકડાઉનને કારણે વેપારો ઠપ્પ હતા. પરંતુ ચીનની લેવાલી નીકળતાં સીંગતેલ બજાર ફરીથી સળગવા લાગી છે. મગફળીનો માલ પણ પૂરતા પ્રમાણમાં હોવા છતાં વિદેશી વેપારો વધતાં બજારોમાં તેજી પકડાઇ રહી છે.

રાજ્યમાં લોકડાઉન બાદ માર્કેટયાર્ડો ખૂલતાં ખેડૂત આવકોનો આવકો નોંધપાત્ર વધી રહ્યો છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની રાજસ્થાનના બાડમેર, ભીનમાલ, સાંચોર, જોધપુર જેવા વિસ્તારોમાં દૈનિક ૩૦થી ૪૦ હજાર બોરીની ખેડૂત આવકો છુટી રહી છે. ખેડૂતો પોતાની આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવા જીરાનો માલ વેચીને રોકડી કરવામાં પડયા છે. ઊંઝા યાર્ડમાં જીરૂ, ઉપરાંત વરીયાળી, ઈસબગોલ, તલ, અજમો જેવી કૃષિ પેદાશોની આવકો પણ વધી રહેતાં યાર્ડ ખેડૂતોથી ઘણા લાંબા સમય બાદ ધમધમતું થયું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!