GSTV

ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં 30થી 35 ટકાનું ગાબડું પડવાનો અંદાજ, અમદાવાદમાં દોઢ લાખ ફ્લેટ્સ ખાલી

Last Updated on June 10, 2020 by Bansari

લૉકડાઉન પછી બજારો ખૂલતા અમદાવાદ અને ગુજરાતના રિયલ એસ્ટેટના માર્કેટમાં 30થી 35 ટકાનું ગાબડું પડી જવાની સંભાવના જોવામાં આવી રહી છે. સૌથી પહેલા તો નોકરિયાતોના પગારમાં 30થી 35 ટકાનો કાપ આવ્યો છે. તેથી તેઓ પગારની આ અનિશ્ચિતતાના કાળમાં મિલકતની ખરીદી કરવાની દિશામાં બહુ વિચાર કરી શકે તેમ જ નથી. નવું ઘર લેવાનો વિચાર કરવાને બદલે તેઓ અત્યારે જે છે તે સ્થિતિ જળવાઈ રહે તે માટે જ જફા કરશે. તેથી તેમની રિયલ એસ્ટેટની ડિમાન્ડ આવવાની સંભાવના બહુ જ ઓછી છે. બીજી તરફ બૅન્કો પણ હોમ લોનમાં એનપીએ ન વધે તેની તકેદારી રાખીને લોનની અરજી આવે અને મંજૂર કરવાની માનસિકતા ધરાવતી નથી. તેથી હોમ લોન પણ વર્તમાન સંજોગોમાં મેળવવી કઠિન બની શકે છે. બૅન્કો ચાર વાર વિચાર કરીન ેપછી જ હોમ લોન મંજૂર કરવાનો વિચાર કરશે.

mumbai real estate

70 હજાર કરોડની વેચાયા વિનાની પ્રોપર્ટી

ક્રેડાઈના એક અગ્રણી નામ ન આપવાની શરતે કહે છે કે અમદાવાદમાં 70,000 કરોડની ઇન્વેન્ટરી એટલે કે વેચાયા વિનાની પ્રોપર્ટી પડેલી છે. તેની સામે 1.8 લાખ કરોડના પ્રોજેક્ટ પાઈપલાઈનમાં હોવાનું અત્યારે જોવા મળી રહ્યું છે. જોકે ગાહેડના પૂર્વ પ્રમુખ કહે છે કે ઇન્વેન્ટરીના આ આંકડાઓ વાસ્તવિકતા કરતાં ઊંચા બતાવવામાં આવી રહ્યા છે. બીજીતરફ છેલ્લા 14 વર્ષમાં ક્યારેય ન બન્યું હોય તેમ એપ્રિલ 2020થી 8મી જૂન 2020 બૅન્કમાંથી હોમ લોન લેવા માટે બહુ જ ઓછી સંખ્યાંમાં આગળ આવ્યા હોવાથી બૅન્કોને પણ આઘાત લાગ્યો છે.

મિલકત માર્કેટ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે કોરોના વાઈરસના ચેપના વાવરને પરિણામે જીવનમાં આવી પડેલી અનિશ્ચિતતાને પરિણામે કોઈપણ સાહસિક અત્યારે નવું મોટું દેવું કરવાનું પસંદ કરશે નહિ. બૅન્ક લોનના દર નીચે ગયા હોવા છતાંય કોઈ નવું મોટી રકમનું દેવું ઊભું કરવાનું પસંદ કરશે નહિ. પરિણામે રિયલ એસ્ટેટ માર્કેટમાં નવી લેવાની નીકળવાની કોઈ જ ગુંજાયશ દેખાતી નથી. આગામી છએક માસમાં 50થી 60 લાખના મૂલ્યની અને રૂા. 1થી 1.5 કે તેનાથી ઉપરના મૂલ્યની મિલકતમાં લેવાલી નીકળવાની કોઈ જ શક્યતા જણાતી નથી.

રહેઠાણની મિલકતોની વાત કરવામાં આવે તો નાના કદના અને ગરીબો માટેના 10થી 20 લાખ સુધીની કિંમતના રહેઠાણોના બજારમાં લેવાલી આવી શકે છે. કારણ કે જૂના શહેરની એક ઓરડીમાં આઠથી દસ જણ રહેતા હતા તે કોરોના વાઈરસના વાવરને કારણે અલગ રહેવા જવાનું પસંદ કરશે. તેમની ક્ષમતા પ્રમાણે રૂા.10થી 20 લાખની કિંમતના મકાનો ખરીદીને અલગ રહેવાનું પસંદ કરી શકે છે. તેમાં ડિમાન્ડ નીકળી શકે છે. તેમાં રૂા. 2.67 લાખની સબસિડીનો લાભ મળવાની શક્યતા પણ રહેલી હોવાથી તેઓ તેની ખરીદી તરફ વધુ ફંટાય તેવી સંભાવના છે. ઉપરાંત બૅન્કો દ્વારા અપાતી હોમલોનના વ્યાજદર પણ આઠ ટકાની આસપાસ આવી ગયા છે. તેથી લોન લઈને ઘર કરી લેનારાઓ પણઁ લેવાલ બનશે.

ડિમાન્ડ ઓછી રહેવાની સંભાવના

મિડલ અને અપર મિડલ ક્લાસમાં રૂા.50થી 75 લાખના મૂલ્યના ફ્લેટ્સમાં લેવાલી નીકળવાની સંભાવના મર્યાદિત છે. કારણ કે હાલના સંજોગોમાં કોરોનાની બીમારીમાં અણધાર્યું બની જાય તો ઘર લેવાના ખર્ચ કરીને લોનની પુનઃચૂકવણી કરવી કઠિન બની શકે છે. પરિણામે આ સેગમેન્ટમાં ડિમાન્ડ ખાસ્સી ઓછી રહેવાની સંભાવના છે. આ વર્ગની પ્રજા અનિવાર્ય ન હોય ત્યાં સુધી હાલના તબક્કે મિલકતની ખરીદી કરવાથી દૂર રહેવાનું પસંદ કરશે. બીજી તરફ બંગલા કે પાંચ સાત બેડરૂમની મિલકતોની લેવાલી અત્યંત મર્યાદિત કે નહિવત રહેવાની સંભાવના છે. અત્યારે આ મિલકત માટે ઇન્વેસ્ટ કરીને ભાડાની આવક કરવા ઇચ્છનારાઓ પણ અપેક્ષિત ભાડાની આવક કરી શકશે નહિ.

પરિણામે સમગ્રતયા રિયલ એસ્ટેટના માર્કેટમાં માહોલ મંદીનો જ રહેશે. તેની અસર હેઠળ રિયલ એસ્ટેટના ભાવમાં 30થી 35 ટકા સુધીના ગાબડાં પડી જવાની સંભાવના રહેલી છે. આ સેગમેન્ટના લોકો કોરોના વાઈરસના ચેપને કારણે ઊભી થઈ રહેલી અનિશ્ચિતતાના સમયમાં લાંબા ગાળાની લાયેબિલીટી એટલે કે લોન લઈને લાંબા ગાળા સુધી હપતા ભરવાની જવાબદારી ઊભી કરવાનું પસંદ કરશે નહિ. તેમ જ કોરોના વાઈરસને કારણે ચાલુ થયેલો મંદીનો દોર 12થી મોડીને 36 મહિના સુધી દેખાતો રહેવાની સંભાવના છે.

બાંધકામના સેક્ટરના જાણકારોનું કહેવું છે કે કોમર્શિયલ મિલકતોની લેવાલી હવે ઓછી થવાની સંભાવના છે. વર્ક ફ્રોમ હોમના કલ્ચરને કારણે નવા સાહસિકો ઑફિસ ઊભી કરવા માટે લાખો કરોડો ખર્ચવાને બદલે વર્ક ફ્રોમ હોમના કલ્ચરને અનુસરીને તેમના ઇન્વેસ્ટમેન્ટ ઓછા કરીને નવા સાહસો કરવાનું પસંદ કરશે. ટીસીએસ દેશની સંખ્યાબંધ આઈ.ટી. કંપનીઓ વર્ક ફ્રોમ હોમના કલ્ચરને અપનાવતી થઈ ગઈ છે. બીજી તરફ કોમર્શિયલ પ્રોપર્ટી ભાડેથી લેવાનું પસંદ કરનારાઓની સંખ્યા પણ ઓછી થઈ જશે.

અનલોક-1

રિયલ એસ્ટેટના જાણકારોનું કહેવું છે કે હાલમાં ધંધા ડૂલ છે. અત્યારે કોઈપણ નવા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સાહસ પણ કરી શકશે નહિ. પરિણામે રિયલ એસ્ટેટની લેવાલી થકી પૈસો ફરતો થવાની અને લૉકડાઉનને કારણે પાટા પરથી નીચે ઉતરી ગયેલા અર્થતંત્રની ગાડી પાટે ચઢવાની શક્યતા હાલ તુરત તો બહુ જણાતી નથી. અર્થતંત્રની ગાડીને પાટે ચઢાવવા માટે સરકારે જ રેલવે, પાવર, માળખાકીય સુવિધા જેવા સેક્ટરમાં જંગી ખર્ચ કરીને અર્થતંત્રને ગતિ આપવી પડશે. ભારત સરકારે જાહેર કરેલું રૂા. 20 લાખ કરોડનું પૅકેજ આ માટે પૂરતું નથી. જર્મની સરકારે તેના જીડીપીના 60 ટકા જેટલું જંગી પૅકેજ જાહેર કર્યું છે. તેની સામે ભારત સરકારે જાહેર કરેલું પૅકેજ 10 ટકા જેટલુ ંજ છે.

શહેરી વિસ્તારમાં અને શહેરની સીમાના વિસ્તારની જમીનના ભાવ પણ તૂટી જશે

પાંચ સાત બેડરૂમના કદાવર ફ્લેટ્સ અને મોટા બંગલાની માફક જમીનની ડિમાન્ડ અને ભાવ પણ તૂટી જવાની સંભાવના મિલકત માર્કેટના નિષ્ણાતોને જણાઈ રહી છે. કોરોના વાઈરસની ઇફેક્ટ હેઠળ શહેરી વિસ્તારથી દૂરના વિસ્તારમાં આવેલી જમીનના ભાવ પર પહેલી અસર જોવા મળશે. શહેરની સીમાઓ વિસ્તરતી અટકી જશે તેથી શહેરની સીમાઓના વિસ્તારોમાં ખરીદાયેલી અને મોટા હાઉસિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટ આવવાની આશા સાથે રાખી મૂકવામાં આવેલી જમીનના ભાવ 25થી 30 ટકા તો તૂટી ગયા છે. આગામી દિવસોમાં તેમાં કોઈ જ લેવાલી જોવા મળવાની ન હોવાથી તેના ભાવ વધુ 5થી 10 ટકા તૂટી જવાની શક્યતા રહેલી છે.

શહેરી વિસ્તારોની વાત કરવામાં આવે તો જે જમીન પર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે પ્રોજેક્ટ વેચાઈ જવાની શક્યતા ઓછી છે. તેથી શહેરી વિસ્તારોમાં નવી જમીન આગામી બારથી અઢાર મહિના સુધી ખરીદાય તેવી સંભાવના ઓછી છે. તેથી શહેરી વિસ્તારની જમીનના ભાવ પણ 15થી 20 ટકા નીચે ઉતરી જવાની સંભાવના જોવામાં આવી રહી છે.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!