GSTV

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Last Updated on November 27, 2021 by Pravin Makwana

ગાયોના મામલે અમદાવાદમાં ફરી પાછું રાજકારણ ગરમાયું છે. ગાયો સહિતના પશુપાલન વ્યવસાયને જ દિલ્હી અને મુંબઇની જેમ શહેરની બહાર ખસેડવામાં આવે, શહેરમાં પશુપાલન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવે,  શહેરની બહાર જ ઢોરવાડા બનાવવામાં આવે તે પ્રકારની અમદાવાદ મ્યુનિ.કમિશનર દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત કરાતા ફરી પાછો વિવાદ ઉભો થયો છે.

પશુપાલનના કારણે શહેરમાં થતી ગંદકી, અકસ્માત, ટ્રાફિકજામ સહિતની સમસ્યાના ઉકેલ માટેની આ દરખાસ્ત છેકે પછી આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ફેંકાયેલું રાજકિય પાસું છે ? તે પ્રશ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર બિંદુ બન્યો છે. બીજી બાજુ માલધારીઓ વૈકલ્પિક વ્યવસ્થા સિવાય કોઇપણ કાળે શહેર નહીં છોડવાની જીદે ચઢ્યા છે. આમ અમદાવાદમાં ગાયોના મામલે આગામી દિવસોમાં ઘણા ખેલ ખેલાશે જે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

પૂર્વ અમદાવાદમાં  વર્ષ ૧૯૬૦ માં પશુપાલન માટે જ  ખુદ  સરકારે વસાવેલી માલધારી વસાહતો હાલમાં અસ્તિત્વમાં છે. ઓઢવ રબારી વસાહત, અમરાઇવાડી રબારી વસાહત, જશોદાનગર રબારી વસાહત. આ વસાહતો પણ જેતે સમયે કોટ વિસ્તારમાં પશુપાલન ન થાય તે હેતુથી જ શહેરથી દુર ૧૦ કિ.મી.દુર વસાવાઇ હતી.

સમય ગયો, શહેરનો વિસ્તાર વધ્યો, હવે આ માલધારી વસાહતોને શહેરીકરણના નામે ત્યાંથી પણ ખદેડીને હજુ ૨૦ કિ.મી.દુર ખસેડી દેવાની વાત છે. આ સ્થિતિમાં તો પશુ અને પશુપાલક પોતે  પેઢી દર પેઢી પીડિત બની રહ્યા છે. સરકાર શું કરશે?, પશુઓનું શું કરીશું, ઘરના સભ્યોનું પેટ કઇ રીતે ભરી શું?, રોજગારી, વસવાટ, બાળકોનું ભવિષ્ય વગેરે બાબતોને લઇને પૂર્વ અમદાવાદમાં વસતા તમામ માલધારીઓ, પશુપાલકો હાલમાં ચિંતામાં મૂકાઇ ગયા છે.

મ્યુનિ.કમિશનરે શહેરમાં પશુપાલન પર પ્રતિબંધ મૂકવાની, પશુવ્યવસાયને શહેરની બહાર ખસેડી દેવાની જે દરખાસ્ત કરી છે તેને લઇને માલધારીઓમાં અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા સરકાર આપશે કે કેમ?, શહેરની બહાર વાડા બાનવી આપશે, વસવાટ લાયક  ઘર, ગાયોને ચરવા લાયક ગૌચર આપશે કે કેમ ?, કે પછી કાયદાના અમલના નામે પશુપાલકોને તેમના પશુઘન સાથે શહેરની હદ બહાર બળજબરી પૂર્વક ખદેડી હાથ અદ્ધર કરી દેશે? શહોરની  હદ આગામી વર્ષોમાં શહેરથી ૨૦ કિ.મી.દુર સુધી ફેલાશે તો શું ત્યાંથી પણ પશુપાલકોને ખદેડી દેવાશે ? પશુપાલકો-માલધારીઓને રઝળતા જ રાખવામા આવશે ?  તે સહિતના અનેક પ્રશ્નો પશુપાલકોમાં આજે દિવસભર ચર્ચાયા હતા.

સર્વે કરી પશુપાલકોને મ્યુનિ.કોર્પોરેશનમાં નોકરી આપોઃ ઘનાભાઇ દેસાઇ

માલધારી ફાઉન્ડેશનના અધ્યક્ષ ઘનાભાઇ દેસાઇના જણાવ્યા મુજબ સરકારે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર છૂટકો નથી. એકતરફી નિર્ણય લઇને પશુપાલકોને અન્યાય નહીં કરી શકાય. પશુઓને શહેરની બહાર કાઢી મૂકવાથી શહેરની ટ્રાફિક, અકસ્માત, ગંદકીની સમસ્યાનો અંત આવી નહીં જાય.

શહેરમાં ખાસ કરીને પૂર્વમાં નરોડાથી નારોલ સુધીનો આખો સર્વિસ રોડ દબાણોને કારણે બંધ થઇ ગયો છે. શહેરમાં ઠેરઠેરદુકાનદારોએ ફૂટપાથો પચાવી પાડી છે જેના કારણે લોકોએ રોડ પર ચાલવું પડે છે અને અકસ્માતનો ભોગ બનવું પડે છે. મુખ્ય રોડ પર ગેરકાયદે બાંધકામો થઇ ગયા છે, રોડ પર જ શાકમાર્કેટ ઉભા થઇ ગયા છે તેના કારણે ગંદકી થાય છે. લારી-ગલ્લા અને ચા-નાસ્તાની લારીના દબાણો થઇ ગયા છે.

cows

 આ બાબતો લીધે જ  શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. ફક્ત ગાયને દોષ દેવાથી કે પછી ગાયમુક્ત શહેર બનાવીને શહેરની સમસ્યા નહીં ઉકેલાય. મુંબઇમાં ‘કેટલ ઝોન’જાહેર થયેલા છે. તેમ અમદાવાદમાં પણ ‘કેટલ ઝોન’ જાહેર કરો, તમે શહેરમાં જ જો ‘ઔદ્યોગિક ઝોન’, ‘સાયલન્ટ ઝોન ‘જાહેર કરી શકતા હોય તે ‘કેટલ ઝોન ‘કેમ નહીં ?.તેમ છતાંય માલધારીઓ તેમનો પરંપરાગત વ્યવસાય છોડી દેવા તૈયાર છે. શહેરને કેટલ ફ્રિ બનાવવું હોય તો સર્વે કરીને દરેક પશુપાલકને મ્યુનિ.કોર્પોરેશનમાં નોકરી આપો.પશુપાલકો પશુપાલન જ છોડી દેશે.

વૈકલ્પિક વ્યવસ્થા નહીં અપાય તો ઉગ્ર આંદોલન ફાટી નીકળશેઃ નાગજીભાઇ દેસાઇ

માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઇ દેસાઇના જણાવ્યા મુજબ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જ માલધારીઓને શહેર છોડવા મજબૂર કરાશે તો ઉગ્ર આંદોલન ફાટી નીકળશે. રાજ્યના ૬૦ લાખથી વધુ માલધારીઓ રોડ પર ઉતરી આવશે. ભૂતકાળમાં સરકારે જ  માલધારી વસાહતો શહેરમાં બનાવી આપી હતી હવે સરકાર હાથ અદ્ધર કરી રહી છે.

વર્ષ ૨૦૨૧માં શહેરની આજુબાજુમાં આવેલા ૩૮ ગામોને મ્યુનિ.માં ભેળવી દેવાયા તો હવે આ ૩૮ ગામોના પશુ અને પશુપાલકો ક્યાં જશે?, આ ગામડાઓ હાલમાં પણ વાસ્તવમાં ગામડા જ છે. આ ગામોના પશુપાલકોની રોજી રોટીનું શું થશે ?  સરકારે શહેરથી દુર ૨૦ કિ.મી. દુર રહેવા માટે , પશુપાલન માટે જમીન આપવી જોઇએ.

નાગજીભાઇએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને સરકાર ગાયો અને માલધારીઓને ટાર્ગેટ કરી રહી છે.  છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપ પક્ષાને નેતાઓ ગાયો પાછળ પડી ગયા છ અને વિવાદો સર્જી રહ્યા છે. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરની મળીને કુલ ૬૨ વિધાનસભાની સીટ થાય છે. આ શહેરી વિસ્તારના લોકોને ખુશ કરવાનો, મત મેળવવાનો સરકારનો કારસો છે.

READ ALSO

Related posts

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભળાશે રોહિત, ઈજાના કારણે હતો બહાર

GSTV Web Desk

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!