GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

સાહિત્ય પરિષદમાં વિવાદ / મહામંત્રીની કામગીરી સામે વિરોધ : અનેક સભ્યો નારાજ, રાજીનામા પડ્યાં અને પડવાની તૈયારીમાં..

સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદમાં નવો વિવાદ શરૃ થયો છે. પરિષદના કેટલાક સભ્યો, મંત્રીઓ, મહામંત્રી કીર્તિદા શાહની કામગીરીથી નારાજ છે. તેના કારણે રાજીનામાઓ આપવા લાગ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ છેલ્લા એક-બે મહિના દરમિયાન સર્જાયો છે. પરિષદની કામગીરીથી કંટાળીને પ્રકાશન મંત્રી અજયસિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું છે. જ્યારે ‘પરબ’ના સંપાદક ભરત મહેતાએ ચાર પાનાંનો પત્ર લખી કિર્દીતા શાહ કઈ રીતે કામ કરતા નથી, બીજાને કામ કરવા દેતાં નથી અને પોતાના કાર્યક્ષેત્ર બહારના તમામ કામોમાં દખલ કરે છે, તેવો સૂર વ્યક્ત કર્યો છે. તો વળી પ્રસાર મંત્રી ધ્વનીલ પારેખ પણ નારાજ છે. બધાનો સૂર કંઈક એવો છે કે કીર્તિદા બહેનની કામ કરવાની પદ્ધતિ જોહૂકમી પ્રકારની છે. સૌને સાથે લઈને ચાલવાની ભાવના નથી.
સાહિત્ય પરિષદના પ્રકાશન મંત્રી અને સાહિત્ય પરિષદના સામયિક પરબના તંત્રી પદેથી રાજીનામું આપનારા અજયસિંહ ચૌહાણે કહ્યું હતું : ‘હું કિશોરાવસ્થાથી પરિષદ સાથે સંકળાયેલો છું. રાજીનામું આપ્યું એ પહેલા હું પરિષદનો પ્રકાશન મંત્રી અને પરબનો તંત્રી હતો. તંત્રી હોવાના નાતે પરબમાં છપાતી સામગ્રીની પસંદગીમાં મારો પણ અવાજ હોય જ. પરંતુ ભરત મહેતાની સંપાદક તરીકે પસંદગી થયા પછી મારા ભાગે એવી કોઈ કામગીરી આવતી ન હતી. શું પસંદ થાય છે, છપાય છે, તેની મને જાણકારી જ મળતી ન હતી. એ સંજોગોમાં માત્ર નામ માટે પદ પર વળગી રહેવાનો અર્થ ન હતો. એટલે મેં રાજીનામું આપી દીધું.’ અજયસિંહ ચૌહાણની આ વાત પરથી એ પણ સંકેત મળે છે કે મુદ્દો માત્ર મહામંત્રીના વિરોધ પુરતો નથી. જોકે પરિષદ પ્રત્યે સદભાવ દર્શાવતા અજયસિંહે ઉમેર્યું હતું કે પરિષદનું કોઈ પણ કામ કરવામાં હું ક્યારેય પાછી પાની કરવાનો નથી. પરિષદના હિતમાં જે કરવાનું હશે એ કરીશું જ, પરંતુ હાલ પદ પર વળગી રહેવાનો કોઈ અર્થ ન હતો એટલે છોડી દીધું.

તેમણે પરિષદના મહામંત્રીને ઉદ્દેશીને લખેલા રાજીનામાં પણ સ્પષ્ટ કર્યું છે કે કામ કરવાની મોકળાશ ન હોય અને નાની-નાની બાબતોમાં પરિષદના સત્તાધિશો સાથે સંઘર્ષમાં ઉતરવું પડે એ ઠીક નથી. એ સંજોગોમાં રાજીનામું આપી દેવુ વધારે યોગ્ય ગણાય.
ભરત મહેતાએ કહ્યું હતું કે હું રાજીનામું આપીને મેદાન છોડવાનો નથી, હું તો લડત આપવાના મૂડમાં છું, માટે છેવટ સુધી લડતો રહીશ. પરિષદ પ્રમુખ પ્રકાશ ન. શાહે કહ્યું હતું : ‘એ વાત સાચી કે આવી કેટલીક ફરિયાદો ઉઠી છે. તેનો ઉકેલ લાવવા માટે લોકશાહી પ્રક્રિયાને વળગી રહીને ટીમ વર્કના ધોરણે કામ કરીશું. બધા પ્રશ્નોની ચર્ચા આગામી દિવસોમાં કારોબારીમાં થશે. કોઈ પણ સંસ્થામાં કે ટીમમાં મતભેદો હોય જ, તેનો ચર્ચાથી ઉકેલ લાવી શકાતો હોય છે.’

એ જાણીતી વાત છે કે ગુજરાતી સાહિત્ય પરિષદમાં સમયાંતરે વિવાદો થતાં રહેતા હોય છે. પરિષદમાં સાહિત્ય કરતા રાજકારણ વધારે રમાય છે, એવી ફરિયાદો પણ નિયમિત ઉઠતી રહેતી હોય છે. એ સંદર્ભમાં એક દંતકથા (કે સત્યકથા) પણ જાણીતી છે. એ પ્રમાણે કોઈએ નરેન્દ્ર મોદીને પૂછ્યું કે તમે સાહિત્ય પરિષદ સાથે શા માટે નથી સંકળાતા ત્યારે તેમણે કહ્યું હતું કે મને ફૂલ-ટાઈમ પોલિટિક્સ નથી ફાવતું. અર્થાત પરિષદમાં ફૂલ-ટાઈમ પોલિટિક્સ ચાલતું રહે છે. આ વાત સાચી હોય કે ખોટી પરંતુ વારંવાર કહેવાતી-સંભળાતી રહે છે. એવી સ્થિતિ વચ્ચે નવો વિવાદ ઉભો થયો છે.

જેમના વિશે ફરિયાદ છે એ મહામંત્રી કીર્તિદા શાહે કહ્યું હતું : ‘મારે આ વિશે કશું કહેવાનું થતું નથી. પરંતુ નવ મહિનાના કાર્યકાળ દરમિયાન મેં કેટલાક કામો કર્યા છે એ મારે ગણાવવા છે. આ સમયમાં અમે ગુજરાતી સાહિત્યના ઈતિહાસના 6 ભાગ પુનઃ મુદ્રિત કર્યા, ગુજરાતી સાહિત્યકોષના 3માંથી બે ભાગ પ્રકાશિત થઈ રહ્યા છે. એક તો થઈ ગયો છે, બીજો પ્રિન્ટિંગ પ્રેસમાં છે. એટલે એ ટૂંક સમયમાં મળતો થઈ જશે. દર રવિવારે વાર્તા રે વાર્તા ઓનલાઈન કાર્યક્રમ કરી વાર્તાકારોને પ્લેટફોર્મ આપીએ છીએ. એ કાર્યક્રમ બે કલાક ચાલે છે. હવે દીવાળી પછી દર પંદર દિવસે ગદ્ય સભા કરવાનું પણ આયોજન છે જ.’
પ્રસાર મંત્રી પદે રહેલા કવિ-ગઝલકાર ધ્વનિલ પારેખે પણ મહામંત્રીની કામગીરી મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો જ છે. પરિષદ સાથે સંકળાયેલા કવિ મનિષ પાઠકે કહ્યું હતું, ‘પરિષદના મહામંત્રી અન્ય સમિતિના સભ્યો, સાહિત્યકારોને સાથે લઈને કામ નથી કરતા, પોતાની મનમાની ચલાવે છે. એમની કામગીરીની આ રીત પરિષદના બંધારણની વિરૃદ્ધ છે.’

આ બધી બબાલ પછી સાહિત્ય પરિષદ અને સાહિત્ય સાથે સંકળાયેલા લોકોમાં ચર્ચા આરંભાઈ છે કે પરિષદ ક્યાંક સાહિત્ય અકાદમી બનવાની દિશામાં તો આગળ નથી વધી રહીને? કેમ કે થોડા વર્ષો પહેલા સ્વતંત્રતા (પરિષદના શબ્દોમાં સ્વાયત્તતા) મુદ્દે લડત આરંભી હતી. કેમ કે સાહિત્યની બીજી સંસ્થા ગુજરાતી સાહિત્ય અકાદમી પર ગુજરાત સરકારે કબજો જમાવી લીધો છે. એટલે સાહિત્યકારોમાં પરિષદ તરફી, અકાદમી તરફી એમ બે ભાગ પડી ગયા છે. પરિષદ પ્રમુખ પોતે અકાદમીની સ્વાયત્તતા માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે તેમની જ ટીમના કેટલાક સભ્યો સ્વાયત્તતા નથી એવી ફરિયાદ પણ કરી રહ્યા છે.

Related posts

મોદી સરકારના 8 વર્ષ / મોદી સરકારે વિકાસ માટે આ મહત્વના નિર્ણયો લઈને ગુજરાતની બદલી દીધી રોનક

Hardik Hingu

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ હજુ શમ્યો નથી ત્યારે હવે રખડતા શ્વાનનો ત્રાસ સામે આવ્યો

pratikshah

ગોધરા જઈ રહેલું દંપત્તિ મહુધા નજીક લુંટાયું, પાંચ લુંટારાઆેએ કારમાં આવી લુંટને આપ્યો અંજામ

pratikshah
GSTV