GSTV
Home » News » મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની તૈયારી, સીતારામ યેચુરીએ આપ્યા સંકેત

મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની તૈયારી, સીતારામ યેચુરીએ આપ્યા સંકેત

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની કાર્યશૈલી પર સુપ્રીમ કોર્ટના જ 4 સિનિયર જજોએ સવાલ ઉઠાવ્યા હતાં. જોકે બાદમાં એવું પ્રકાશમાં આવ્યું હતું કે આ મુદ્દે સમાધાન થયું હતું. રાજકીય પક્ષોએ આ મુદ્દે ભલે ખુલીને ભલે વિરોધ પ્રદર્શિત કર્યો ન હોય, પરંતુ ન્યાયતંત્રમાં જજોની વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને જોઈ વિપક્ષ આ મુદ્દે ચર્ચા કરવાની વિચારણા કરી રહ્યું છે.

મંગળવારે કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (સીપીએમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની કાર્યશૈલી પર ઉઠેલા સવાલોને ધ્યાનમાં રાખી વિરોધ પક્ષોએ ચર્ચા કરી છે અને વિચારણા કરી રહ્યા છે કે આગામી બજેટમાં મુખ્ય ન્યાયમૂર્તિની સામે મહાભિયોગ પ્રસ્તાવ મૂકી શકીએ. યેચુરીના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટમાં અવરોધ હજુ ઓછો થયો નથી. તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે અને સાચા સમયે સાંસદો તેની ભૂમિકા નિભાવશે. એવુ કહેવાઈ રહ્યુ છે કે મહાભિયોગ પ્રસ્તાવની વાત મૂકી વિપક્ષ પાર્ટીઓ સરકાર અને ન્યાયતંત્ર પર દબાણ વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. રાજ્યસભામાં વિરોધ પક્ષો પાસે બહુમતી છે. લઘુત્તમ 50 સાંસદોના સમર્થનથી આવો પ્રસ્તાવ રાજ્યસભામાં લાવી શકાય.

વિપક્ષમાં ચર્ચા

યેચુરીએ મહાભિયોગના પ્રસ્તાવની વાત ભલે મૂકી હોય, પરંતુ આ મુદ્દે વિરોધ પક્ષોનું સમર્થન જરૂરી છે. આ મુદ્દે વિરોધ પક્ષો વચ્ચે પ્રારંભિક સ્તરની વાતચીત થઇ છે. જણાવાઈ રહ્યું છે કે યેચુરીએ મહાભિયોગનો પ્રસ્તાવ તમામ પક્ષો સામે મૂક્યો છે. કોંગ્રેસ, તૃણમૂલ અને અન્ય વિપક્ષી પાર્ટીના સૂત્રોએ આ મુદ્દે પુષ્ટિ કરી છે કે મિશ્રાની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની ચર્ચા થઈ છે. સીપીએમ પાર્ટી આ પ્રસ્તાવને આગળ વધારવાના પક્ષમાં છે તો કોંગ્રેસે આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ નથી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે પણ આ અંગે સ્પષ્ટતા કરી નથી. લોકસભામાં વિરોધ પક્ષો બહુમતી નથી. તેથી આ પ્રસ્તાવને રાજ્યસભામાં લાવી શકાય છે, પરંતુ રાજ્યસભામાં કોંગ્રેસના સમર્થન વિના આ પ્રસ્તાવ લાવવો શક્ય નથી.

મહાભિયોગ પ્રસ્તાવ કેવીરીતે લાવી શકાય?

કોઇ પણ જજ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંસદના બંને ગૃહમાંથી કોઇ પણ એક ગૃહમાં લાવી શકાય છે. લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે લઘુત્તમ 100 સાંસદોનું લેખિત સમર્થન જરૂરી છે. તો રાજ્યસભામાં આ પ્રસ્તાવ લાવવા ગૃહના 50 સાંસદોનું સમર્થન જરૂરી છે. સંસદના કોઈ પણ ગૃહમાં આ પ્રસ્તાવ લાવવામાં આવે ત્યારે ગૃહના સભાપતિ અને અધ્યક્ષ પ્રસ્તાવને સ્વીકારી અથવા તેને ફગાવી શકે છે.

Related posts

ભારત અને યુ.એસ.ના કોસ્ટ ગાર્ડે ચેન્નાઈ કિનારે સંયુક્ત કવાયતમાં ભાગ લીધો

Path Shah

પાકિસ્તાનને ભારે પડ્યુ આતંકનું પોષણ, FATFએ બ્લેકલિસ્ટમાં નાખ્યુ

Mansi Patel

મોદી સરકાર નોકરીયાતોને આપી શકે છે મોટી ખુશખબરી, EPFOમાં મોટો પરિવર્તન થઈ શકે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!