કોંગ્રેસના ગઢમાં મસમોટું ગાબડુ, ખાતું પણ ન ખોલાવી શકતા ભાજપ ગેલમાં

વિસાવદરમાં કોંગ્રેસના ધારાસભ્યના હર્ષદ રિબડિયાના ગઢમાં ગાબડુ પડ્યુ છે. વિસાવદરમાં ખેડૂત પુત્ર હર્ષદ રિબડિયાની પેનલનો કારમો પરાજય થયો છે. વિસાવદર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતુ પણ ન ખોલાવી શકી. ખેડૂત પેનલમાં ભાજપ પ્રેરિત આઠે આઠ ઉમેદવારોનો વિજય થયો છે. તેમજ ખરીદ વેચાણ સંઘની બન્ને બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય થયો છે. કોંગ્રેસની પેનલની પરાજય થતા સ્થાનિક સ્તરે પક્ષને મોટો ફટકો પડ્યો છે.

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે થોડા સમય પહેલા જ જસદણની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. અને કુંવરજી ભાઈ બાવળિયા એક નવા નેતા તરીકે ભાજપમાંથી ઉભરી આવ્યા હતા. આ વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ પોતાનું કદ વધારવામાં ફરી નિષ્ફળ પૂરવાર થઈ છે. આ ચૂંટણી સામાન્ય લાગી શકે પરંતુ નાના પત્થર પણ કોઈ વાર જોરથી વાગતા હોય છે. જસદણ ચૂંટણી પછી કોંગ્રેસને લાગેલો આ બીજો ફટકો છે. ઉપરથી કોંગ્રેસ ખાતુ પણ નથી ખોલાવી શકી અને શૂન્યમાં આઉટ થઈ જવાનો વારો આવ્યા છે. તો ભાજપે તમામ 8 પેનલમાં ભગવો લહેરાવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ સત્તા માટે તરસી રહી છે. નરેન્દ્ર મોદીએ કેન્દ્રની સત્તા સંભાળ્યા બાદ લાગી રહ્યું હતું કે ગુજરાતમાં હવે કોંગ્રેસ પોતાના જીતની અને રાજકારણની વડવાઈ લાંબી કરશે પણ એક પછી એક કોંગ્રેસની હાર થતા ગુજરાત હજુ દૂર છે તેવી કોંગ્રેસની સ્થિતિ થઈ છે. આ વચ્ચે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહેશે તે જોવાનું રહેશે કારણ કે કોંગ્રેસ 12થી 13 સીટ પર જીતી રહી છે તેવો દાવો કરી રહી છે. ત્યારે કોંગ્રેસના આ નિવેદનની સચ્ચાઈ તો ચૂંટણીના પરિણામ આવ્યે જ ખ્યાલ આવી જશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter