જસદણ : કુંવરજીને જ મત આપવા ભાજપના પૂર્વ ધારાસભ્યની ધમકી, 2 ધારાસભ્યોની અટકાયત

ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભાની પેટાચૂંટણી અપેક્ષા મુજબ જ તોફાની બની રહી છે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૯ ટકા મતદાન નોંધાયું હતું બીજી બાજુ જસદણમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો તથા કાર્યકરો આમને સામને આવી રહ્યા છે ઘણી જગ્યાએ માથાકૂટ ચાલી રહી છે. પોલીસ અને તંત્ર ભાજપની શેહમાં નિયમો નેવે મૂકી રહ્યું હોવાનો બળાપો કોંગ્રેસ ઠાલવી રહ્યું છે.

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મતદારોને ધમકાવી રહ્યા છે

આ સ્થિતિમાં કોંગ્રેસે જસદણના ડીએસપી સમક્ષ ફરિયાદ કરી છે કે ભાજપના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મતદારોને ધમકાવી રહ્યા છે તેઓ ભાજપના ઉમેદવાર કુંવરજીની તરફેણમાં મતદાન કરવા માટેનું દબાણ કરી રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગઈ કાલ રાતથી જ જયરાજસિંહ મતદારોને ધમકાવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસના આવા ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદને પગલે પોલીસે આ અંગેની તપાસ હાથ ધરી છે

ભાજપ પર સરકાર મશીનરીના દુરૂપયોગનો આરોપ લગાવ્યો

જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પર સરકાર મશીનરીના દુરૂપયોગનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસે અટકાયત કરતા રાજનીતિ ગરમાઈ છે. વિરજી ઠુમ્મરનો આક્ષેપ છે કે તેઓ કાર્યકરોને મળવા જતા હતા ત્યારે નવા ગામ પાસે તેમની અટકાયત કરવામાં આવી હતી.

ઠુમરની અટકાયતનું પોલીસે ન જણાવ્યું કારણ

વિરજી ઠુમ્મરે અટકાયતનું કારણ પૂછ્યું તો પોલીસે કારણ જણાવવાનો ઈનકાર કર્યો હતો. વિરજી ઠુમ્મરે પોલીસ પર તેમને માનસિક રીતે હેરાન કરવાનો પણ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ રીતે તેમના ધારાસભ્યોની અટકાયત સામે સવાલ ખડા કર્યા છે અને પોલીસ તથા ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમના ધારાસભ્યોને કાર્યકરોને મળવા પણ નથી દેવાતા જ્યારે કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન મોહન કુંડારીયા જસદણ ભાજપ કાર્યાલય ખાતે અને પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા ભાડલા ખાતે ઉપસ્થિત હતા. કોંગ્રેસે તેના પુરાવા રૂપે વીડિયો પણ આપ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter