GSTV
India News ટોપ સ્ટોરી

કોંગ્રેસની ચિંતનશિબિરઃ ઉદયપુરથી સદબુદ્ધિનો ઉદય નહિ થાય તો રાજકીય અસ્ત નિશ્ચિત

કોંગ્રેસ
  • નવ વર્ષ પછી કોંગ્રેસે રાજસ્થાનના ઉદયપુર ખાતે ચિંતન શિબિર યોજી છે પણ છેવટે ગાંધી પરિવાર પર જ કળશ ઢોળવાનો હોય તો હવે આ તાયફા કામ નહિ લાગે
  • મધ્યમમાર્ગિય રાજનીતિ માટે આજે પણ દેશમાં પૂરતો અવકાશ છે, પરંતુ તેનાં માટે રોડમેપ હોવો જોઈએ, જે કોંગ્રેસ કાયમ ચૂકી જાય છે

‘રિંગણા લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર..!’ પોતે જ સવાલ કરે અને પોતે જ જવાબ આપે એવો દલા તરવાડીનો ગુજરાતી કિમિયો કોંગ્રેસ હાઈકમાન્ડને બરાબર ફાવી ગયો છે. પ્રત્યેક ચૂંટણી હાર્યા પછી શીર્ષસ્થ નેતૃત્વ સામે સવાલો થાય ત્યારે મીંઢું મૌન ધારણ કરી લેવું, વેકેશન પર જતાં રહેવું, નિષ્ક્રિય થઈ જવું, રાજીનામું આપવાની વાતે વહેતી મૂકવી અને પછી મળતિયાઓ મારફત અરણ્યરૂદન કરાવીને ‘કાર્યકરોની માંગણીને માન આપીને’ ફરી પાછા સત્તાસ્થાને ગોઠવાઈ જવું આ ક્રમ એકધારા પરાજયો છતાં કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહ્યો છે. તેમાં હવે નેત્રદિપક (Eye catching) પરિવર્તન એ આવ્યું છે કે નવ વર્ષના લાંબા અંતરાલ પછી કોંગ્રેસ હવે પરાજયના કારણે અને નેતૃત્વની સમસ્યા અંગે ઉદયપુર ખાતે ઓપન પ્લેટફોર્મ પર ચિંતન શિબિર યોજી રહી છે.

  • અગાઉની પેઢીએ કરેલી ભૂલોના ભારમાંથી કોંગ્રેસે બહાર નીકળવું પડશે
  • પાકિસ્તાનના બે ટુકડા કરવાનું ઈન્દિરાનું પરાક્રમ છે અને રાજીવના શાસનમાં કમ્પ્યૂટર, ટેલિકોમ ક્રાંતિ પણ છે
  • ભૂવો ધૂણે પછી ઘર ભણી જ નાળિયેર ફેંકે એમ જ્યારે જ્યારે નેતૃત્વ સંકટની ચર્ચા થાય ત્યારે રાહુલનો વિકલ્પ સોનિયા બની જાય અને સોનિયાના વિકલ્પે પ્રિયંકાની ચર્ચા થાય
  • કોંગ્રેસની મધ્યમમાર્ગિય અને સર્વસમાવેશક વિચારધારાનો દેશને આજે પણ ખપ
  • કોંગ્રેસે જૂના પક્ષનો ફાંકો છોડીને નવા સમયની જરૂરિયાત મુજબ કાયાકલ્પનો આ પડકાર ઊઠાવવો પડશે
કોંગ્રેસ

રાજનીતિમાં એકડો ભૂંસાવાની ભીતિ

કોંગ્રેસ દેશનો સૌથી જૂનો અને સૌથી લાંબા સમય માટે દેશમાં સત્તા પર રહેલો પક્ષ છે, પરંતુ હાલ તેની સ્થિતિ અત્યંત કફોડી છે. પાર્ટીનો જનાધાર લૂંટાઈ ચૂક્યો છે, આવડા મોટા દેશમાં આવડા મોટા પક્ષને સતત ધમધમતો રાખવા માટે આવશ્યક ભંડોળ નથી. કાર્યક્રમો આપી શકે એવી દૃષ્ટિ નથી અને સૌથી વિશેષ નવેસરથી જનાધાર કેળવી શકે, કાર્યકરોમાં જોમ સીંચી શકે એવું દીર્ઘદૃષ્ટા નેતૃત્વ નથી. હાલ રાજ્યસભા અને લોકસભા બંનેના થઈને કોંગ્રેસ પાસે પૂરા 100 સાંસદો પણ નથી અને દેશના ફક્ત બે રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર છે, અને એ પણ આપસી જૂથવાદમાં ફસાયેલી છે. ઉત્તરપ્રદેશ, બંગાળ અને બિહાર જેવા દેશના સૌથી મોટા રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે ત્યાં તેને ઉમેદવારો સુદ્ધાં મળતાં નથી. લોકસભાની કુલ 180 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસને એક મત સુદ્ધાં મળ્યો નથી. પક્ષ ગમે તેટલો જૂનો હોય તો પણ આ સ્થિતિ લાંબી ચાલે એ તેનાં અસ્તિત્વ માટે જોખમરૂપ બની શકે છે. કોંગ્રેસ એ દિશાએ સડસડાટ આગળ વધી રહી છે.

ગઠબંધન કરવું કે ન કરવું?

જ્યારે પોતાના દમ પર ચૂંટણી જીતવાનું શક્ય નથી ત્યારે યોગ્ય પક્ષ સાથે ગઠબંધન કરવું અનિવાર્ય છે. કોંગ્રેસે પણ એવા પ્રયોગો કરેલા છે, પરંતુ તેમાં કામિયાબી મળી નથી. ઉલટાની એવી છાપ પડે છે કે કોંગ્રેસ સાથે હાથ મિલાવવાથી પ્રાદેશિક પક્ષોએ પણ નુકસાન સહેવાનો વારો આવે છે. આ સંજોગોમાં કોંગ્રેસે લાંબા ગાળાની રણનીતિ અપનાવવી પડે. કાયમ માટે ગઠબંધનમાં મોટાભાઈ થવાની આદત છોડીને હવે નત મસ્તકે નાનાભાઈ કે ભત્રીજા, ભાણિયા થવાની ય ટેવ પાડવી પડે. વિવિધ રાજકીય પક્ષો તો છોડો, પ્રશાંત કિશોર જેવા વ્યુહનીતિકારને પણ કોંગ્રેસ પોતાની સાથે રાખી શકતી નથી. રાહુલ પર વેકેશન પોલિટિક્સના આક્ષેપ થાય છે એ સદંતર ખોટા નથી. તમે જ્યારે સત્તા માટે ફાંફા મારો છો ત્યારે પણ તમે સર્વસત્તાધીશની માફક અપ્રાપ્ય રહો, કાર્યકરો-નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત ન કરો તો પોતાના પક્ષમાં ય તમે સંવાદ ઊભો કરી શકવાના નથી. એ સ્થિતિમાં ગઠબંધનની રાજનીતિ તો તમને ફાવશે જ કેવી રીતે?

કોંગ્રેસ

ભૂતકાળનો ભાર છોડવો રહ્યો

અગાઉની પેઢીએ કરેલી ભૂલોના ભારમાંથી કોંગ્રેસે બહાર નીકળવું પડશે. હજુ ય કલમ 370ની નહેરુની ભૂલ કે કટોકટી લાગુ કરવાની ઈન્દિરાની ભૂલ કે દિલ્હીના રમખાણોની રાજીવની ભૂલ ભાજપ તો યાદ કરાવ્યા જ કરશે, પરંતુ કોંગ્રેસ પાસે નહેરુની માળખાગત સુવિધાથી માંડીને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પણ છે, પાકિસ્તાનના બે ટુકડા કરવાનું ઈન્દિરાનું પરાક્રમ છે અને રાજીવના શાસનમાં કમ્પ્યૂટર, ટેલિકોમ ક્રાંતિ પણ છે. મનમોહન-નરસિંહરાવનું ગ્લોબલાઈઝેશન પણ છે. આ દરેક મુદ્દે કોંગ્રેસે આક્રમકતાપૂર્વક આત્મવિશ્વાસ સાથે જવાબ વાળવા પડશે. જનતાના મનને પારખીને મુદ્દાઓ ઓળખવા પડશે, જે કામ નવોદિત હોવા છતાં આમઆદમી પાર્ટી હાલ સુપેરે કરી રહી છે. કોંગ્રેસે જૂના પક્ષનો ફાંકો છોડીને નવા સમયની જરૂરિયાત મુજબ કાયાકલ્પનો આ પડકાર ઊઠાવવો પડશે.

નેતૃત્વનું ઊંટ મારવાડ તરફ જ કેમ જુએ છે?

ભૂવો ધૂણે પછી ઘર ભણી જ નાળિયેર ફેંકે એમ જ્યારે જ્યારે નેતૃત્વ સંકટની ચર્ચા થાય ત્યારે રાહુલનો વિકલ્પ સોનિયા બની જાય અને સોનિયાના વિકલ્પે પ્રિયંકાની ચર્ચા થાય. ગાંધી પરિવારનું આ વળગણ જ કોંગ્રેસની ઘોર ખોદનારું સૌથી મોટું બુલડોઝર બની રહ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડની સામે પડેલાં G-23 તરીકે ઓળખાતા જૂથના નેતાઓની પણ લાગણી/માગણી એ જ છે કે હવે ગાંધી પરિવારની બહાર નજર દોડાવવાનો સમય પાકી ગયો છે. હજુ ય કોંગ્રેસ પાસે બળવાન, કોઠાસૂઝ ધરાવતા નેતૃત્વની ખોટ નથી. અશોક ગેહલોતથી માંડીને કે.સી. વેણુગોપાલ જેવા નેતાઓ છે જે ભાજપની આક્રમક ચતુરાઈનો જવાબ વાળવા સક્ષમ છે.

કોંગ્રેસ

ઉદયપુરથી ઉદય ન થાય તો અસ્ત નિશ્ચિત

કોંગ્રેસે ખુલ્લા મનથી ચર્ચા કરવાનો દેખાડો કરીને હાઈકમાન્ડનો વિરોધ કરનાર G-23 ઉપરાંત કોઈપણ હોદ્દા પર ન હોય એવાં કોંગ્રેસના 50થી વધુ સમર્પિત નેતાઓને ઉદયપુર ચિંતન શિબિરમાં આમંત્રિત કર્યા છે. એવું હરગિઝ નથી કે સમગ્ર દેશ ભાજપનો સમર્થક છે. કોંગ્રેસની મધ્યમમાર્ગિય અને સર્વસમાવેશક વિચારધારાનો દેશને આજે પણ ખપ છે જ. આજે પણ કોંગ્રેસ જ રાષ્ટ્રીય વિકલ્પ બની શકે તેમ છે, પરંતુ સમય બદલાયો છે ત્યારે કોંગ્રેસ જ નેતૃત્વ કરે એવું અનિવાર્ય રહ્યું નથી એ હવે કોંગ્રેસે સમજવું પડશે અને એ લોકશાહીના હિતમાં પણ રહેશે.

Read Also

Related posts

ઈન્કટેક્ષની રેડ! અમદાવાદ ITનો રેલો હિંમતનગર, પ્રાંતિજ સુધી લંબાયો, એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે દરોડા

pratikshah

દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા

pratikshah

માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

Bansari Gohel
GSTV