GSTV
Home » News » ગુજરાતમાં કોંગ્રેસને ભાજપ નહીં કદાવર નેતાઓ જ હરાવશે, રાહુલ ગાંધી પણ રહ્યાં નિષ્ફળ

ગુજરાતમાં કોંગ્રેસને ભાજપ નહીં કદાવર નેતાઓ જ હરાવશે, રાહુલ ગાંધી પણ રહ્યાં નિષ્ફળ

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામુ ધરી દીધા બાદ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. આશા પટેલે સંગઠનના કોઇ ઠેકાણાં જ નથી તેવો આક્ષેપ કર્યો છે. આ જ મુદ્દે હવે અમિત ચાવડા હટાવો અભિયાન શરું થયું છે. પાટીદાર ધારાસભ્યોએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે. આ ઉપરાંત દસથી વધુ અસંતુષ્ટ ધારાસભ્યોએ તો હાઇકમાન્ડને પત્ર લખી સંગઠનમાં આમૂલ ફેરફાર કરવા રજૂઆત કરી છે. સૌરાષ્ટ્ર લાંબી હવે સક્રિય થઈ ગઈ છે. ભરત સિંહ સોલંકીને હટાવ્યા બાદ પણ તેઓ બેક સીટ ડ્રાઈવિંગ કરી રહ્યાં છે. ગુજરાતમાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા વચ્ચેની કડવાશ હવે નવી નથી. કોંગ્રેસમાં અંદરો અંદરના ડખાનો ભાજપ ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે. કોંગ્રેસમાં નેતાઓની કમી ન હોવાથી કાર્યકરો ઓછા પડી રહયા છે. દિલ્હીમાં અહેમદ પટેલ અને પ્રભારી રાજીત સાતવ સામે જ અમિત ચાવડા અને ધાનાણી વચ્ચે તુ તું મેં મેં થઈ હોવાના અહેવાલો છે. પાટીદાર ધારાસભ્યો દિલ્હીમાં હોવાની માહિતી મળતાં અમિત ચાવડા પણ દિલ્હી પહોંચી ગયા હતા. આ બાબતે અહેમદ ભાઈએ વચ્ચે પડીને આ મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ભાજપ આ તમામ બાબતો પર નજર રાખી રહ્યું છે. અગાઉ પણ ભાજપે કોંગ્રેસના અસંતોષનો લાભ ઉઠાવ્યો છે. લોકસભા પહેલાં કોંગ્રેસમાં નવાજૂની થવાના એંધાણ છે. જેનો ફાયદો ભાજપને મળશે એ વાસ્તવિકતા છે.

ભાજપને સામેથી સીટો ધરી દેશે કોંગ્રેસ

આશા પટેલના રાજીનામા બાદ હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે.અમિત ચાવડા હજુય સંગઠનને સક્રિય કરવામાં નિષ્ફળ રહ્યાં છે. ભરતસિંહ સોલંકી સંગઠન પર બેકસીટ ડ્રાઇવ કરી રહ્યાં છે. આ ઉપરાંત અમિત ચાવડાના અંગત વ્યકિતઓને પ્રદેશના સંગઠનમાં હોદ્દા આપી દેવાયાં છે. આવી ફરિયાદો છેક દિલ્હી દરબારમાં પહોંચી છે. હાલમાં આ બાબતે સતત વિવાદો ચાલી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી ટાણે જ પ્રદેશ અધ્યક્ષ સામે બળવાની સ્થિતિથી ભાજપ ખુશ થઈ ગયું છે. ભાજપને ખબર જ છે કે કોંગ્રેસ અંદરો અંદરની લડાઈમાં ભાજપને સીટો સામેથી ભેટ ધરી દેશે. અા વર્ષે રાહુલ ગાંધી સક્રિય હોવાને કારણે અસંતોષનો મામલો દબાવી દેવાશે તેવી સંભાવનાઓ હતી પણ રાહુલ પણ ગુજરાતના કદાવર નેતાઓના અસંતોષને ડામવામાં નિષ્ફળ પૂરવાર થયા છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન આવતી હોવાનું કારણ કોંગ્રેસ પોતે જ છે. આ અંગે રાહુલ ગાંધી સીરિયસ નહીં થાય તો લોકસભામાં વર્ષ 2014નું પુનરાવર્તન થશે અને કોંગ્રેસના નેતાઓ ન ખાઈ શકશે અને ન ખાવા દેશે તેમ ભાજપને સીટો સામેથી ધરી દઈને મોં વકાસીને બેસી જશે.

પાટીદાર ધારાસભ્યોની ય એક ગુપ્ત બેઠક મળી

ધારાસભ્ય લલિત વસોયા, ધારાસભ્ય લલિત કગથરા અને ધારાસભ્ય કિરીટ પટેલ દિલ્હી પહોંચ્યાં છે. અહેમદ પટેલને મળીને તેમણે સંગઠનની વર્તમાન સ્થિતી અંગે રજૂઆત કરશે. એવી ચર્ચા છે કે, પાટીદાર ધારાસભ્યોની ય એક ગુપ્ત બેઠક મળી હતી. એવી ય જાણકારી મળી છેકે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દસેક ધારાસભ્યોએ હાઇકમાન્ડને પત્ર લખી ગુજરાત કોંગ્રેસની વાસ્તવિકતા વિશે રજૂઆત કરી છે.તેમણે પત્રમાં સ્પષ્ટ ચિમકી આપી છેકે, જો આ સ્થિતીમાં સુધારો નહી આવે તો, લોકસભાની ચૂંટણી પહેલાં ઘણાં ધારાસભ્યો પક્ષ છોડી શકે છે. આમ,ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિરુધ્ધ અસંતોષનો ચરુ ઉકળ્યો છે. આ જોતાં હાઇકમાન્ડે આખોય મામલો થાળે પાડવા કવાયત શરૂ કરી છે. આ તમામ બાબતો પર રૂપાણી સરકાર પણ ચાંપતી નજર રાખી રહી છે. મોકો મળતાં જ ભાજપ સક્રિય થઈને કોંગ્રેસની મજબૂત વિકેટો પાડી દેશે. આ ભાજપની ફિતરત રહી છે.

Related posts

PM મોદીનાં ટ્વીટવાળા મજાક પર આવ્યો ટ્વિન્કલ ખન્નાનો જવાબ

Mayur

રાજ્યમાં વધ્યો ગરમીનો પારો,યલો એલર્ટ જાહેર કરાયુ

Path Shah

LoC ટ્રેડ રૂટ: સરહદ પાર વેપાર કરવામાં સફળ 10 આતંકીઓ પાક. જવામાં સફળ,ISIની સક્રિય ભૂમિકા

Riyaz Parmar