અમદાવાદના શ્રી બાલાજી ગ્રૂપના બિલ્ડરની પત્ની સહિત 4 સામે પોલીસ ફરિયાદ, હત્યાની કોશિષ કરી

સાબરમતી ઓએનજીસી વર્કશોપ અચેર ડેપો પાસે સોમવારે સાંજે શ્રી બાલાજી ગ્રૂપના બિલ્ડર આશિષ શાહની પત્ની બિનીતા સહીતના લોકોએ વેપારી પર કાર ચડાવી દઈ તેને નાંખવાની કોશિષ કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે બિલ્ડર આશિષની પત્ની બિનીતા સહીતના લોકો વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી ચાર્ટડ એકાઉન્ટન્ટ સહીત ચારને ઝડપ્યા છે. જયારે બિનીતા શાહ ફરાર થઈ ગઈ હતી. વેપારીએ બે દિવસ પહેલા શ્રી બાલાજી ગ્રૂપના બિલ્ડર આશિષ શાહ અને તેની પત્ની બિનીતા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ ચાંદખેડામાં કરી હતી. ઠગાઈના ગુનામાં ફરાર બિનીતાને પોલીસ પકડી લે તે બિનીતાની કાર આગળ ઊભી રાખી હતી.બાદમાં પોલીસને ફોન કર્યો હતો. જો કે, વેપારી પર હુમલો કરી અન્ય આરોપીઓ બિનીતાને ભગાડવામાં સફળ થયા હતા.

40 લાખની ઠગાઈની નોંધાવી હતી ફરિયાદ

ચાંદખેડા વિસ્તારમાં ન્યુ સી.જી.રોડ પર આવકાર વિલામાં રહેતાં તેજસ શંકરભાઈ પટેલ (ઉં.૩૦) દરિયાપુર મ્યુનિસીપલ કોમ્યુનિટી હોલની સામે પાછળ તેજસ હાર્ડવેરના નામે ધંધો કરે છે. તેજસ પટેલે ગત શનિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બાલાજી ગ્રૂપના બિલ્ડર આશિષ શાહ અને તેની પત્ની બિનીતા વિરુદ્ધ રૂ.૪૦ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં બિલ્ડર આશિષ શાહ અને તેની પત્ની બિનીતાની ધરપકડ થઈ ન હતી. દરમિયાનમાં અચેર ડેપો ઓએનજીસી રોડ ચાર રસ્તા પાસે તેજસ પટેલ પોતાની કાર લઈને સાંજે નીકળ્યા હતા. તે સમયે તેની નજર પડી તો બિનીતા શાહ અન્ય કારમાં જઈ રહી હતી. આથી, તેજસ પટેલે બિનીતાની કાર આગળ પોતાની કાર ઊભી રાખી હતી. તે સમયે કારમાંથી ઉતરેલા ડ્રાઈવરે વેપારી તેજસ પટેલને બિભત્સ શબ્દો  બોલવાનું શરૂ કર્યું હતું.

બીનીતાને પોલીસ આવે પહેલાં ભગાડી દેવાઈ

આથી, તેજસ પટેલે પોલીસ આવે છે તેમ કહેતાં બિનીતા શાહે કોઈને ફોન કર્યો હતો. તે દરમિયાનમાં અન્ય બે કારમાં કેટલાક લોકો સ્થળ પર પહોંચ્યા હતા. જેમાં લોકેશ બત્રાએ તેજસ પટેલને જણાવ્યું કે, મને આશિષ શાહે મોકલ્યો છે હું કોઈપણ સંજોગોમાં બિનીતાને ભગાડી જઈશ. તે પછી આરોપીઓએ તેજસ પટેલે પર હુમલો કર્યો બાદમાં લોકેશ બત્રાએ ડ્રાઈવરને કીધું કે, બિનીતાને બેસાડીને ભાગી જા અને આની પર કાર ચડાવી દે. બિનીતા બેસીને ડ્રાઈવરે કાર ચાલુ કરીને તેજસ પટેલ પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેજસ પટેલને મારી નાંખવાનો પ્રયાસ નિષ્ફળ ગયો

તેજસ પટેલને મારી નાંખવાનો પ્રયાસ નિષ્ફળ ગયો પરંતુ તેને ઈજાઓ પહોંચી હતી. દરમિયાનમાં સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી લોકેશ બત્રા, મહેન્દ્ર ઠાકોર ,કિરણ શાહ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ મલયને સ્થળ પરથી ઝડપી લીધા હતા. પોલીસે બિનીતા શાહ સહીતના લોકો વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter