GSTV

ABVP અને NSUI વચ્ચે થયેલી બબાલ મામલે ઋત્વિજ પટેલ સહિતના 70 થી 80ના ટોળા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Last Updated on January 7, 2020 by

ABVP અને NSUI હિંસાના મામલે ઘણી કલાકો બાદ અંતે પાલડી પોલીસે NSUIની ફરિયાદ દાખલ કરી. જેમાં NSUI પ્રદેશ મહામંત્રી નિખિલ સવાણી ફરિયાદી બન્યો. જેમાં હત્યાના પ્રયાસ, રાયોટિંગ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાયો છે. જ્યારે આરોપી તરીકે પ્રદીપસિંહ વાઘેલા, ઋત્વિજ પટેલ સહિતના 70 થી 80ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તો સામે ABVP દ્વારા પણ ફરિયાદ અપાઇ છે.

વાત દિલ્હીના જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીની હિંસાની હતી અને તંગદીલી ગુજરાતમાં સર્જાઇ ગઇ. જેએનયૂમાં હુમલાના વિરોધમાં એનએસયુઆઇએ ધરણા કર્યા. તો સામે એબીવીપીના કાર્યકરો આવી ગયા અને ત્યારબાદ જે સમરાંગણ સર્જાયુ તે જોઇને એવું લાગે કે શું આ શાંતિનું પ્રતિક ગણાતું ગુજરાત છે.

એબીવીપી હોય કે એનએસયુઆઇ ભવિષ્યના નેતા અને રાજકારણી બનવાનું જાણે આ પ્રથમ પગથિયુ ગણાય છે. ત્યારે પ્રથમ પગથિયામાં જ રાજકારણના દરેક રંગ જોવા માટે જાણે બંને સંગઠનોના કાર્યકરો આતુર હોય તેવી રીતે તેમાં રાજકારણ પણ આવે અને હિંસા પણ આવે. આવા જ દ્રશ્યો જોવા મળ્યા અહિંસાની ભૂમિ ગણાતા ગુજરાતના અમદાવાદમાં. હાથમાં દંડા અને ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો. એનએસયુઆઇના કાર્યકર નિખિલ સવાણી ચારે તરફથી ઘેરાઇ ગયા હતા. તેમના શ્વેત વસ્ત્રો રક્તથી લાલ થઇ ચૂક્યા હતા. લોહી લુહાણ હાલતમાં તેઓનો આક્ષેપ હતો કે તેમના પર જીવલેણ હુમલો થઇ રહ્યો હતો તે સમયે પોલીસ મૂક પ્રેક્ષક બનીને ઉભી હતી.

ઘટનાની વાત કરીએ તો જેએનયૂમાં હુમલાની ઘટનાના વિરોધમાં એનએસયૂઆઇના કાર્યકરો વિરોધ કરવા પાલડી સ્થિત એબીવીપી કાર્યાલય પહોંચ્યા ત્યારે બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઘર્ષણ સર્જાયુ અને ત્યારબાદ એનએસયુઆઇના કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના બાદ ઋત્વિજ પટેલે આ ઘટનાને વખોળી હતી.

તો આ ઘટનામાં જેના પર હુમલાનો આક્ષેપ થયો છે તે એબીવીપીએ કહ્યું કે એનએસયૂઆઇનો એબીવીપી કાર્યાલય પર ઘેરાવનો પ્લાન હતો અને તેઓએ પથ્થરમારો પણ કર્યો ત્યાં સુધી કે એબીવીપી કાર્યકરે કહ્યું કે આ ગાંધીનો જમાનો નથી.

આ ગાંધીનો જમાનો નથી. એનો મતલબ એવો પણ કરી શકાય કે હિંસા કરીને કાયદો હાથમાં લઇ લેવાનો. ભલે ગાંધીનો જમાનો ન હોય પણ આ ગાંધીની કર્મભૂમિ તો છે જ. અહીં નવનિર્માણ આંદોલન પણ થયું છે અને શાંતિપૂર્ણ રીતે દાંડી યાત્રા પણ. પરંતુ આ તો રાજનીતિના રંગ છે અને રાજનીતિનો રંગ લોહીના રંગની જેમ જ લાલ હોય છે. અને ગુજરાતના રાજકારણમાં હવે આ રંગ ભળી ચૂક્યો છે. જે ગુજરાતના ભવિષ્ય માટે સારુ નથી. કેમકે વિદ્યાર્થી સંગઠનોના નામે થતી આવી હિંસા ગુજરાતને અધોગતિ તરફ લઇ જશે તેમાં કોઇ શંકા નથી.

READ ALSO

Related posts

રસીકરણ/ દેશમાં અત્યાર સુધી 161 કરોડથી વધુ લોકોને અપાયો કોરોના વેક્સિન ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

Bansari

આ સ્કીમમાં મળશે 30,000 રૂપિયા, કોણ માટે છે આ સ્કીમ અને કેવી રીતે કરવું અરજી; જાણો બધી ડીટેલ

Damini Patel

મોંઘવારી/ રાજકોટમાં સીંગતેલ અને કપાસિયા તેલનાં ભાવ ફરી આસમાને, જાણો ડબ્બે કેટલાં રૂપિયાનો થયો વધારો?

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!