રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને એશિયાટિક સિંહો ભારતના વન્યજીવોમાં આગવું સ્થાન ધરાવે છે, પરંતુ વાઘના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતા બજેટ અને સિંહો માટે આપવામાં આવતા બજેટની સરખામણી કરવામાં આવે તો જાણી શકાય છે કે વાઘની સરખામણીએ સિંહોના સંરક્ષણ માટે અપાતા બજેટમાં ખૂબ મોટો તફાવત છે.
ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે કરેલા પ્રયત્નોની ચર્ચા બધે જ થાય છે. વિધાનસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ વારંવાર એવો ઉલ્લેખ કરતા હતા કે હવે ગુજરાતમાં તેમજ કેન્દ્રમાં ગુજરાતીઓના પ્રશ્નો સાંભળી શકે તેવી સરકાર છે, પરંતુ સિંહોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર તરફથી મળતા બજેટમાં આ દાવાથી વિપરિત પરિસ્થિતિ જોવા મળી છે.
2226 વાઘના સંરક્ષણ માટે 342 કરોડ
કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન વાઘના સંરક્ષણ માટે ૩૪૨ કરોડ રૃપિયાની ફાળવણી કરી હતી. ૨૦૧૪ની સંખ્યાગણતરી પ્રમાણે દેશમાં ૨૨૨૬ વાઘ હતા. આ રકમને જો વાઘદીઠ વહેંચવામાં આવે તો વાઘદીઠ આશરે ૧૫,૩૮,૦૦ રૃપિયાની ફાળવણી કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે તેવું કહી શકાય. ૨૦૧૫ની સંખ્યાગણતરી પ્રમાણે ગીરમાં ૫૨૩ એશિયાટીક સિંહ છે, જેમના સંરક્ષણ માટે વર્ષ ૨૦૧૬-૧૭માાં ૪.૯૭ રૃપિયાનું ભંડોળ મળ્યું છે. આ ભંડોળ દરેક સિંહદીઠ વહેંચવામાં આવે તો સિંહદીઠ ૯૫ હજાર રૃપિયાનું ભંડોળ કેન્દ્ર સરકાર તરફથી મળે છે.
523 સિંહના સંરક્ષણ માટે 4.97 કરોડ
ગુજરાત સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે એક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર પાસે મદદની માગણી કરી હતી. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખચ ૧૫૦ કરોડ રૃપિયા હતો, જેમાંથી ગુજરાત સરકાર ૧૫ કરોડ રૃપિયા ખર્ચ કરવાની હતી અને બાકીના ૧૩૫ કરોડ રૃપિયા કેન્દ્ર સરકાર પાસેથી મેળવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ ભંડોળનો પ્રસ્તાવ રજૂ નહોતો થયો અને વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન રાજ્ય સરકારને ફરી પ્રસ્તાવ તૈયાર કરવાનું સૂચન કેન્દ્ર સરકારે કર્યુ હતું.
ગ્રાન્ટમાં ક્યારેક ઘટાડો
વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ભલે નવી સરકાર આવી હોય પરંતુ ૨૦૧૪-૧૫ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સિંહોના સંરક્ષણ માટે ૬.૩૫ કરોડ રૃપિયા મળ્યા હતા જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં આ આંકડો ઘટીને ૩.૯૬ કરોડે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તત્કાલિન પર્યાવરણ પ્રધાન જયરામ રમેશ પર નિશાન સાધ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ ફાળવણી મુદ્દે અન્યાય કરવામાં આવે છે.